Western Times News

Gujarati News

ખર્ચ સહાય માટે આવક મર્યાદાને વધારીને ₹૪ લાખની કરવામાં આવી

પ્રતિકાત્મક

વર્ષ 2022માં મુખ્યમંત્રી રાહતફંડમાંથી  અત્યાર સુધીમાં ₹૮ કરોડથી વધુની સહાય મંજૂર

કુલ 333 કેસમાં રાહત મંજૂર કરવામાં આવી,  ગંભીર રોગોની સારવાર માટે અપાય છે ખર્ચ સહાય માટે વાર્ષિક ₹૧ લાખની આવક મર્યાદાને  વધારીને ₹૪ લાખની કરવામાં આવી

ગાંધીનગર, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૨ રાજ્યના નાગરિકોને ગંભીર પ્રકારના રોગોની સારવાર માટે ઓપરેશનના ખર્ચમાં સહાયતા કરવા માટે મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી સહાય મંજૂર કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, રાજ્યના નાગરિકોની સુખાકારી તેમજ સ્વાસ્થ્ય માટે ત્વરિત કામગીરી થાય તે માટે યોગ્ય નિર્ણયો કરવામાં આવ્યા છે અને તેના લીધે નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે. મુખ્યમંત્રી રાહતફંડમાંથી વર્ષ ૨૦૨૨માં સપ્ટેમ્બર મહિના સુધીમાં કુલ 306 કેસ માટે ₹8.5 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે.

નાગરિકોની અરજી બાદ, કિડની, કેન્સર, હૃદય અને લીવરના રોગોની સારવાર/ઓપરેશન માટે માન્ય હોસ્પિટલમાં નિર્ધારિત ખર્ચના અંદાજના 1/3 ભાગની સહાય મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી ચૂકવવામાં આવે છે. અગાઉ વાર્ષિક એક લાખની આવક ધરાવતા નાગરિકોને આ લાભ મળતો હતો, પરંતુ રાજ્ય સરકારે હવે વધુ નાગરિકો સુધી લાભ પહોંચાડવાના ઉદ્દેશ્યથી, જાન્યુઆરી 2022ના ઠરાવથી ₹4 લાખની આવક મર્યાદા ધરાવતા નાગરિકોને પણ રાહતફંડમાંથી સહાય ચૂકવવાનું મંજૂર કર્યું છે.

સહાયની વિગતો તા.૧/૧૦/૨૦૧૧થી તા.૨૦/૦૯/૨૦૨૨ સુધીના ગાળામાં, કુલ ૩૪૭૨ અલગ-અલગ કેસમાં ₹૩૬ કરોડથી વધુની  સહાય મંજૂર કરવામાં આવી છે, જ્યારે ૧/૧/૨૦૨૨થી ૨૦/૦૯/૨૦૨૨ સુધીમાં કુલ મંજૂર ૩૩૩ કેસમાં રૂ.૮.૯ કરોડની સહાય મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી નાગરિકોને ચૂકવવામાં આવી છે.

લાભાર્થીના પ્રતિભાવ-રાજકોટમાં રહેતા ૬૧ વર્ષીય મંજુલાબેન વિઠ્ઠલભાઇ સરધારાને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હોઇ, તેમને રાહતફંડમાંથી રૂ. ૨,૩૩,૦૦૦ મંજૂર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે તબીબોના માર્ગદર્શનથી અને આ સહાયથી તેમને ઘણો ફાયદો થયો છે અને મુખ્યમંત્રીશ્રી રાહતફંડની સહાયની કામગીરી ખૂબ સારી છે.

અમરેલીના બાબપુરમાં રહેતા ૨૧ વર્ષીય કેયુરભાઇ રાજેશભાઇ ગોંડલિયાને હૃદયમાં ખામી સર્જાતા, હૃદય ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઉભી થઇ હતી. આવા સમયે મુખ્યમંત્રી રાહતફંડમાંથી ₹૭,૫૦,000ની સહાય મંજૂર થવાથી તેમને સારવારમાં મોટી રાહત થઇ હતી. કેયુરભાઇના પરિવારજનોએ આ સહાય માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.