Western Times News

Gujarati News

ગુજરાત AAPના નેતા મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો

પાર્ટીએ ભાજપ પર લગાવ્યો આરોપ –હું ગુજરાતના સીએમને અપીલ કરું છું કે ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવે અને દરેકની સુરક્ષા કરે: કેજરીવાલ

સુરત,સુરત આપ નેતા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. હથિયારો વડે હુમલો કરી દેવાતા માથા અને અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં સીમાડા નાકા ખાતે મનોજ સોરઠીયા પર હુમલો થતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.

આ સમગ્ર મામલે આપના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટિ્‌વટ કરીને જણાવ્યું કે, ‘વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર-જીત થતી રહે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને લોકોને ગમતું નથી. હું ગુજરાતના સીએમને અપીલ કરું છું કે ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવે અને દરેકની સુરક્ષા કરે.

આ ઉપરાંત આપના ચીફ મીડિયા કો-ઓર્ડિનેટર વિકાસ યોગીએ પણ ટ્‌વીટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્‌વીટમાં જણાવ્યું કે, ભાજપના ગુંડાઓએ આપ ગુજરાતના જનરલ સેક્રેટરી મનોજ સોરઠીયા પર હુમલો કર્યો છે. ભાજપવાળાઓ આપ ગુજરાતમાં તમને જરૂર હરાવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર સુરત શહેરમાં સરથાણા સીમાડા નાકા પર ગણેશ પંડાલની મુલાકાતે ગયેલા મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ગંભીર ઈજા થવાને કારણે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

બીજી તરફ પંજાબમાં ભારે બહુમત સાથે જીત નોંધાવ્યા બાદ આપ ગુજરાતમાં પણ ચૂંટણીને લઈને ખૂબ ઉત્સાહિત અને જીતની તૈયારીમાં લાગેલી છે. જેના કારણે સત્તા પક્ષ ભાજપમાં ક્યાંકને ક્યાંક ભયનો માહોલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ss1

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.