Western Times News

Gujarati News

અમદાવાદમાં યોજાનાર રવિશંકર રાવળના જન્મોત્સવ પ્રદર્શનમાં વડોદરાના કલાકારો ભાગ લેશે

Ravishankar Raval 131 Birth anniversary

(માહિતી) વડોદરા, ગુજરાતના કલાગુરુ તરીકે સમગ્ર રાષ્ટ્ર જેમને આદર પૂર્વક નમન કરે છે એવા ક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૧મા જન્મોત્સવ નિમિતે આવતી ૧ ઓગસ્ટના રોજ ગુજરાત આર્ટ સોસાયટી તેમજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના ૧૨૫થી વધારે જેટલા સમકાલીન કલાકારો દ્વારા કલાગુરુની સ્મૃતિમાં એક ભવ્ય પ્રદર્શનનું આયોજન અમદાવાદની રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં યોજાશે.

વડોદરાના કલાકારો આ પ્રદર્શનમાં પોતાના સર્જનો – કૃતિઓ પ્રસ્તુત કરીને કલા ગુરુની કલા વંદનામાં સહભાગી બનશે.શહેરના ૧૫ થી વધુ શિલ્પકારો,ચિત્રકારો અને છબીકારો ની કૃતિઓ આ પ્રદર્શનમાં જાેવા મળશે.

આ અંગે જાણકારી આપતાં ગુજરાત આર્ટ ગેલેરીના સંવાહક શ્રી કૃષ્ણ પડિયાએ જણાવ્યું કે આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન શ્રી હર્ષ સંઘવી – ગૃહ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના રાજ્ય મંત્રીશ્રી કરશે. આ પ્રદર્શન તા ૧ થી ૪ ઓગસ્ટ ૨૦૨૨ સુધી સાંજના ૪થી૮ કલાક દરમિયાન કલાકાર, કલા રસિક તેમજ આમ જનતા માટે ખુલ્લું રહેશે.

પ્રદર્શનની પૂર્વ તૈયારીઓ પૂરજાેશમા થઈ રહી છે. સોસાયટીના હોદ્દેદારો અધ્યક્ષ શ્રી વૃંદાવન સોલંકી અમદાવાદ, પ્રમુખ ગગજી મોણપરા જામનગર, સેક્રેટરી ઉમેશ ક્યાડા રાજકોટ, ખજાનચી ચંદ્રકાંત પ્રજાપતિ સુરત , તેમજ સંવાહક કૃષ્ણ પડિયા પ્રદર્શનને સફળ બનાવવા કાર્યરત છે. આ પ્રદર્શનનું સંચાલન અમદાવાદના ચિત્રકાર શ્રી મિલન દેસાઈ તેમજ ચિત્રકાર શ્રી મનહર કાપડીયા, કા. આચાર્ય, શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઈન આર્ટ્‌સ દ્વારા થઈ રહ્યું છે.

ગુજરાત આર્ટ સોસાયટી દ્વારા તેમના પ્રથમ વાર્ષિક સમકાલીન કલા પ્રદર્શનમાં વરિષ્ઠ કલાકારો થી લઈને યુવા તેમજ વિદ્યાર્થી કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં વડોદરાના કલાકારોમાં ખ્યાતનામ ચિત્રકાર શૈલેષ પટેલ, ગુજરાત ગૌરવ પુરસ્કૃત શિલ્પકાર કૃષ્ણ પડિયા, ગુજરાત ગૌરવ પુરસ્કૃત છબીકાર ગિરીશ ખત્રી, કશ્યપ પરીખ, અતુલ પડિયા, પ્રણય ગોસ્વામી, મુકુંદ જેઠવા, રૂત્વિજ મિસ્ત્રી, સુનિલ દરજી, ઉદય પંચાલ, અરવિંદ સુથાર, પિયુષ ઠક્કર, પ્રફુલ ગોહેલ, રૂપલ બુચ, નિમેશ શાહ, માધુરી સોલેગાંવકર, પીનલ પંચાલ પોતાની ઉત્તમ કલાકૃતિઓ રજુ કરશે.

ગુજરાત આર્ટ સોસાયટીના આ પ્રદર્શનનો હેતુ ગુજરાતના છેવાડાના સમકાલીન કલાકારોને પ્રોત્સાહન આપવા તેમજ કલાનુ સંવર્ધન કરવાનો હોય, કોઈ વાડાબંધીમાં ન રહી પોતાની મૌલિક કલાને માત્ર ગુજરાતમાં સિમીત ન રાખતા ગુજરાત બહાર પણ ગુજરાતી તરીકે ગુજરાતની કલાનું ગૌરવ વધારવા ગુજરાત આર્ટ સોસાયટીમાં માત્ર ગુજરાતી કલાકારનો જ સમાવેશ કરવામાં આવેલ છે.

ગુજરાત આર્ટ સોસાયટીમાં કલાકારોની એક મોટી ટીમ જીલ્લા, રાજ્ય, દેશ તેમજ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી કલાકારો દ્વારા જ કામ કરી રહી છે. જેમાં કલાકારો પોતાના નામ કે વ્યક્તિગત પ્રસિદ્ધની અપેક્ષા રાખ્યા વગર કામ કરી રહ્યા છે. આ સંસ્થાના સભ્યપદની પસંદગીની પ્રક્રિયા નિયુક્ત માનદ સભ્યો દ્વારા હાથ ધરવામાં આવે છે.

આ સોસાયટીની સ્થાપના ૧ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ કરવામાં આવી હતી. આ એકજ વર્ષમાં ‘ગીર વેલી આર્ટિસ્ટ વિલેજ’, આંકોલવાડી-ગીર ખાતે પ્રથમ કલા શિબિર પ્રતિનિધિ કલાકારો દ્વારા, બીજાે મેગા આર્ટ કેમ્પ ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, સાપુતારા જેમા ૫૩ જેટલા સમકાલીન વરિષ્ઠ તેમજ યુવા કલાકારો નો સમાવેશ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સોસાયટીના ૧૨ કલાકાર દ્વારા જહાંગીર આર્ટ ગેલેરીમાં પ્રદર્શન કર્યું હતું. આઝાદી પહેલા સમાજમાં પ્રસ્થાપિત એક એવી હવા હતી કે ચિત્રકાર એટલે દુકાનનું પાટિયું ચિતરતી વ્યક્તિ. શ્રી રવિશંકર રાવલે અનેક ચિત્રકારોને કામ કરતા કરી ગુજરાતની છબીને ગરિમા ભર્યું સ્થાન અપાવ્યું.

તેઓ એક ચિત્રકાર ઉપરાંત સાક્ષર, કલા વિવેચક, પત્રકાર અને નિબંધકાર હતા. તેમણે ‘વીસમી સદી’ સામયિકમાં કામ કર્યું હતું અને સાહિત્યિક સામયિક ‘કુમાર’ની સ્થાપના કરી હતી. આ ‘કુમાર’ જેમને ત્યાં આવતું તેઓ પોતાની જાતને ગૌરવ અનુભવતા.

આવા કલાગુરુના જન્મોત્સવ નિમિતે ૧૨૫ થી વઘારે કલાકારો આ કલાયજ્ઞમાં પોતાની કલાકૃતિ આપી અમદાવાદના આંગણે જયારે આ પવિત્ર દિવસે એક ઈતિહાસ રચાતો હશે ત્યારે આપ સૌની હાજરી અનિવાર્ય હોય અમારું દરેક કલાકાર, કલા રસિક તેમજ નાગરિકોને હાર્દિક આમંત્રણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.