Western Times News

Gujarati News

વડોદરા જિલ્લાની નગરપાલિકાઓ વૃક્ષોનું વાવેતર કરશે

વડોદરા, તાભારત દેશને આઝાદી મળ્યાના ૭૫ વર્ષ પૂર્ણ થયા અવસરે સમગ્ર દેશમાં હાલમાં આઝાદી કા અમૃત મહોત્સવ પર્વની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા ઝોન

પ્રશસ્તિ પારીકની પહેલ અને માર્ગદર્શન હેઠળ વડોદરા ઝોન હેઠળના વડોદરા , છોટાઉદેપુર , આણંદ,પંચમહાલ,દાહોદ અને મહીસાગર સહિત કુલ છ જિલ્લાની ૨૬ નગરપાલિકામાં નગરપાલિકા દીઠ ૭૫ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

આ અંગે વધુ વિગતો આપતા પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરી વડોદરા ઝોનના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓ વડોદરા ઝોન પ્રશસ્તિ પારીક દ્વારા વડોદરાની ૨૬ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દરેક નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા દીઠ ૭૫ વૃક્ષોનું વાવેતર કરવા માટે સૂચના આપવામાં આવી છે.

આ વૃક્ષારોપણ  વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ દરમિયાન જે તે નગરપાલિકા ખાતે યોજવામાં આવશે. વૃક્ષારોપણ નગરપાલિકાના જાહેર સ્થળોએ કરવા તેમજ તેની સુરક્ષા માટે ફેન્સીંગ અથવા કંપાઉન્ડ વોલનો પ્રબંધ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

વૃક્ષારોપણનો કાર્યક્રમ આમંત્રિત મહાનુભાવો , પ્રમુખ , ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ સામાજિક આગેવાનો અને નાગરિકોની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે.

વધુમાં  વૃક્ષારોપણ કરવામાં આવનાર ૭૫ વૃક્ષોનો ઉછેર થાય તે માટે વૃક્ષોને દત્તક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ કારોબારી સમિતિના ચેરમેન, નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ,સામાજિક આગેવાનો અને નાગરિકો વૃક્ષોને દત્તક લેશે.

દત્તક લેનાર વ્યક્તિએ વૃક્ષને ખાતર, પાણી,સાફ – સફાઈની વ્યવસ્થા કરવાની રહેશે અને દત્તક લીધેલ વૃક્ષોની મુલાકાત લેવાની રહેશે. આ અંગેનો ફોટોગ્રાફી સાથેનો અહેવાલ દર અઠવાડિયે ચીફ ઓફિસરે મોકલવાનો રહેશે તેવી સૂચના પણ પ્રાદેશિક કમિશનર દ્વારા આપવામાં આવી છે.

વૃક્ષોની પસંદગી કરતી વખતે પર્યાવરણને અનુકૂળ હોય તેવા વડ, લીમડો,પીપળો , આસોપાલવ, ગુલમોહર, સરગવો,ગરમાળો જેવા વિવિધ ૭૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. વૃક્ષારોપણ કરવામાં આવેલ વિસ્તારને જાહેર લોકો જોઈ શકે તે રીતે યોગ્ય બોર્ડ લગાવી નિદર્શન કરવા તથા તેનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા પણ સૂચના આપવામાં આવી છે .

પ્રાદેશિક કમિશનર અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી વડોદરા ઝોનના અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણની સમયાંતરે મુલાકાત કરી સમીક્ષા કરશે તેવું વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.