Western Times News

Gujarati News

ફડણવીસ-શિંદેનું કદ વધ્યું, ઉદ્ધવ-પવારની પકડ ઢીલી પડી

મુંબઈ, મહારાષ્ટ્રમાં સત્તારૂઢ શિવસેનામાં જે બળવો સર્જાયો છે તેના કારણે મહાવિકાસ અઘાડી સરકાર સંકટમાં મુકાઈ છે. શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે જે પ્રકારે બાગી વલણ અપનાવ્યું છે

તેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ વ્યાપ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમથી મહારાષ્ટ્રના રાજકારણના ૪ દિગ્ગજ નેતાઓ પર શું અસર પડી અને ભવિષ્યમાં શું થઈ શકે તે જાેઈએ.

શિવસેનામાં ઘણાં લાંબા સમયથી બગાવતના તણખા દેખાઈ રહ્યા હતા. ત્યાર બાદ રાજ્યસભા તથા વિધાન પરિષદની ચૂંટણીઓમાં તેને હવા મળી.

મહારાષ્ટ્રમાં ભાજપના વરિષ્ઠ નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ શિવસેનામાં જે પ્રકારે મતભેદો સર્જાયા તેનો લાભ મેળવવામાં સફળ રહ્યા.

પરિણામે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં ક્રોસ વોટિંગના કારણે ભાજપને રાજ્યસભા તથા વિધાન પરિષદની ચૂંટણીઓમાં વધારાનો એક-એક સદસ્ય મળી ગયો.

શિવસેનામાં મતભેદોના કારણે પ્રથમ વખત આટલા મોટા સ્તરે બળવો સર્જાયો છે. પાર્ટી પ્રમુખ તથા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે આ સંકટનો સામનો કરવો તે અત્યાર સુધીની સૌથી મોટી પરીક્ષા સમાન છે. આ સ્પષ્ટ સંકેત છે કે, તેમની પાર્ટી તથા ધારાસભ્યો પરની પકડ નબળી પડી છે.

આ બધા કારણોસર પાર્ટીમાં તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત તેમનું સ્વાસ્થ્ય પણ ઠીક નથી. ત્યારે હવે ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે તથા તેમના સમર્થકોને મનાવવામાં સફળ થશે કે નહીં તે જાેવાનું રહ્યું.

એક રીક્ષાચાલકમાંથી રાજકારણી બનેલા શિવસેનાના નેતા એકનાથ શિંદેએ બળવો પોકારીને પાર્ટીમાં પોતાની તાકાતનો પરિચય આપ્યો છે.

શિવસેનાના નેતા અનંત દિઘે સાથેની ઘનિષ્ઠતાના કારણે એકનાથ શિંદેને પાર્ટીમાં મહત્વ મળ્યું હતું. ત્યાર બાદ ધીમે-ધીમે પાર્ટીમાં તેમનું કદ વધવા લાગ્યું હતું. જાેકે અમુક મુદ્દે પાર્ટીના નેતૃત્વ સાથેના મતભેદોના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી નારાજ હતા.

આખરે તેમણે પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે બળવો પોકારી દીધો જેથી રાજ્યની મહાવિકાસ અઘાડી સરકાર પર જાેખમ સર્જાયું છે.શિવસેનામાં સર્જાયેલા બળવાના કારણે રાજનીતિના ધુરંધર ગણાતા ૮૧ વર્ષીય એનસીપી પ્રમુખ શરદ પવારની પ્રતિષ્ઠાને પણ અસર પહોંચી છે.

પોતાની પાર્ટીના તથા સહયોગી દળોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં પાવરધા ગણાતા પવાર પણ રાજ્યસભા તથા વિધાન પરિષદની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનના નેતાઓનું ક્રોસ વોટિંગ રોકવામાં સફળ ન થઈ શક્યા.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મહારાષ્ટ્રમાં સત્તામાંથી બહાર રાખવા શિવસેના-એનસીપી-કોંગ્રેસનું ગઠબંધન કરાવવામાં પવારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઉપરાંત એનસીપીમાં અજિત પવારે બળવો પોકાર્યો તથા તેમના ભાજપ સાથે સરકાર રચવાના ખેલ વખતે પણ પવાર એવો દાવ રમ્યા હતા કે, તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે થોડા સમયમાં જ રાજીનામુ આપી દેવુ પડ્યું હતું.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.