Western Times News

Gujarati News

ટાટા મોટર્સ ફોર્ડ ઈન્ડિયાનો સાણંદ પ્લાન્ટની મશીનરી સાથે હસ્તગત કરશે

 ગુજરાતમાં ઇલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનથી ગ્રીન મોબિલીટી દ્વારા આત્મનિર્ભર ભારત સાકાર થશે

ગુજરાત સરકાર-ટાટા પેસેન્જર ઇલેક્ટ્રીક મોબિલીટી અને ફોર્ડ ઇન્ડીયા વચ્ચે ત્રિપક્ષીય સમજુતિ કરાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાત સરકાર, ટાટા મોટર્સની સબસિડીયરી ટાટા પેસેન્જર ઈલેક્ટ્રીક મોબિલિટી લિમિટેડ અને ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર સંપન્ન થયા હતા.

ગુજરાત સરકારે 2011માં ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે કરેલા સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટના અનુસંધાને તથા ટાટા મોટર્સની પેટાકંપની ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ વચ્ચે થયેલી સમજૂતીના સંદર્ભમાં આ ત્રિપક્ષીય સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.

તદઅનુસાર, ટાટા મોટર્સ લિમિટેડ ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો સાણંદ પ્લાન્ટ બધી જ જમીન, બિલ્ડિંગ અને વ્હીકલ એસેમ્બલી, પ્લાન્ટની મશીનરી સાથે હસ્તગત કરશે.

એટલું જ નહીં, ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટના તમામ કર્મચારીઓને ટાટા મોટર્સમાં સમાવી લેવાશે. ફોર્ડ ઈન્ડિયા પ્રા.લિ. સાણંદ ખાતેના પ્લાન્ટમાં એન્જિન ઉત્પાદન યથાવત ચાલુ રાખશે અને આ હેતુસર ટાટા મોટર્સ તેમને લીઝ પર જમીન ઉપલબ્ધ કરાવશે.

ગુજરાત સરકાર નિયમાનુસારની  જરૂરી પરવાનગીઓ માટે મદદરૂપ બનશે. આ ઉપરાંત પાણી, વીજળી, એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી કોમન ફેસિલિટીઝ પણ ટાટા મોટર્સ અને ફોર્ડ ઈન્ડિયા વાપરી શકે તે માટે સહયોગ આપશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દીર્ઘ દ્રષ્ટિપૂર્ણ અભિગમ અને ત્વરિત નિર્ણાયક્તાને પરિણામે આ સમગ્ર વિષયે માત્ર ૯૦ દિવસના ટૂંકા ગાળામાં રાજ્ય સરકારના પોઝીટીવ  એપ્રોચથી આ એમ.ઓ.યુ સાકાર થયા છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ટાટા પેસેન્જર ઇલેક્ટ્રીક મોબિલિટી લિ. સાણંદ ખાતેના ફોર્ડ પ્લાન્ટની તમામ જમીન, બિલ્ડીંગ, ફોર્ડ વ્હીકલ મેન્યુફેકચરિંગ  ફેસિલિટીના પ્લાન્ટ, મશીનરી અને તેના તમામ કર્મચારીઓને સ્વીકારશે.

આ સૂચિત હસ્તાંતરણથી મોટા પ્રમાણમાં બેરોજગારી સર્જાવાનો પ્રશ્ન પણ અટકાવી શકાશે. ગુજરાતમાં  ઈલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનની  શરૂઆત થશે અને  પર્યાવરણ પ્રિય ગ્રીન મોબીલીટીની  પહેલમાં ગુજરાત અગ્રેસર રહેશે.

ફોર્ડ મોટર્સ જેવી વિદેશી કંપનીના ટાટા જેવી ભારતીય કંપની દ્વારા સૂચિત હસ્તાંતરણથી  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આત્મનિર્ભર ભારતનો ધ્યેય પાર પાડવાનું એક  વધુ કદમ ગુજરાત ભરશે. ફોર્ડ મોટર્સના પ્લાન્ટમાં ૩૦૪૩ સીધી રોજગારી અને અંદાજે ૨૦ હજાર જેટલી આડકતરી રોજગારી આપવામાં આવે છે.

આ પ્લાન્ટ બંધ થવાના કારણે અંદાજે ૨૫ હજાર જેટલા લોકો રોજગારી ગુમાવે તે રાજય સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો હતો. આ ઉપરાંત આ પ્લાન્ટને સ્પેરપાર્ટસ પૂરા પાડતા એન્સિલરી એકમો પણ બંધ થશે અને તેમાં કામ કરતા કામદારોની રોજગારી ઉપર પણ અવળી અસર પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ સૂચિત હસ્તાંતરણથી હવે તે પ્રશ્નનું નિવારણ આવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતને ઓટો હબ બનાવવાના  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સેવા કાળ દરમ્યાન સેવેલા સ્વપ્નને સાકાર કરવા  ઔદ્યોગિક  નીતિ-૨૦૦૯  અંતર્ગત, રાજ્ય સરકારે મેગા/ ઇનોવેટીવ પ્રોજેકટને સહાય આપવાનું જાહેર કર્યું હતું. મેગા/ઇનોવેટીવ યોજના હેઠળ ફોર્ડ મોટર્સ સાથે રાજ્ય સરકારે-૨૦૧૧માં સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટ (SSA) કર્યા હતા.

ફોર્ડ મોટર્સ દ્વારા અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા ખાતે પ્લાન્ટ શરૂ કરવામાં આવેલો હતો.  કુલ ૪૬૦ એકર જમીનમાં વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટ (૩૫૦ એકર) અને એન્જિન પ્લાન્ટ (૧૧૦ એકર) વિસ્તારમાં આવ્યા છે. ટાટા મોટર્સ દ્વારા, તેની સબસીડરી ટાટા પેસેન્જર ઇલેક્ટ્રીક મોબિલિટી લિ, તરફથી સાણંદ ખાતેના ફોર્ડ કંપનીના પ્લાન્ટની કામગીરી હસ્તગત (Acquire) કરવા વિધિસર દરખાસ્ત કરવામાં આવી છે.

હવે ફોર્ડ  ઇન્ડિયાના સાણંદ પ્લાન્ટના કર્મચારીઓનો  ઊભો થનારો બેરોજગારીનો પ્રશ્ન પણ આ સૂચિત હસ્તાંતરણથી  નિવારી શકાશે અને સ્થાનિકોને પણ રોજગારીના અવસર મળશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ અંગેના ત્રિ-પક્ષીય સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.

આ ત્રિ-પક્ષીય સમજૂતી કરાર પર ઉદ્યોગ વિભાગના અધિક  મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા, ટાટા મોટર્સના એમ.ડી શૈલેષ ચંદ્રા તેમજ ફોર્ડ ઇન્ડિયાના ટ્રાન્સફર્મેશન ઓફિસર અને કન્ટ્રી હેડ બાલાસુંદરમએ હસ્તાક્ષર કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers