Western Times News

Gujarati News

સરદાર પટેલ સાહેબના જીવનચરિત્રમાંથી પ્રેરણા મેળવી દેશની એકતા અને અખંડીતતા જાળવીએ.”:બળવંતસિંહ

પાલનપુર: દેશની એકતા, અખંડિતતાના મહાન શિલ્‍પી, ગુજરાતના સપૂત અને લોખંડી પુરૂષ સરદાર વલ્‍લભભાઇ પટેલની જન્‍મ જયંતિની પાલનપુર મુકામે ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જુના માર્કેટયાર્ડથી જોરાવર પેલેસ કમ્‍પાઉન્‍ડ સુધી રન ફોર યુનિટી કાર્યક્રમ અંતર્ગત એકતા દોડ યોજાઇ હતી.

ગુજરાત જીઆઇડીસીના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂત અને મહાનુભાવોએ જુના માર્કેટયાર્ડ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી આદર, સન્‍માનપૂર્વક શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં  લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

આ પ્રસંગે ગુજરાત જીઆઇડીસીના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતએ જણાવ્‍યું કે દેશની એકતા અને અખંડિતતાના શિલ્‍પી સરદાર પટેલ સાહેબની જન્‍મ જયંતિની સમગ્ર દેશમાં ભવ્‍ય ઉજવણી યોજાઇ રહી છે. તેમણે કહ્યું કે આઝાદી સમયે આપણો દેશ જુદા જુદા રજવાડાઓ અને વિવિધ પ્રાન્‍તોમાં વહેંચાયેલો હતો ત્‍યારે દેશના ૫૬૨ રજવાડાઓનું વિલીનીકરણ કરીને દેશને  અખંડ અને શક્તિશાળી બનાવવાનું મહાન કાર્ય સરદાર સાહેબે કર્યુ છે જેની સમગ્ર વિશ્વમાં નોંધ લેવાઇ છે. તેમણે જણાવ્‍યું કે દેશહિત માટે સરદાર સાહેબે આપેલ યોગદાનને દેશવાસીઓ કયારેય ભુલી શકશે નહિ.

ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતએ કહ્યું કે સરદાર સાહેબને વૈશ્વિક ક્ષેત્રે માન-સન્‍માન મળે  અને સમગ્ર વિશ્વ સમક્ષ સરદાર સાહેબની ગૌરવભરી ઓળખ પ્રસ્‍થાપિત થાય તે માટે  વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટર ઉંચાઇની સરદાર સાહેબની પ્રતિમા તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી અને અત્‍યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શનથી નિર્માણ થઇ છે.

તેમણે કહ્યું કે જમ્‍મુ-કાશ્‍મિરમાંથી કલમ ૩૭૦ રદ કરી અખંડ ભારતનું સરદાર સાહેબનું સપનું આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને ગૃહપ્રધાનશ્રી અમિતભાઇ શાહે સાકાર કર્યુ છે. રાષ્‍ટ્રપ્રેમના ગુણો કેળવવા અને દેશહિત માટે  સંકલ્‍પબધ્‍ધ બનવા તેમણે અનુરોધ કર્યો હતો. સરદાર પટેલ સાહેબના જીવનચરિત્રમાંથી પ્રેરણા મેળવી દેશની એકતા અને અખંડીતતા જાળવવા ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

 

સાંસદશ્રી પરબતભાઇ પટેલે કહ્યું કે દેશની એકતા અને અખંડિતતાના શિલ્‍પી સરદાર સાહેબની જન્‍મ જયંતિની દેશભરમાં ભવ્‍યતાથી ઉજવણી યોજાઇ રહી છે. તેમણે કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા નિર્માણ પામી છે. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનું નિર્માણમાં દેશભરના ખેડૂતોએ હર્ષપૂર્વક પોતાના ઓજારો આપીને સરદાર સાહેબને અંજલિ આપી આ રીતે દેશપ્રેમ અને સરદાર સાહેબને સન્‍માન આપ્‍યું છે. તેમણે કહ્યું કે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વના પ્રવાસીઓના આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.

સાંસદશ્રી પરબતભાઇ પટેલે કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જમ્‍મુ-કાશ્‍મિરમાંથી કલમ ૩૭૦ દુર કરી સરદાર સાહેબ અને કરોડો દેશવાસીઓનું અખંડ ભારતનું સપનું સાકાર કર્યુ છે. જેનાથી દેશવાસીઓ આનંદ અને ગૌરવ અનુભવે છે. તેમણે કહ્યું કે દેશહિત માટે સરદાર સાહેબના જીવન ચરિત્રમાંથી પ્રેરણા મેળવી સમર્પિત ભાવના સાથે સંકલ્‍પબધ્‍ધ બની સ્‍વચ્‍છ, શિક્ષીત, સમૃધ્‍ધ અને શક્તિશાળી રાષ્‍ટ્રનું નિર્માણ કરીએ.

આ પ્રસંગે કલેકટરશ્રી સંદીપ સાગલેએ સ્‍વાગત પ્રવચન કરતાં જણાવ્‍યું કે દેશની એકતા, અખંડિતતાના મહાન શિલ્‍પી અને લોખંડી પુરૂષ સરદાર સાહેબના સ્‍વપ્‍નને સાકાર કરવા  રન ફોર યુનિટી અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેમણે કહ્યું કે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વને મહાન પ્રેરણા આપે છે.

એકતા દોડમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો અને લોકો ઉત્‍સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે એકતા અને અખંડિતતા માટેના શપથ લેવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જીલ્‍લા ભાજપ પ્રમુખશ્રી કેશાજી ચૌહાણ, અગ્રણીઓ સર્વશ્રી હિતેષભાઇ ચૌધરી, શ્રી રાણાભાઇ દેસાઇ, શ્રી ઇશ્વરસિંહ સોલંકી, શ્રી અમૃતભાઇ દવે, શ્રી ગિરીશભાઇ જગાણીયા, શ્રી મુન્નાભાઇ ગુપ્‍તા,  પોલીસ અધિક્ષકશ્રી દુગ્‍ગલ, પ્રાંત અધિકારીશ્રી, નાયબ જીલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ ઠક્કર, જીલ્‍લા રમતગમત અધિકારીશ્રી સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.