Western Times News

Gujarati News

મગરના કારણે મૃત્યુ પામનાર પરિવારજનોને રાજય સરકાર દ્વારા રૂપિયા પાંચ લાખની સહાય

વિરપુર તાલુકાના પાંટા ગામે મગરના કારણે મૃત્યુ પામનાર પરિવારજનોને રાજય સરકાર દ્વારા રૂપિયા પાંચ લાખની સહાયનો ચેક અપાયો

સાંસદ રતનસિંહ રાઠોડના હસ્તે મૃતકના વારસદાર પત્નીને ચેક અપાયો

સાંસદ  રતનસિંહ રાઠોડએ પરિવારજનોને સાંત્વના પાઠવી

ગોધરા,ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થવાનું છે. આ ઉકિત વિરપુર તાલુકાના પાંટા ગામે રહેતા પૂંજાભાઇ પગીના પરિવાર સાથે બનવા પામી છે. વિરપુર તાલુકાના પાંટા ગામે રહેતા ૫૫ વર્ષિય પૂંજાભાઇ પગી કે જેઓ વ્યવસાયે ખેતી કરવાની સાથે તેમના રોજ-બરોજના ક્રમ મુજબ ગામના તળાવના કિનારા પાસે પોતાના બકરા ચરાવવા ગયા હતા, ત્યારે તેઓને ખબર નહોતી કે તેઓ આજે ઘરે પરત નહીં ફરે. બન્યું એવું કે, તેઓ તળાવના કિનારા પાસે બકરાં ચરાવતા હતા તે દરમ્યાન અચાનક તળાવમાંથી બહાર આવેલ મગરે પૂંજાભાઇ પર હુમલો કરી તળાવના પાણીના પ્રવાહમાં ખેંચી જઇને આ પૂંજાભાઇનું મારણ કર્યું હતું.

આ બનાવની જાણ થતાં વન વિભાગ દ્વારા પૂંજાભાઇ પગીની શોધખોળ કરતાં ભારે જહેમતના અંતે ત્રણ કલાક બાદ તેમનો મરણ પામેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારના મોભી એવા પૂંજાભાઇ પગીનો મૃતદેહ મળી આવતાં  જાણે કે તેમના પરિવારજનો પર આભ તૂટી પડયું હોય તેમ પરિવાર ગમગીન થઇ ગયો હતો. આ સમય દરમિયાન બનાવની જાણ થતાં પંચમહાલના સાંસદ  રતનસિંહ રાઠોડ અને મહીસાગર જિલ્લા પંચાયતના સભ્ય  પીનાકીન શુકલએ તાબડતોબ સ્થળ ઉપર પહોંચી જઇને પરિવારજનોને સાંત્વના પાઠવીને રાજય સરકાર દ્વારા મળતી તમામ મદદ-સહાય અપાવવાની ખાત્રી આપી એટલુ જ નહીં પરંતુ આ બનાવની સંબંધિત વિભાગને જાણ કરી રાજય સરકાર દ્વારા જે કોઇ સહાય મળવાપાત્ર થતી હોય તે સહાય સત્વરે ચૂકવવામાં આવે તે અંગેની સૂચના આપી હતી.

વન વિભાગ દ્વારા પરિવારજનો પાસેથી જરૂરી આધાર-પુરાવાઓ મેળવીને પરિવારજનોને સત્વરે સહાય મળે તે રીતે કામગીરી હાથ ધરી હતી અને  તાજેતરમાં રાજય સરકાર દ્વારા મળવાપાત્ર થતી સહાયનો રૂા. પાંચ લાખનો ચેક પૂંજાભાઇ પગીના પત્નીને રૂબરૂમાં મળી સાંત્વના પાઠવીને સાંસદ  રતનસિંહ રાઠોડ અને જિલ્લા પંચાયતના સભ્ય પીનાકીન શુકલના હસ્તે આપવામાં આવ્યો હતો. પૂંજાભાઇ પગીના પરિવારજનોને આ સહાયનો ચેક આપવામાં આવ્યો ત્યારે પરિવારજનોને સાંત્વના પાઠવતા મહીસાગર જિલ્લા નાયબ વન સંરક્ષક નેવીલ ચૌધરી જણાવ્યું હતું કે, વન્યજીવ હુમલા માં માનવ મૃત્યુ સબબ વળતર ચુકવવાની સરકારશ્રીની યોજના અનુસાર સહાય ચુકવવામાં આવેલ છે.

તેમજ વન્ય પ્રાણીઓને કોઈ કનડગત ન કરવા બાબતે અને જો કોય આવુ સામે આવે તો નજીકની વન વિભાગ કચેરી ને જાણ કરવા જિલ્લા વન અધિકારી એ અપીલ કરી હતી.  પરિવારજનોને સાંત્વના પાઠવતા રેન્જ ફોરેસ્ટ અધિકારી  જૂહીબેન, લુણાવાડા તાલુકા પંચાયતના સભ્ય  અજયભાઇ દરજી, વિરપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ  સૂર્યકાન્તભાઇ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો  એસ. બી. ખાંટ, તાલુકા પંચાયતના સભ્ય  કૃષ્ણ પટેલ અને મહામંત્રી  કિરીટભાઇ પટેલ, પાંટા ગ્રામ પંચાયત સરપંચ, તલાટી-કમ-મંત્રી પણ સાથે રહ્યા હતા.

પરિવારના મોભીને ગુમાવવાની સાથે પરિવાર ઉપર આવી પડેલી આવિકટ પરિસ્થિતિમાં પૂંજાભાઇ પગીના પરિવારજનોને રાજય સરકાર દ્વારા સમયસર અને ત્વરિત સહાય મળતાં પરિવારના સભ્યોને ઘણી જ રાહત મળતાં પરિવારજનોએ સરકાર પ્રતિ આભારની લાગણી વ્યકત કરી હતી.

તસ્વીર:-મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.