Western Times News

Gujarati News

૧૫ દિવસથી પાંડરવાડામાં વાઘ હોવાનો ગામ લોકોનો દાવો

ગુજરાતમાં ફરી એક વખત વાઘ દેખાયો

ગામ લોકોનું કહેવું છે કે, રાત પડતા જ જંગલમાંથી વાઘ આવી તેમના બકરા, નીલ ગાયનો શિકાર કરે છે

મહીસાગર,ગુજરાતમાં વાઘ ફરતો હોવાનો ફરી એક વખત દાવો કરાયો છે. મહીસાગર જિલ્લાના પાંડરવાડા ગામના સ્થાનિકોનો દાવો છે કે, છેલ્લા ૧૫ દિવસથી તેમના વિસ્તારમાં વાઘ ફરી રહ્યો છે. ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામમાં રહીશોનો દાવો છે કે, છેલ્લા ૧૫ દિવસથી જંગલ વિસ્તારથી વાઘ આવે છે. લોકોએ એવા દાવો કર્યો છે કે વાઘ તેમના પશુઓનું મારણ કરે છે.

આ ઉપરાંત ગામ લોકો ડરના માર્યાં રાત્રે ઊંઘી પણ નથી શકતા. આ જ કરાણ છે કે સ્થાનિકો પોતાના બાળકોને ઘર બહાર રમવા નથી દેતા. જાેકે, આ મામલે વન વિભાગ તરફથી કોઈ જ પુષ્ટિ કરવામાં આવી નથી. જાે આ વાત સાચી સાબિત થાય છે તો ગુજરાત વિશ્વનો એકમાત્ર એવો પ્રદેશ બનશે જ્યાં વાઘ, દીપડો અને સિંહ સાથે રહેતા હોય. ગામ લોકોનું કહેવું છે કે, રાત પડતા જ જંગલમાંથી વાઘ આવી તેમના બકરા, નીલ ગાયનો શિકાર કરે છે. પાંડરવાડા ગામના લોકોએ આ અંગે વન વિભાગને પણ જાણ કરી છે.

સમાચારને પગલે વન વિભાગની ટીમ પણ વાઘ હોવાના પુરાવાની શોધમાં જાેડાઈ છે. હાલમાં જ્યાં જ્યાં પશુઓના મારણ થયા છે ત્યાં પશુ પરના દાંતના નિશાન, તે વિસ્તારના જમીન પરના પંજાના નિશાન અને આસપાસના ફોટોગ્રાફ લેવામાં આવી રહ્યા છે. જ્યાં જ્યાં શિકાર થયો છે તે વિસ્તારમાં પંજાના નિશાનના ફોટા હાથ લાગ્યા છે. એવુ નથી કે, મહીસાગરમાં વાઘ હોવાનો આ દાવો પહેલીવાર થયો છે.

અગાઉ પણ લુણાવાડામાં વાઘ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. ગામ લોકોએ ફોટા પાડીને વાઘ હોવાનો દાવો કરી વન વિભાગને પણ સોંપ્યા હતા. જાેકે, બાદમાં કંતાર ગામના જંગલમાંથી વાઘનો મૃતદેહ મળ્યો હતો. એ સમયે સ્થાનિકોએ વન વિભાગ સામે ગંભીર બેદરકારીનો પણ આક્ષેપ કર્યો હતો. હવે ફરી મહીસાગર જિલ્લાના પાંડરવાડા ગામના રહીશોએ વાઘ હોવાનો દાવો કર્યો છે.

ગામ લોકોના દાવા પર જિલ્લા મુખ્ય વન અધિકારીનો સંપર્ક કર્યો હતો. જાેકે, વન અધિકારી હજુ વાઘ હોવાની કોઈ પુષ્ટિ કરતા નથી. તેમનુ કહેવુ છે કે, ક્યારેક રાત્રિ સમયે દીપડાને લોકો વાઘ સમજી લે છે. તો ક્યારેક જરખના શરીર પરના પટ્ટાને દૂરથી જાેતા વાઘ જેવો ભાસ થાય છે. હાલ વન વિભાગ લોકોના દાવા પ્રમાણે વાઘ હોવાના પુરાવા એકત્ર કરી રહ્યું છે. જાે જંગલમાં વાઘ હોવાની પુષ્ટિ થાય છે તો ગુજરાત માટે આ વાત ગૌરવ સમાન હશે.

કારણ કે ગુજરાતમાં સિંહ અને દીપડાનો વસવાટ છે. હવે જાે વાઘ હોવાની વાત પણ સાબિત થાય છે તો ગુજરાત વિશ્વમાં એવો એકમાત્ર પ્રદેશ બનશે જ્યાં વાઘ, સિંહ અને દીપડા એક સાથે રહેતા હોય. છેલ્લા ૨૦૧૯ના વર્ષમાં મહીસાગરમાં વાઘ દેખાયો હતો. એ પહેલા ૧૯૮૫ માં ગુજરાતમાં વાઘ જાેવા મળ્યો હતો. ૧૯૮૫માં ગુજરાતના દક્ષિણ છેડે આવેલા ડાંગમાં વાઘ જાેવા મળ્યો હતો. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.