Western Times News

Gujarati News

ખાદી વણાટ-ખાદી ઉત્પાદનો સાથે સંકળાયેલા ગ્રામીણ અંતરિયાળ કારીગરોને આર્થિક આધાર આપવાનો ઉદાત્ત અભિગમ દર્શાવતા મુખ્યમંત્રી

રાજ્યમાં ગાંધી જયંતિથી ખાદી અને પોલીવસ્ત્રમાં ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે ૧૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખાદીનું વેચાણ વધે અને ખાદી ઉત્પાદનો ખાદી વણાટ સાથે સંકળાયેલા અંતરિયાળ વિસ્તારોના ગ્રામીણ કારીગરોને આર્થિક આધાર મળે તેવો મહત્વપૂર્ણ ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધી જ્યંતિ તા. ર ઓક્ટોબર-ર૦રર થી તા. ૩૧ ડિસેમ્બર-ર૦રર સુધીના સમયગાળા માટે ખાદી અને પોલીવસ્ત્રની ઉત્પાદન કિંમત ઉપર ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ખાદી ખરીદી ઉપર ગ્રાહકોને આ લાભ વળતર તરીકે મળશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી દેશમાં ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષે વધુ ૧૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરી છે.

હાલ રાજ્ય સરકાર દ્વારા ગાંધી જ્યંતિના ઉપલક્ષ્યમાં તા.ર ઓક્ટોબરથી ૩૧ ડિસેમ્બર-ર૦રર સુધીના સમયગાળા માટે આપવામાં આવતી ર૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય ઉપરાંત આ ૧૦ ટકા સહાય મળીને હવે કુલ ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આ વર્ષે ગુજરાતમાં અપાશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘‘ખાદી ફોર ફેશન-ખાદી ફોર નેશન’’ને વ્યાપકપણે પ્રોત્સાહિત કરવા તાજેતરમાં અમદાવાદમાં ‘ખાદી ઉત્સવ’માં તહેવારો, સામાજીક પ્રસંગોમાં લોકોને વધુ ખાદી ખરીદી માટે કરેલા આહવાનને ગુજરાત સરકારે આ ખાસ બજાર પ્રોત્સાહન સહાયથી પ્રતિસાદ આપ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાયને પરિણામે ખાદી અને પોલીવસ્ત્રની વિવિધ ચીજવસ્તુઓના વેચાણમાં મહત્તમ વધારો થતાં ખાદી કામગીરી સાથે સંકળાયેલા ગ્રામીણ કારીગરોના ઘરમાં દિવાળીના દિવસોમાં આર્થિક ઊજાસ પથરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.