Western Times News

Gujarati News

ગુજરાતમાં “શ્રેષ્ઠ શિક્ષક”ની પસંદગી અને પુરસ્કારની પસંદગી પ્રક્રિયામાં ફેરફાર

અન્ય વ્યક્તિ, સમાજ કે સંસ્થા પણ શ્રેષ્ઠ શિક્ષકના ઉમેદવારના નામ સૂચવી શકશે-જિલ્લા પસંદગી સમિતિએ આવી વ્યક્તિના કાર્યની ચકાસણી અને પસંદગી પ્રક્રિયામાં નામનો સમાવેશ કરાશે 

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને પ્રોત્સાહિત કરવાના આશયથી પ્રતિ વર્ષ ‘‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’’ એનાયત કરવામાં આવે છે. આ શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી પ્રક્રિયામાં શિક્ષણ વિભાગ દ્વારા ફેરફાર કરાયો છે. જેમાં વ્યક્તિ, સમાજ કે સંસ્થા પણ શ્રેષ્ઠ શિક્ષકોના ઉમેદવારના નામ સૂચવી શકશે. જિલ્લા પસંદગી સમિતિએ આવા વ્યક્તિઓના કાર્યના સ્થળની ચકાસણી કરી પસંદગી પ્રક્રિયામાં તેઓના નામનો સમાવેશ કરવાનો રહેશે એમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, રાજ્યની સરકારી, બિનસરકારી અનુદાનિત પ્રાથમિક, માઘ્યમીક ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોનો પોતાના કાર્યમાં જોમ અને જૂસ્સો વધે અને તેઓ પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી શિક્ષણ વિભાગે રાજ્યના ‘શ્રેષ્ઠ શિક્ષક’ તરીકે પસંદગી કરવાના હાલના માપદંડમાં સુધારો કરાયો છે

જેમાં, પસંદગી માટે અન્ય વ્યક્તિ, સમાજ કે સંસ્થા પણ શ્રેષ્ઠ શિક્ષકનાં ઉમેદવારનાં નામ જિલ્લા પસંદગી સમિતિને સૂચવી શકશે. જિલ્લા પસંદગી સમિતિએ પણ નિયત નમૂનામાં દરખાસ્ત મેળવી તેવી વ્યક્તિઓનાં કાર્યની પણ સ્થળ ચકાસણી કરી પસંદગી પ્રક્રિયામાં સમાવેશ કરાયો છે.

પુરસ્કારની શ્રેણીમાં તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના અને રાજ્યકક્ષાએ એવોર્ડની પસંદગી માટે અનુભવ કામગીરીને ધ્યાને લેવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે તાલુકા કક્ષાએ રૂ. ૫,૦૦૦ રોકડ પુરસ્કાર જિલ્લા કક્ષાએ રૂ. ૧૫,૦૦૦ અને રાજ્ય કક્ષાએ રૂ. ૫૧,૦૦૦ રોકડ પુરસ્કાર સાથે સાલ,પ્રમાણપત્ર તથા જે તે શાળા માટે બ્રાસ પ્લેટ એનાયત કરવામાં આવે છે.

આ પારિતોષિક માટે રાજ્યને કુલ ચાર ઝોનમાં વિભાજીત કરાયું છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, મોરબી, ગીરસોમનાથ, દેવભૂમિદ્રારકા, પોરબંદર, અમરેલી જિલ્લાઓનો સમાવેશ કરાયો છે.ઉત્તર ઉત્તર ગુજરાત ઝોનમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહિસાગર, મહેસાણા, સુરેન્દ્રનગર જિલ્લાઓનો સમાવેશ કરાયો છે.

મધ્ય ગુજરાત ઝોનમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, બોટાદ, દાહોદ જિલ્લાઓનો સમાવેશ કરાયો છે.દક્ષિણ ગુજરાત ઝોનમાં વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા જિલ્લાઓનો સમાવેશ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ કેટેગરી પૈકી જેઓને ભારત સરકાર તરફથી શિક્ષકો માટેનું રાષ્ટ્રીય પારીતોષિક મેળવેલ હોય તેઓ આ પારિતોષિક માટે પાત્ર ગણાશે નહીં. આ પારિતોષિક સરકારી કે અનુદાનિત પ્રાથમિક શાળાનાં શિક્ષક, માધ્યમિક શાળાનાં શિક્ષક,

ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં શિક્ષક, માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક શાળાનાં આચાર્ય, સી.આર.સી., બી.આર.સી. મદદનીશ શિક્ષણ નિરીક્ષક, એચ.ટાટ મુખ્ય શિક્ષક, કેળવણી નિરીક્ષક અને અપંગ બાળકોને શિક્ષણ આપતી સરકારી અને અનુદાનિત શાળાનાં શિક્ષકો માટે કુલ-૫૨ (બાવન) શિક્ષકોની પસંદગી કરીને પારિતોષિક અપાશે.

તાલુકા અને જિલ્લાકક્ષાનાં પારિતોષિક માટે શિક્ષકોની પસંદગી પ્રક્રિયા માટે રાજ્યકક્ષા રાજ્યકક્ષાના પારિતોષિક માટે નામોની ભલામણ કરવા માટે જીલ્લા કક્ષાએ એક પસંદગી સમિતીની રચના કરાઈ છે.

રાજ્ય કક્ષાની પસંદગી સમિતિએ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા માટે નામોની પસંદગી કરી શિક્ષણ વિભાગને ભલામણ કરશે.આ સાથે જ શ્રેષ્ઠ શિક્ષકની પસંદગીના ઘોરણો પણ નક્કી કરાયા છે. વિવિધ કેટેગરી પ્રમાણે પસંદગી પ્રક્રિયાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે તે સમયગાળામાં આ પ્રક્રિયા પુર્ણ કરવાની રહેશે.

શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગીના માપદંડમાં શિક્ષણ વિભાગે કરેલા મહત્વના ફેરફારોના આધારે આગામી શિક્ષક દિવસે શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે તાલુકા, જિલ્લા અને રાજ્યભરના શિક્ષકોની પસંદગી કરીને આગામી પમી સપ્ટેમ્બર-૨૦૨૨ના રોજ શ્રેષ્ઠ શિક્ષક તરીકેના એવોર્ડથી સન્માનિત કરાશે. -ઋચા રાવલ/ભરત ગાંગાણી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.