Western Times News

Gujarati News

પેટલાદ એજ્યુકેશન ગ્રાઉન્ડના ગરબાને રાજકીય ગ્રહણ

પ્રતિકાત્મક

હવે ક્યારેય નહિં ?
પેટલાદના એજ્યુકેશન હાઈસ્કુલના મેદાન ખાતે ચાલુ વર્ષે ગરબા માટે પાંચ આયોજકોએ અરજીઓ કરી હતી. આ આયોજકોના ગોડફાધર દ્વારા મંડળના કેટલાક ટ્રસ્ટીઓ ઉપર પોતાના મળતીયાઓને મંજૂરી આપવા ટેલિફોનિક દબાણ કરવામાં આવ્યુ હોવાની ચર્ચાઓ જાેરશોરથી ચાલી રહી હતી.

આમ માતાજીના ગરબા આયોજનમા કેટલાક નેતાઓ દ્વારા રાજકીય રોટલો શેકવા જતા સમગ્ર આયોજન પડી ભાગ્યું હતું તેમાય ટ્રસ્ટીઓ સાથેની મિટીંગમાં આયોજકોનો મનમેળ નહી થતા તમામ અરજીઓ દફતરે કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શું એજ્યુકેશન મેદાન ખાતે ગરબાનું આયોજન ચાલુ વર્ષે જ નહી થાય કે હવે ક્યારેય નહી થાય ?

તમામ આયોજકોની અરજીઓ દફતરે: ગરબા આયોજન માટે રાજકીય ધમાસાણ

(પ્રતિનિધિ) પેટલાદ, સમગ્ર દેશમાં ગુજરાત નવરાત્રી મહોત્સવ માટે પ્રસિદ્ધ ગણાય છે. ગુજરાતમાં નવરાત્રી પૂર્વે આયોજકો અને ખેલૈયાઓ મહિનાઓ પહેલા તૈયારી શરૂ કરી દે છે. તેમાય છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ગરબાનું આયોજન શક્ય થયુ ન હતુ.

પરંતુ ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી ધામધુમથી થનાર છે. તે મુજબ પેટલાદમાં પણ ચાલુ વર્ષે જાહેર ગરબાનું આયોજન શરૂ થઈ ગયું છે. કોરોનાકાળ પૂર્વે કેટલાક વર્ષોથી ન્યુ એજ્યુકેશન હાઈસ્કુલના મેદાન ખાતે ગરબાનું ભવ્ય આયોજન થતુ આવ્યું છે.

ચાલુ વર્ષે આ આયોજન માટે પાંચ જેટલા આયોજકોએ મેદાન મેળવવા અરજી કરી હતી. પરંતુ આ આયોજકો વચ્ચે રાજકીય ધમાસાણ જેવી સ્થિતિના એંધાણ વર્તાતા શાળાના ટ્રસ્ટીઓએ તમામ અરજીઓ દફતરે કરી દેતા આયોજકો સહિત નગરજનો અને ખેલૈયાઓમાં આશ્ચર્ય ફેલાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી પૂર્વે ગરબાના આયોજન માટે આયોજકોને રાજકીય રંગ લાગ્યો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.

પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં ન્યુ એજ્યુકેશન હાઈસ્કુલના મેદાન ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે માટે આયોજકે શાળાના ટ્રસ્ટી મંડળ પાસેથી જરૂરી મંજૂરી મેળવવાની હોય છે. જેના આધારે નગરપાલિકા, પોલીસ, વહિવટી તંત્ર, એમજીવીસીએલ વગેરે જેવી અન્ય પરવાનગીઓ મેળવવામા આવે છે.

શહેરમાં યોજાતા આ ભવ્ય નવરાત્રી મહોત્સવમાં સ્થાનિક ખેલૈયાઓ સહિત તાલુકાભરમાંથી લોકો આવતા હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની ગાઈડલાઈનને કારણે ગરબા આયોજન થઈ શક્યું ન હતુ. પરંતુ ચાલુ વર્ષે નવરાત્રી મહોત્સવ યોજાનાર હોવાથી આયોજકો દ્વારા તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. જેના ભાગરૂપે મેદાન મેળવવા પાંચ આયોજકો દ્વારા ન્યુ એજ્યુકેશન હાઈસ્કુલના ટ્રસ્ટી મંડળને અરજીઓ આપવામાં આવી હતી.

જેમા એકદંતાય ગૃપ (બિજાેય પટેલ), વક્રતુંડાય ગૃપ (ભાવિન ઉર્ફે ભયલુ પટેલ), વામા ટ્રસ્ટ (વિજય શાહ), સહકાર ગૃપ (ધર્મેન્દ્ર પરિખ અને ધર્મેન્દ્ર ઉર્ફે બુધો પટેલ) તથા દર્શ દવેની અરજીઓનો સમાવેશ થતો હતો. આ અરજીઓ સંદર્ભે ટ્રસ્ટી મંડળ પણ નિર્ણય લેવામાં ભારે અસમંજસતા અનુભવતુ હતુ.

કારણકે આ દરેક ગૃપને કોઈ ને કોઈ રાજકીય નેતાનું પીઠબળ મળી રહ્યું છે. આ આયોજન માટે દરેક ગૃપ વચ્ચેની ખેચતાણને કારણે ભાજપની જૂથબંધી સ્પષ્ટપણે છતી થતી હોવાની વાત ચર્ચાસ્પદ બનવા પામી છે. નોંધપાત્ર બાબત એ પણ છે કે વિધાનસભાની ચૂંટણી પૂર્વે યોજાનાર આ ગરબા મહોત્સવ માટે દરેક આયોજકને રાજકીય રંગ લાગ્યો છે.

પરંતુ આ સાર્વજનિક આયોજન માટે આવેલ પાંચ અરજીઓને કારણે આગામી સમયમાં રાજકીય ધમાસાણ સર્જાવાના એંધાણ વર્તાતા ટ્રસ્ટી મંડળે તમામ આયોજકો સાથે બેઠકનું આયોજન કર્યું હતુ. જેમા મંડળના ચેરમેન રાજેશભાઈ કંસારા અને મેનેજીંગ ટ્રસ્ટી એન આર શાહે તમામ આયોજકોને એક થઈ નવરાત્રી મહોત્સવ ઉજવવા જણાવ્યું હતુ.

પરંતુ આ આયોજકો વચ્ચે એકમત નહી થતા મંડળ દ્વારા તમામ અરજીઓ દફતરે કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મંડળના આ નિર્ણયથી આયોજકો, નગરજનો અને ખેલૈયાઓને ભારે આશ્ચર્યમા મુકી દીધા છે. મળતી માહિતી મુજબ હાઈસ્કુલના મેદાનનું આયોજન પડી ભાંગતા આયોજકોએ બીજા સ્થળો ઉપર નજર દોડાવી છે.

ગતરોજ સુધીમા બિજાેય પટેલ દ્વારા નગરપાલિકા સ્ટેડિયમ, રૂમઝુમ ગૃપ દ્વારા એન કે હાઈ સ્કુલ અને નાગરકુવા ચોક, દર્શ દવે (યૂનિટી ગૃપ) દ્વારા નાગરકુવા ચોક, મહાકાલ ગૃપ દ્વારા રણછોડજી મંદિર ચોક અને પરમાણીયા તળાવ પાસેની જગ્યા ઉપર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવા નગરપાલિકા પાસે મંજૂરી મેળવવા અરજીઓ કરી હોવાનું જાણવા મળે છે. જાેવાનું એ રહેશે કે બે વર્ષ બાદ ખેલૈયાઓ માટે કયા સ્થળ ખાતે ગરબાની રમઝટ જામે છે ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.