Western Times News

Gujarati News

ઝઘડિયા એસટી ડેપોની મીની બસનુ પાછળનું વ્હીલ ચાલુમાં નીકળી ગયું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકા મથકનો એસટી ડેપો છેલ્લા કેટલા સમયથી એસટીના રૂટ બાબતે, ગામડાઓમાં આવકવાળા રૂટો બંધ કરવા બાબતે તથા ઝઘડિયા એસટી ડેપોની બસની હાલત બાબતે હંમેશા વિવાદમાં રહ્યો છે.

ઝઘડિયા એસટી ડેપોના સંચાલકો દ્વારા આડેધડ બસના રૂટો પર કાપ મુકવામાં આવતા સામાન્ય રીતે મુસાફરો હેરાન થઈ રહ્યા છે.ત્યારે આજરોજ વધુ એક હેરાનગતિ વાળી ઘટના ઝઘડિયા એસટી ડેપોના વહીવટ બાબતની બનવા પામી છે.આજે વહેલી સવારે ઝઘડિયા એસટી ડેપો ની એક મીની બસ ઝઘડીયા થી ૨૫ જેટલા પેસેન્જર ભરી અંકલેશ્વર જવા માટે નીકળી હતી.

ગુમાનદેવ પસાર કર્યા બાદ ગુમાનદેવ અને ગુમાનદેવ રેલવે ફાટક વચ્ચે અચાનક મીની બસનું ડાબી બાજુનું પાછળનો વ્હીલ નીકળી ગયું હતું અને એસટી બસની આગળ ઘસી ગયું હતું. એક તબક્કે એસટીમાં બેઠેલા તમામ મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

પરંતુ એસટી બસ ચાલકના સમયસુચકતાના કારણે બસ ત્યાં જ અટકી ગઈ હતી અને પલટી ખાવાથી બચી ગઈ હતી. બસનું ટાયર આગળ નીકળી જતા બસના તમામ પેસેન્જર નીચે ઉતરી પડ્યા હતા. એસટી બસ નું વ્હીલ નીકળી જવાની ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા એસટી ડેપોમાં જે બસો ને મરામતની જરૂર હોય તેવી બસો પણ સંચાલકો દ્વારા મરામત કર્યા વગર રૂટ પર ફેરવવામાં આવતી હોવાની ફરિયાદો વારંવાર ઊઠવા પામી છે.મરામત હેઠળની બસોના સ્પેરપાર્ટસ પણ ઝઘડિયા ડેપોમાં હાજર સ્ટોકમાં મળતા નહીં હોવાના કારણે મરામત જરૂરી હોય એવી બસોને પણ દોડાવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.