Western Times News

Gujarati News

મહા વાવાઝોડાને લઇને તંત્ર એલર્ટ

મહા વાવાઝોડાને લઇને તંત્ર એલર્ટગુજરાત પર વાયુ વાવાઝોડા બાદ કયાર વાવાઝોડાની અસરો વર્તાયા બાદ હવે નવા મહા વાવાઝોડાની આફતનો ખતરો તોળાઇ રહ્યો છે. મહા વાવાઝોડું ગુજરાતમાં આગામી તા.૬ અને ૭ નવેમ્બરના રોજ ત્રાટકવાની શકયતાઓ સેવાઇ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, મહા વાવાઝોડું આગામી દિવસોમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. તા.૬ અને ૭ નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે ૭૦થી ૮૦ કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. મહા વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ખાસ કરીને મહા વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે. દરમ્યાન હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, મહા વાવાઝોડું સિવિયર સાયક્લોન બની રહ્યું છે. તા.૬થી ૭ નવેમ્બર સુધી ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. તા.૬ તારીખે સવારે ૬૦થી ૭૦ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે તેમજ તા.૭ નવેમ્બરે પવનની ગતિ ૭૦થી ૮૦ કિમી પ્રતિકલાકે ઝડપ પવન ફૂંકાશે.

આ દરમ્યાન સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ બે દિવસ દરમિયાન ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ અસર જોવા મળશે. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. મહા વાવાઝોડાની વ્યાપક અસરો અને તેના સંભવિત ખતરાને લઇ રાજય સરકાર અને તંત્ર એકદમ એલર્ટ પર આવી ગયા છે અને વાવાઝોડાની ગતિવિધિ અને તેની તીવ્રતા સહિતની બાબતો પર સતત નજર રખાઇ રહી છે. પશ્વિમ મધ્ય અરેબિયન દરિયામાં ડિપ્રેશનની  પ્રવર્તી રહી છે. જે ધીમી ગતીએ આગળ વધી રહી છે.

બીજી બાજુ હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ માટે હળવી ચેતવણી જારી કરાઈ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપી પવન ફુંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેમાં ડાંગનો પણ સમાવેશ થાય છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૩.૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૩.૮ ડિગ્રી રહ્યું હતું. આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થવાના સંકેત છે. અમદાવાદની બહાર રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ જારી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.