Western Times News

Gujarati News

સોશિયલ મીડિયાના કારણે દૂરના નજીક આવ્યા, નજીકના દૂર થયા

social media addiction

પ્રતિકાત્મક

સોશિયલ મીડિયાના પગલે આપણે વિશ્વભરનાં સ્વજનોની નજીક આવ્યા છીએ પણ બીજી બાજુ આ જ લતને કારણે આપણે પાસે બેઠેલાં સ્વજનો સાથે વાત પણ કરતા નથી

તાજેતરમાં યુપીમાં એક છોકરા દ્વારા પબજી ગેમ રમવા મુદ્દે તકરાર થતાં પોતાની માતાની હત્યા કરવામાં આવી. મોબાઈલમાં આવતી ગેમ રમવા માટે થઈને એક છોકરો પોતાની માતાની હત્યા કરવા સુધીનું આત્યંતિક પગલું ભરી શકે તેની કલ્પના કરવી પણ અશકય લાગે છે.

Social media has brought us closer to our relatives all over the world but on the other hand we don’t even talk to our relatives because of this addiction.

આ પહેલી ઘટના નથી. છેલ્લા ઘણા સમયથી સમયાંતરે અખબારો અને મીડિયાના વિવિધ માધ્યમોમાં આવા સમાચાર આવતા જ રહે છે. મોબાઈલ માટે થઈને આત્મહત્યા કરવી, ગેમ ન રમવા દેતા ભાઈને માર મારવો, નાના ભાઈની હત્યા કરવી, મારપીટ કરવી.

મોટી ઘટનાઓની જ વાત કરીએ તો જાન્યુઆરીમાં એક યુવકે ગેમ રમવા મુદ્દે તકરાર થતા પોતાની માતા અને ત્રણ ભાઈ-બહેનની હત્યા કરી દીધી. તે પહેલાં ગત વર્ષે જુલાઈમાં બંગાળમાં એક યુવકે પોતાના ભાઈની હત્યા કરી હતી. ર૦૧૯માં એક યુવક પબજી રમતો હતો અને તેના પિતાએ મોબાઈલ હાથમાંથી ખેંચી લીધો તો તેણે પિતાની હત્યા કરી દીધી.

હવે આપણે વિચારીએ કે આ એવી કઈ ગેમ્સ છે જે માણસને, ઈનફેકટ આ ટીનએજર્સ અને યંગસ્ટર્સને આટલા હિંસક બનાવી દે છે. પબજી, ફ્રી ફાયર, બ્લૂ વ્હેલ ચેલેન્જ જેવી ઘણી ગેમ્સ આવી છે જેમણે ઓનલાઈન માધ્યમો દ્વારા નવી પેઢીને ખોટા રવાડે ચડાવી દીધી છે.

ઈન્ટરનેટ અને સ્માર્ટ ફોનના આ જમાનામાં જેટલી ગેમ્સ બને તેટલી ઓછી છે અને જેટલા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તેટલો ઓછો છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે, સરકારો ઈચ્છે તો પણ બધું કાબુમાં લાવી શકે તેમ નથી. ટેકનોલોજીના ફાયદાની સાથે સાથે ગેરકાયદા પણ એટલા જ છે.

આ અંગે દોષારોપણ કરવા કરતાં આત્મનીરીક્ષણ કરવાની વધારે જરૂર છે. છ મહિનાના બાળકથી શરૂ કરીને ૧૦૦ વર્ષના વૃદ્ધો સુધી અત્યારે લોકો મોબાઈલ અને ટેકનોલોજીને આધિન થઈ ગયા છે. નાનું બાળક રડે એટલે મોબાઈલ બતાવવાનો, બાળક જમે નહીં એટલે મનાવવા માટે મોબાઈલ આપવાનો,

આપણા કામમાં ખલેલ ન પહોંચાડે કે પરેશાન ન કરે તે માટે મોબાઈલ આપી દેવાનો. તેમાંય કોરોનાકાળમાં તો બાળકોને ભાવતું હતું અને વૈદે કીધા જેવી સ્થિતિ આવી ગઈ હતી. સમગ્ર દુનિયા જ વચ્ર્યુઅલ રસ્તે હતી. આ તબક્કામાં બાળકો, કિશોરો, યુવાનોને જે ગેમ્સની આદત પડી ગઈ છે તે ભયાનક સ્તરે પહોંચી ગઈ છે.

નિરીક્ષણ કરીએ તો ખ્યાલ આવશે કે આવાં બાળકો એકલાં જ બેસી રહે છે. મોટાભાગે પોતાના મોબાઈલ સાથે રૂમમાં જ ભરાઈ રહે છે. તેમને સામાજિક થવું કે દુનિયા સાથે કનેકટ થવું ગમતું નથી. ગેમ્સમાં ૧૦૦ લોકો જાેડે કનેક્ટ થનારો યુવાન રિયલ લાઈફમાં દસ લોકો સાથે પરાણે વાત કરતો હશે.

તેમાં પણ મોબાઈલમાં હિંસક ગેમ્સનું ચલણ એ હદે વધી ગયું છે કે, લોકોને તેનો નશો થઈ ગયો છે. ચારે તરફ માત્ર માર-પીટ કરવાની, ગોળીઓ ચલાવવાની, એકબીજાને મદદના નામે આખા ગામ અને શહેરો ઉજજડ કરી દેવાનાં. ધીમેધીમે આ હિંસકવૃત્તિ સ્વભાવ સાથે વણાતી ગઈ છે.

શરૂઆતમાં થોડો ટેસ્ટ ગમે પછી ધીમે ધીમે આદત પડે તે પછી તો વ્યસન થઈ જાય છે. બીજી સૌથી મહત્વની વાત એ છે કે, યુવાનો કે બાળકોને દોષ દેવાના બદલે એક વખત પોતાની તરફ પણ નજર કરી લેવા જેવી છે. મહામારીકાળમાં મોટાભાગની દુનિયાને આ ગેજેટ્‌સનું વળગણ થઈ ગયું છે.

બાળકોની વાત કરીએ તો તેઓ પોતાની આસપાસના વાતાવરણને જાેઈને વધારે શીખે છે. તેમનું ઓબ્ઝર્વેશન સૌથી વધારે પાવરફુલ હોય છે. બાળકો પોતાના માતા-પિતા, સ્વજનો, શિક્ષકો કે રોજિંદા જીવનમાં વારંવાર સામે આવતા કે નજીક આવતા લોકોની નકલ સરળતાથી કરી શકે છે.

આ સંજાેગોમાં બાળકો અને કિશોરોએ ઘરમાં કે પરિવારમાં કે મિત્રોમાં જાેયું હોય કે તેઓ સતત મોબાઈલ ગેમ્સમાં, વીડિયો બનાવવામાં કે સોશિયલ મીડિયા ઉપર વ્યસ્ત રહે છે તો તેઓ પણ ધીમેધીમે તે દિશામાં આગળ વધવા લાગે છે. તેમાં પણ જયારે આવી હિંસક ગેમ્સ રમવાની આવે, તેમાં પાવર મળે, પૈસા મળે ત્યારે તેની મનોવૈજ્ઞાનિક અસર જુદી જ હોય છે.

અત્યારનાં બાળકો, કિશોરો અને યુવાનોને ચીડિયાપણું, તણાવ, ઉંઘ ન આવવી, એકલતા, ઉદાસી, માથામાં દુખાવો, આંખો દુખવી, આંખો ભારે રહેવી, મેદસ્વિતા, શારીરિક નબળાઈ જેવા અનેક રોગ થવા લાગ્યા છે. તેનું કારણ મોબાઈલ અને તેના જેવા ગેજેટ્‌સનું વળગણ છે.

મોબાઈલ અને સોશિયલ મીડિયાના પગલે આપણે વિશ્વભરના સ્વજનોની નજીક આવ્યા છીએ પણ બીજી બાજુ આ જ મોબાઈલની લતને કારણે આપણે બાજુના રૂમમાં રહેતાં માતા-પિતા કે ડાઈનિંગ ટેબલ ઉપર પાસે બેઠેલા સ્વજનો સાથે વાત પણ કરતાં નથી. આપણે અત્યારથી નહીં સમજીએ તો આ ટેકનોલોજી માનવજાત અને માનવસંબંધો માટે ટર્મિનેટર બનતા વાર નહીં લાગે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.