Western Times News

Gujarati News

ખેતરમાં રસ્તો આપવાની બાબતે બે યુવતીઓને માર માર્યો

ઝઘડિયાના કોલીયાપાડા ગામે ખેતરમાં રસ્તો આપવાની બાબતે બે યુવતીઓને માર માર્યો

ખેતરમાં વચ્ચેથી રસ્તો આપવાની ના પાડતા બે ઈસમોએ ઝઘડો કર્યો હતો.

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકની હદના કોલીયાપાડા ગામે પોતાના ખેતરમાં જવા અન્યના ખેતર માંથી વચ્ચેથી રસ્તો માંગનાર બે ઈસમોએ બે યુવતીઓને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવા બાબતે ફરિયાદ લખાવા પામી છે.મળતી વિગતો મુજબ કોલીયાપાડા ગામે રહેતી દિપીકાબેન ભુપતભાઈ વસાવા નામની યુવતી તેની દાદી અને ભાઈ બહેનો સાથે તેમના ખેતરમાં બાંધેલા ઘરમાં રહે છે.

દરમ્યાન ગત તા.૧૫ મીના રોજ તેમના ખેતરની બાજુમાં ખેતર ધરાવતા વૈભવભાઈ વસંતભાઈ વસાવા અને અક્ષયભાઈ ઝવેરભાઈ વસાવા લાકડી અને ધારીયું લઇને આવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા.આ લોકો કહેતા હતા કે તમે અમોને અમારા ખેતરમાં જવા તમારા ખેતર માંથી રસ્તો કેમ આપતા નથી? ત્યારે દિપીકાએ તેમને જણાવેલ કે ખેતરના છેડાથી જવાય છે, ત્યાં થઇને જાવ.ત્યાર બાદ આ લોકોએ દાદાગીરી કરીને કહ્યુ હતું કે ખેતરના છેડેથી નહી પણ અમારે ખેતરના વચ્ચેથી રસ્તો જોઈએ છે.

દિપીકા અને તેના પરિવારજનોએ ખેતરમાં વચ્ચેથી રસ્તો આપવાની ના પાડતા આ લોકોએ દિપીકા અને તેની બહેનને ઢિકાપાટુનો માર માર્યો હતો.ત્યાર બાદ આ લોકો ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. આ ઘટના અંગે દિપીકાબેન ભુપતભાઈ વસાવા રહે.કોલીયાપાડાનાએ વૈભવભાઈ વસંતભાઈ વસાવા તેમજ અક્ષયભાઈ ઝવેરભાઈ વસાવા બન્ને રહે.કોલીયાપાડા તા.ઝઘડિયા વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.