Western Times News

Gujarati News

એક દેશી ગાયની મદદથી ૩૦ એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે: રાજ્યપાલ

With the help of a One cow- natural agriculture can be done in 50 acres of land: Governor

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. દ્વારા આયોજિત ત્રિ-દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળામાં માર્ગદર્શન આપતા રાજ્યપાલશ્રી

“પ્રાકૃતિક ખેતી એટલે કામ એક, લાભ અનેક” -પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેતી સમૃદ્ધ બનશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થશે

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. દ્વારા આયોજિત ત્રિદિવસીય “પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ કાર્યક્રમ” માં અમદાવાદ, ગાંધીનગર અને બોટાદ જિલ્લાના ૧૪ તાલુકાના કુલ ૫૦૦ જેટલા ખેડૂતોને નીલકંઠધામ પોઇચાના શ્રી કૈવલ્ય સ્વરૂપ સ્વામીજી ૩ દિવસ સુધી વિગતવાર પ્રાકૃતિક ખેતી આધારિત માર્ગદર્શન પૂરું પાડશે. With the help of a One cow- natural agriculture can be done in 50 acres of land: Governor

આજ રોજ તાલીમના બીજા દિવસે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક કૃષિ મજબૂત વિકલ્પ છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેતી સમૃદ્ધ બનશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થશે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડુતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે આહવાન કર્યું છે, તેને સાકાર કરવા ગુજરાતે પ્રાકૃતિક કૃષિ જન અભિયાન ઉપાડ્યું છે.

તેમણે જણાવ્યું હતુ કે, આઝાદી બાદ દેશની ખાદ્યાન્નની જરૂરિયાતને પૂરી પાડવા હરિત ક્રાંતિના ભાગરૂપે રાસાયણિક કૃષિ અપનાવવી એ તે સમયની માગ હતી, પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યા છે. રાસાયણિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણ દૂષિત થયા છે.

રાસાયણિક ખાતરો-જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. કૃષિ ખર્ચ વધી રહ્યો છે અને ઉત્પાદન દિન-પ્રતિદિન ઘટતું રહ્યું છે, સરવાળે ખેડૂતોને આર્થિક નુકશાન થઈ રહ્યું છે. જયારે પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી જળ-જમીન અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે. કૃષિ ખર્ચ નહિવત્ થવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે.

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને આજના સમયની માંગ ગણાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં બીજને સંસ્કારિત કરવા માટે બીજામૃત ઉપરાંત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થી બનતા જીવામૃત – ઘન જીવામૃત કલ્ચર પ્રાકૃતિક ખાતર તરીકે કાર્ય કરે છે. જમીનનું આચ્છાદન કરવાથી જમીનનું સંરક્ષણ થાય છે અને વાપ્સાનું નિર્માણ થાય છે. તેમણે એક દેશી ગાયની મદદથી ૩૦ એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે તેમ પણ જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ ઓર્ગેનિક કૃષિ અર્થાત જૈવિક કૃષિને પ્રાકૃતિક કૃષિથી સાવ અલગ ગણાવી જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે, કૃષિ ખર્ચ ઘટતો નથી. જ્યારે પૂરી વિધિથી પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો ઉત્પાદન ઘટતું નથી. એટલું જ નહીં, લોકોને સ્વાસ્થ્યપ્રદ ખાદ્યાન્ન મળી રહે છે.

રાસાયણિક કૃષિના કારણે જમીનમાં અળસિયા જેવા મિત્રજીવોનો નાશ થવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે,જ્યારે પ્રાકૃતિક કૃષિને કારણે જમીનમાં મિત્રજીવોની સંખ્યામાં વૃદ્ધિ થાય છે અને જમીનમાં ઓર્ગેનિક કાર્બન ની માત્રામાં વધારો થાય છે, જેથી જમીન ફળદ્રુપ બને છે. અળસિયાં જેવા મિત્રજીવો જમીનમાં અસંખ્ય છેદ બનાવે છે જેને કારણે કુદરતી રીતે જળ સંચય શક્ય બને છે.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને પ્રકૃતિની રક્ષા દ્વારા ઈશ્વરીય વ્યવસ્થામાં સહયોગ કરવાનું માધ્યમ ગણાવી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તેવો અનુરોધ કર્યો હતો અને અમદાવાદ જિલ્લા સહકારી બેંક દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાના થઈ રહેલા પ્રયાસોને બિરદાવ્યા હતા.

GSC અને ADC બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે જણાવ્યું કે, આ આપણું સૌભાગ્ય છે કે રાજ્યપાલશ્રીના પ્રાકૃતિક ખેતી અંગેના જ્ઞાનનો આપણને લાભ મળી રહ્યો છે. વડાપ્રધાનશ્રીનું સપનું છે કે ખેડૂતોની આવક વધે. આ માટે સાત પગલાં આધારિત વ્યવસ્થા વિચારવામાં આવ્યા છે.

આ તાલીમમાં જ્ઞાન મેળવીને તમે પ્રાકૃતિક ખેતીને તમારા ગામના અન્ય ખેડૂતો સુધી પહોચાડો અને વધુ ને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડો એવી વિનંતી છે. ખેડૂતોની આવક વધે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વધુ ને વધુ ખેડૂતો પાછા વળે એ આ તાલીમનો હેતુ છે.

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, સોઈલ ટેસ્ટિંગ, જમીનમાં ભેજની તપાસ , માર્કેટિંગ, બ્રાંડિંગ, APMC દ્વારા વધુ ને વધુ સહકાર જેવા ઘણા મુદ્દાઓ પર સહકારી બેંકો સરકાર શ્રી સાથે કામ કરી રહી છે, જેથી ખેડૂતોને સમૃદ્ધ બનાવી શકાય. જો ખેડૂતો સમૃદ્ધ હશે તો સમાજ સમૃદ્ધ બનશે અને તો જ કો ઓપરેટિવ બેન્કોનું અસ્તિત્વ રહેશે.

વધુને વધુ ખેડૂતો સ્માર્ટફોન નો ઉપયોગ કરે અને કૃષિ આધારિત એપ્લિકેશન્સ (Apps.) દ્વારા વધુને વધુ માર્ગદર્શન મેળવે એવા અમારા પ્રયાસો રહશે. ખેડૂતોને શિક્ષણ આપવા માટે બનતા તમામ પ્રયત્નો કરવામાં આવશે. ગાય ની ખરીદી માટે લોન આપવાની પણ શરૂઆત કરીશું. કીટનાશકો, કુત્રિમ ખાતરોમાંથી ખેડૂતોને બને તેટલા ઝડપથી પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનું અમારું ધ્યેય છે અને તેના ભાગરૂપે જ આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ગુજરાત સ્ટેટ કો- ઓપરેટિવ બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) શ્રી પ્રદીપ વોરા , GSC અને ADC બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ , ATMA (Agricultural Technology Management Agency) ના ડાયરેક્ટર ડો. ડી.વી.બારોટ, નીલકંઠધામ પોઇચાના શ્રી કૈવલ્ય સ્વરૂપ સ્વામીજી, ખેડૂતો તેમજ ખેતી સાથે સંકળાયેલા લોકો, બેંકના કર્મચારીઓ તેમજ સામાજિક અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.