Western Times News

Gujarati News

તરણેતરના મેળામાં લંગડી, માટલા દોડ, ખાંડના લાડુ ખાવાની સ્પર્ધા, દોરડાકૂદ સહિતની પરંપરાગત રમતોના આયોજન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વવિખ્યાત તરણેતર મેળાની મુલાકાત લીધી

લોકસંસ્કૃતિની પરંપરા જાળવતા તરણેતર સહિતના મેળાઓમાં સતત નવી સુવિધાઓ ઉમેરવા સરકાર પ્રયાસરત છે
આખી દુનિયામાં ગ્રામ્ય સ્તરે વૈશ્વિક કક્ષાનો મેળો તે તરણેતરમાં જ યોજાય છે

શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના દૂરંદેશીભર્યા આયોજનના પરિણામે આજે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વવિખ્યાત તરણેતર મેળામાં જણાવ્યું હતું કે દર વર્ષે ગુજરાતમાં ૧૫૦૦થી વધુ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪૦૦થી વધુ મેળાઓનું આયોજન થાય છે ત્યારે લોકજીવન અને ગ્રામ્ય સંસ્કૃતિમાં મેળાનું મહત્વ સમજી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકમેળા, સાંસ્કૃતિક મેળાઓ સહિતના મેળાઓને પ્રોત્સાહન આપવાની નીતિ અમલમાં મૂકી હતી.

 

મેળાઓ આપણી વૈવિધ્યસભર અને અનેક વિશેષતાઓ ધરાવતી લોકસંસ્કૃતિની પરંપરા જાળવી રાખવાનું અને સંવર્ધન કરવાનું કામ કરે છે. સરકાર મેળાઓમાં તેમનું સ્વરૂપ જાળવી રાખી આ સાથે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં કાર્યરત છે.

 

મુખ્યમંત્રીશ્રીએ તરણેતરના મેળા સ્થળે તળાવના બ્યુટીફિકેશન સહિતના પગલા લઈ તેને મુલાકાતીઓ માટે  વધુ સુવિધાઓયુક્ત બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. મેળાની સમૃદ્ધ પરંપરા જાળવી રાખવા માટે યુવાનો મેળાઓ સાથે વધુ ને વધુ પ્રમાણમાં જોડાય તેવા વિઝનરી વિચાર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૪માં ગ્રામીણ ઓલિમ્પિકની શરૂઆત કરાવી હતી. જેના કારણે યુવાનોને ગ્રામ્ય સ્તરે ખેલ પ્રતિભા દર્શાવવાની તક મળે છે અને પરંપરાગત રમતો માટે મેળાનું વિશાળ મંચ તેમને ઉપલબ્ધ થાય છે.

તરણેતરના મેળામાં લંગડી, માટલા દોડ, ખાંડના લાડુ ખાવાની સ્પર્ધા, દોરડાકૂદ સહિતની પરંપરાગત રમતો  ઉપરાંત દોડ, વોલીબોલ, કૂદ, કુસ્તી, કબડ્ડી જેવી રમતોના આયોજનને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું કે આખી દુનિયામાં જો ગ્રામ્ય સ્તરે ક્યાંય વૈશ્વિક કક્ષાનો મેળો યોજાતો હોય તો તે તરણેતર છે. આ વિશ્વપ્રસિદ્ધ મેળાના સુંદર આયોજન બદલ મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ પંચાયતને અભિનંદન પાઠવ્યા હતા.

માનવી સુધી સુવિધાઓ અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોચે તે સુનિશ્ચિત કરવા  સરકાર સતત કાર્યરત છે તેમ જણાવતા તેમણે કહ્યું હતું કે, શ્રી  નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે. જેના પરિણામે આજે ગુજરાત આરોગ્ય, શિક્ષણ, ઊર્જા  એમ બધા ક્ષેત્રે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.

પહેલાંના સમયમાં રાજ્યમાં રસ્તા, પાણી, વીજળીની ખૂબ તકલીફ હતી પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના દૂરંદેશીભર્યા આયોજનના પરિણામે આજે ગુજરાતમાં દરેકે-દરેક ગામમાં પાકા રસ્તા, પાણી અને વીજળી સહિતની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને જ્યારે દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે ત્યારે હવે આપણું લક્ષ્ય તેને ગુજરાતને વધુ ઝડપથી વધુ ઊંચાઈ સુધી લઈ જવાનો છે.

ઋષિ પાંચમના પવિત્ર દિવસે ભગવાન ત્રિનેત્રેશ્વરના પૂજન-અર્ચનનો લાભ મળ્યો હોવાનો હર્ષ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરતું રહે તેવી  પ્રાર્થના પ્રભુને કરી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ તેમના સંબોધનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ચાલુ થયેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં  મોટી સંખ્યામાં લોકો સહભાગી થઈ પોતાના ઘર-મકાનો, દુકાનો વગેરે પર તિરંગો લહેરાવી વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા દેશપ્રેમના અભિયાનમાં જોડાઈ તેને અભૂતપૂર્વ રીતે સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તરણેતર મેળામાં પ્રસ્તુત થતા નૃત્યો અને ગ્રામીણ ઓલિમ્પિકની સ્પર્ધાઓ વિશે વાત કરતા તેમણે મેળાના આયોજનને સરકાર દ્વારા સતત પ્રોત્સાહન આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું.

રાજ્ય મંત્રી શ્રી અરવિંદ રૈયાણીએ જૂનાગઢ, માધવપુર જેવા અનેક મેળાઓની વાત કરતા આધુનિક સમયમાં મેળાઓ સમાજની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરવા માટે ખૂબ જ આવશ્યક છે. આવા મેળાઓ થકી આવનાર નવી પેઢીમાં સામાજિક સમરસતાની ભાવનાઓનો ઉદય થાય એ માટે આવા કાર્યક્રમો થતા રહે એ ખૂબ જ જરૂરી છે.

કાર્યક્રમમાં જિલ્લાના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિ:શુલ્ક તૈયારી કરી શકે એ માટે મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં અનએકેડમી સાથે MOU પણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીશ્રીનું તરણેતરની પરંપરાગત બંડી, પાઘડી, તલવાર, છત્રી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પાંચાળ સાંસ્કૃતિક ગ્રુપ થાનગઢ દ્વારા ભવ્ય રાસની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.એન.મકવાણા દ્વારા સ્વાગત પ્રવચન અને તરણેતર સરપંચશ્રી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમ અગાઉ મુખ્યમંત્રીશ્રીએ ગ્રામીણ ઓલિમ્પિક અને માહિતી વિભાગના પ્રદર્શનની મુલાકાત લીધી હતી તેમજ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન-અર્ચન કરી પ્રજાજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રીશ્રીની તરણેતર મુલાકાત દરમિયાન વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પ્રભારી મંત્રી શ્રી દેવાભાઈ માલમ, વઢવાણ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.એન.મકવાણા, જિલ્લા પોલીસ વડા શ્રી હરેશ દુધાત, ચોટીલા પ્રાંત અધિકારી શ્રી પ્રિયાંક ગલચર, અગ્રણી સર્વ શ્રી શંકરભાઈ વેગડ, જગદીશભાઈ મકવાણા, દિલીપભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, નીમુબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.