Western Times News

Gujarati News

વઘઈ તેમજ ચીખલીમાં અઢી ઈંચથી વધુ વરસાદ

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈ અને નવસારી જિલ્લાના ચીખલીમાં અઢી ઈંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. દિવાળી ટાળે વરસાદના પગલે ખેડૂતઆલમ અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. નવસારી જલાલપોર વિસ્તારમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ સર્જાયા બાદ મોડી સાંજે વરસાદી છાંટણા થયા હતા.

જા કે, નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં સામી દિવાળીએ નોંધનીય, સારો એવો ચોમાસા જેવો વરસાદ ખાબકયો હતો. ચીખલી તાલુકામાં વાતાવરણમાં પલટો આવી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના ઉના, અમરેલીના ખાંભા, ગીર, ખડાધામર, મોટા બારમણ, બોરાળા, હનુમાનપુર, ચતુરી સહિના પંથકોમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસતાં સ્થાનિક ખેડૂતો ભારે ચિંતામાં ગરકાવ બન્યા હતા.

સાવરકુંડલામાં પણ બાઢડા પંથકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં ખેડૂતોએ પાકની વ્યાપક નુકસાનની ફરિયાદ કરી હતી. ખેડૂતોએ સારો પાક થવાની આશાએ ડાંગરની ખેતી કરી હતી ત્યારે ડાંગરનો પાક તૈયાર પણ થઈ ગયો હતો. જેનાથી ચાલુ વર્ષે સારા નફાની ખેડૂતોને આશા જાગી હતી પરંતુ અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેનાથી ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થયું છે.

જ્યારે બીલીમોરામાં પડેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ડાંગ જિલ્લાના વઘઈમાં પણ અઢી ઈંચ જેટલો વરસાદના પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો. દિવાળી ટાણે દિવાળીની ખરીદી માટે નીકળેલા લોકો વરસાદને કારણે કલાકો સુધી દુકાનોમાં જ રોકાવા મજબૂર બન્યા હતા.

દિવાળીના ફટાકડા અને દિવાળીનો રંગોળી અને સજાવટનો સામાન વેચવા માટે જાહેર માર્ગ પર બેસેલા લારી અને પાથરણાવાળા શ્રમજીવીઓ પણ માલ બચાવવા માટે અટવાતા જોવાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.