Western Times News

Gujarati News

ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સરકારી વિભાગના કર્મયોગીઓને સન્માનિત કરાયા

 “વીત્યુ વર્ષ એક, કામ કર્યા અનેક” છેલ્લા એક વર્ષમાં પડતર તુમારોનો નિકાલ લાવી પંચાયત વિભાગે કરી ઉત્તમ કામગીરી- હકારાત્મક વિચારસરણી અને પારદર્શિતા સાથે ક્ષેત્રીય કચેરીઓના કામ કરવા વિભાગને અનુરોધ

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સચિવાલયના વિભાગોમાં કર્મયોગીને સન્માનિત કરવાની નવીન પહેલ

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા ઓગસ્ટ માસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જેમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સેક્શન અધિકારી, નાયબ સેક્શન અધિકારી તથા ઑફિસ આસીસ્ટન્ટને અને વિકાસ  કમિશનર કચેરીના ચીટનીશ, નાયબ ચીટનીશ તથા જુનિયર ક્લાર્ક સહિત કુલ છ અધિકારી-કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યાં છે.

આ પ્રસંગે મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે એક વર્ષમાં અનેક કામ કર્યાં છે. છેલ્લા એક વર્ષમાં પડતર તુમારોનો નિકાલ લાવી પંચાયત વિભાગ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. મંત્રીશ્રીએ વિભાગના અધિકારી-કર્મચારીઓને હકારાત્મક વિચારસરણી અને પારદર્શિતા સાથે ક્ષેત્રીય કચેરીઓના કામોની સમીક્ષા કરી યોગ્ય કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, વિભાગની કામગીરી શ્રેષ્ઠત્તમ સ્તરે પહોંચાડી સરકારના સુશાસનના ધ્યેયને સિદ્ધ કરવાના નવતર પ્રયાસના ભાગરૂપે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે

“બેસ્ટ ઓફિસર/એમ્પ્લોઈ ઓફ ધ મંથ” તરીકે સમાનિત કરવાની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. કોર્પોરેટક્ષેત્રની જેમ જ સરકારના વિભાગમાં પણ ઉત્કૃષ્ટ કામગીરી બદલ કર્મયોગીઓને સન્માન આપી પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે આ પહેલ શરૂ કરવામાં આવી છે.

આ પ્રસંગે મંત્રી શ્રી મેરજાના હસ્તે ઓગષ્ટ માસમાં કોર્ટકેસને લગતી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વિભાગની ‘ખ’ શાખાના સેક્શન અધિકારી શ્રી દિવ્યાંગ ખરાડીને ‘બેસ્ટ સેક્શન ઓફિસર ઓફ ધ મંથ’નો એવોર્ડ, જિલ્લા ફેરબદલી માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વિભાગની ‘ડ’ શાખાના

નાયબ સેક્શન અધિકારી શ્રી મનહર ગોસાઈને “બેસ્ટ ડેપ્યુટી સેક્શન ઓફિસર ઓફ ધ મંથ”નો એવોર્ડ તેમજ સુશ્રી જાનુબેન ચૌધરીને “બેસ્ટ ઓફિસ આસિસ્ટન્ટ ઓફ ધ મંથ”નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય વિકાસ કમિશનર કચેરીના ચિટનીશ, નાયબ ચિટનીશ તથા જુનિયર ક્લાર્કને પણ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયાં હતાં.

આ ઉપરાંત, વિભાગ ખાતે પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ કરીને નિયમિત નિમણૂક મેળવનાર કર્મચારીઓને મંત્રીશ્રીના હસ્તે નિયમિત નિમણૂકના હુકમો આપી અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.