Western Times News

Gujarati News

નવોત્થાનની પ્રક્રિયામાં અડચણોને પાર કરવાનું કામ હજુ કરવું પડશે: ડૉ ભાગવત

વિજયાદશમીના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનું રાષ્ટ્ર જોગ વક્તવ્ય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નાગપુર ખાતેના મુખ્યાલય ખાતે વિજયાદશમી ઉત્સવ ઉજવાયો. આ ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે બે વખત ગૌરીશંકર શિખર વિજેતા અને પદ્મશ્રી સન્માનથી સન્માનિત શ્રીમતી સંતોષ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે વક્તવ્ય આપ્યુ.

પોતાના વક્તવ્યમાં ડૉ. મોહન ભગવતે માતૃશક્તિના સશક્તિકરણ પર વાત કરતા જણાવ્યું કે સર્વે કાર્યોમાં મહિલા અને પુરૂષ સાથે મળીને જ કાર્ય સંપન્ન કરતા હોય છે. ભારતીય પરંપરામાં આ જ પૂરકતાની દૃષ્ટિથી વિચાર કરવામાં આવ્યો છે, આપણે એ દૃષ્ટિને વિસરી ગયા અને માતૃશક્તિને સિમિત કરી દીધી.

સતત થતા રહેલા આક્રમણોની પરિસ્થિતિએ આ મિથ્યાચારને તાત્કાલિક વૈદ્યતા આપી દિધી અને તેને એક આદતના રૂપમાં ઢાળી દીધી. ભારતના નવોત્થાનના અરુણોદયની પ્રથમ કિરણથી જ ભારતના સર્વે મહાપુરુષોએ માતૃશક્તિને માત્ર દેવીનું સ્વરૂપ ગણીને એને પૂજાઘરમાં સિમિત કરવાનું કે રસોઇઘર સુધી મર્યાદિત કરી દેવાની રુઢીનો ત્યાગ કરીને,

અને આ બન્ને અતિ થી સાચવી સંભાળીને, તેમનું પ્રબોધન, સશક્તિકરણ તથા નિર્ણય પ્રક્રિયા સહિત સમાજના પ્રત્યેક કાર્યોમાં, સર્વત્ર સમાન સહભાગીતા પર જ બળ આપ્યું છે. વિશ્વમાં પ્રચલિત વ્યક્તિવાદી અને નારીવાદી દ્રષ્ટિકોણ પણ જુદા જુદા અનુભવોની ઠોકરો ખાઈને હવે આપણા તરફ પોતાના વિચારોને ફેરવી રહ્યો છે.

2017 માં વિભિન્ન સંગઠનોમાં કાર્યરત મહિલા કાર્યકર્તાઓએ એક વ્યાપક અને સર્વાંગીણ સર્વેક્ષણ કર્યુ અને તે સર્વેક્ષણ સરકારને પણ પહોંચાડ્યુ હતું. તે સર્વેક્ષણમાંથી જે નિષ્કર્ષ આવ્યા હતા તે પણ માતૃશક્તિના પ્રબોધન, સશક્તિકરણ તથા તેમની સમાન સહભાગીતાની આવશ્યકતાને રેખાંકિત કરતા હતા.

આ કાર્ય કુટુંબ સ્તરથી શરૂ કરીને સંગઠનો સુધી સ્વીકૃત અને પ્રચલિત કરવું પડશે ત્યારે જ માતૃશક્તિ સહિત સંપૂર્ણ સમાજની શક્તિ રાષ્ટ્રીય નવોત્થાનમાં પોતાની ભૂમિકાનું સફળતાપુર્વક નિર્વહન કરી શકશે.

પોતાના વક્તવ્યમાં ડૉ. મોહન ભાગવતે આત્મનિર્ભરતા વિશે જણાવ્યું કે રાષ્ટ્રીય નવોત્થાનની પ્રક્રિયાનો અનુભવ હવે સામાન્ય વ્યક્તિ પણ કરી રહ્યા છે. ભારતની શક્તિમાં, શીલમાં તથા જાગતિક પ્રતિષ્ઠામાં નિરંતર થતી રહેલી વૃદ્ધિનો ક્રમ જોઈને આપણે સૌ આનંદિત છીએ.

શાસન દ્વારા સર્વ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા તરફ દોરી જતી નીતિઓનુ અનુસરણ કરવામાં આવી રહ્યું છે. વિશ્વભરના દેશોમાં ભારતનું મહત્વ અને વિશ્વસનીયતા વધી રહી છે. સુરક્ષાના ક્ષેત્રમાં આપણે વધુને વધુ સ્વાવલમ્બી બનતા જઈ રહ્યા છીએ. આપણી અર્થવ્યવસ્થા કોરોનાની વિપત્તિમાંથી બહાર આવીને ગતિ પ્રાપ્ત કરી રહી છે,

આપણી અર્થવ્યવસ્થા પૂર્વવત થઈ રહી છે. આધુનિક ભારતની આગેકુચના આર્થિક, તકનીકી અને સાંસ્કૃતિક પાયાગત માળખાનું વર્ણન દિલ્હીના કર્તવ્ય-પથના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણમાં સૌએ સાંભળ્યું જ છે. સરકાર દ્વારા સ્પષ્ટ રીતે ઘોષિત આ દિશા અભિનંદનને પાત્ર છે.

પરંતુ આ દિશામાં આપણે સૌ મન, વચન અને કર્મથી એક ચાલીએ એની આવશ્યકતા છે. આત્મનિર્ભરતાના પથ પર આગળ વધવા માટે પોતાના રાષ્ટ્રના આત્મસ્વરુપને, શાસન, પ્રશાસન અને સમાજ સ્પષ્ટ અને સમાન રીતે સમજતા હોય તે અનિવાર્ય પુર્વશરત છે.

એના આધાર પર આગળ વધતી વખતે પોતપોતાના સ્થાન તથા પરિસ્થિતિમાં આવશ્યકતા પડતા લચિલાપણુ લાવવુ પડે છે, વિચારોની સ્પષ્ટતા, સમાન દ્રષ્ટિ તથા દ્રઢતા, લચિલાપણાની મર્યાદાની સમજણ ભૂલોથી અને પથ પરથી ભટકી જવાથી બચાવે છે, આપસી સમજદારી અને વિશ્વાસ મળીને આગેકુચને સ્થાયી રાખે છે.

શાસન, પ્રશાસન, જુદા જુદા નેતાઓ તથા સમાજ આ પ્રકારે સ્વાર્થ અને ભેદભાવોથી પર અને એકચિત્ત થઈને કર્તવ્ય પથ પર આગળ વધે છે, ત્યારે રાષ્ટ્ર પ્રગતિની દિશામાં અગ્રેસર બને છે. શાસન, પ્રશાસન અને નેતાગણ તો પોતાના કર્તવ્યોનું પાલન કરશે જ, સમાજે પણ પોતાના કર્તવ્યોનું વિચારપુર્વક નિર્વહન કરવું પડશે.

હિંદુત્વ વિશે બોલતા ડૉ ભાગવતે કહ્યું કે નવોત્થાનની પ્રક્રિયામાં અડચણોને પાર કરવાનું કામ હજું પણ કરવું પડશે. પ્રથમ અડચણ છે, ગતાનુગતિકતા ! સમયની સાથે મનુષ્યોનું જ્ઞાન વધતું રહે છે, સમય જતા કેટલીક ચીજો બદલાય છે, કેટલીક લુપ્ત થાય છે.

કેટલીક નવી બાબતો અને પરિસ્થિતિઓ જન્મે છે, એટલા માટે નવી રચના કરતી વખતે આપણે પરંપરા અને સામયકિતાનો સમન્વય કરવો પડે છે. કાલબાહ્ય થયેલી બાબતોનો ત્યાગ કરીને નવી યુગાનુકુળ એવમ દેશાનુકુળ પરંપરાઓ બનાવવી પડે છે, એ જ સમયે આપણી ઓળખ, સંસ્કૃતિ, જીવન દૃષ્ટિ આદિને અધોરેખિત કરનારા શાશ્વત મૂલ્યોનો ક્ષયના થાય, તેમના પ્રત્યે શ્રદ્ધા અને તેનું આચરણ, પૂર્વપર્વ ચાલતુ રહે એની સાવધાની રાખવી પડે છે.

હવે જ્યારે સંઘને સમાજમાં સ્નેહ અને વિશ્વાસનો લાભ થયો છે તથા તેની શક્તિ પણ છે તો હિન્દુ રાષ્ટ્રની લોકો ગંભીરતાપૂર્વક સાંભળે છે. આ જ આશયને મનમાં રાખીને પણ હિન્દુ શબ્દનો વિરોધ કરતાં અન્ય શબ્દોનો ઉપયોગ કરનારા લોકો છે, અમારો તેમનાથી કોઈ વિરોધ નથી, આશયની સ્પષ્ટતા માટે અમે અમારા માટે હિન્દુ શબ્દનો આગ્રહ રાખતા રહીશું. હિન્દુ સમાજનું સંગઠન, હિન્દુ ધર્મ, સંસ્કૃતિ એવં સમાજનું રક્ષણ કરીને હિન્દુ રાષ્ટ્રની સર્વાંગી ઉન્નતિ માટે ‘सर्वेषां अविरोधेन’ કરે છે.

પોતાના વક્તવ્યમાં આગળ બોલતા ડૉ. મોહન ભાગવતે માતૃભાષામાં શિક્ષણ આપવાની બાબત પર ભાર મુકતા જણાવ્યું કે વિશ્વમાં વ્યવસ્થાઓ તથા તંત્રમાં આવેલા કે લવાયેલા સર્વ સ્થાયી પરિવર્તનો સમાજમાં જાગૃતિ આવ્યા બાદ જ આવેલા છે. માતૃભાષામાં શિક્ષણની નીતિ બનવી જોઈએ

આ અત્યંત ઉચિત વિચાર છે, અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાસન/પ્રશાસન એ તરફ પૂરતું ધ્યાન પણ આપી રહ્યું છે પરંતુ પોતાના પાલ્ય માતૃભાષામાં ભણાવવા તેમના વાલીઓ ઈચ્છે છે ખરા ? નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થી એક સારો મનુષ્ય બને, તેનામાં દેશભક્તિની ભાવના જાગૃત થાય,

તે સુસંસ્કૃત નાગરિક બને તે સૌ ઈચ્છે છે પરંતુ શું સુશિક્ષિત, સંપન્ન એવં પ્રબુદ્ધ વાલી પોતાના પાલ્યને શિક્ષણના આ ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને વિદ્યાલય, મહાવિદ્યાલયમાં મોકલે છે ખરા ? પાછું શિક્ષણ કેવળ વિદ્યાલયો, મહાવિદ્યાલયોમાં જ નથી મળતું એને માટે ઘરમાં સંસ્કારોનું વાતાવરણ રાખવામા વાલીઓની,

સમાજમાં ભદ્રતા, સામાજિક અનુશાસન વગેરેનું વાતાવરણ ઠીક રાખવાવાળા માધ્યમોની, જનનેતાઓની તથા પર્વ, તહેવાર, ઉત્સવ, મેળા આદિ સામાજિક આયોજનોની ભૂમિકાનું પણ એટલું જ મહત્વ છે એ તરફ આપનું ધ્યાન કેટલું છે ? તેના વગર માત્ર વિદ્યાલયીન શિક્ષણ કદાપિ પ્રભાવી નથી થયું.

ડૉ. મોહન ભાગવતે જનસંખ્યા નિયંત્રણના વિષય પર કહ્યું કે આપણાં દેશની વિશાળ જનસંખ્યા એક વાસ્તવિકતા છે. જનસંખ્યાનો વિચાર આજકાલ બંને પ્રકારથી થાય છે. આપણી જનસંખ્યા માટે જેટલી સંખ્યામાં સંસાધનોની આવશ્યકતા હશે, તે વધતી જ જશે તો ભારે બોજ, કદાચિત અસહ્ય બોજો બનશે,

તેથી તેને નિયંત્રિત રાખવાના પહેલુને વિચારણીય માનીને યોજના બનાવવામાં આવે. વિચારનો બીજો પ્રકાર સામે આવે છે જેમાં જનસંખ્યાને એક નિધિ-મિલકત પણ માનવમાં આવે છે એ વિચારથી આપણે એવું કહી શકીએ, તેના ઉચિતતમ પ્રશિક્ષણ અને અધિકતમ ઉપયોગની વાત વિચારવામાં આવે છે,

સંપૂર્ણ વિશ્વની જનસંખ્યા તરફ જોઈએ છીએ તો એક વાત ધ્યાનમાં આવે છે, કેવળ આપણાં દેશને જોઈએ તો તે વિચાર બદલાઈ પણ શકે છે, ચીને પોતાની જનસંખ્યા નિયંત્રણ કરવાની નીતિ બદલીને હવે તેની વૃદ્ધિ માટે પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે. આપણાં દેશનું હિત પણ જનસંખ્યાના વિચારને પ્રભાવિત કરે છે.

આજે આપણે સૌથી યુવા દેશ છીએ, આવતા 50 વર્ષો પશ્ચાત આજના તરુણ પ્રૌઢ થશે ત્યારે તેમની સંભાળ રાખવા માટે કેટલા તરુણોની આવશ્યકતા હશે તે ગણિત પણ આપણે માંડવું પડશે. દેશનો નાગરિક પોતાના પુરુષાર્થથી દેશને વૈભવશાળી બનાવે છે સાથે સાથે સ્વયંના તથા સમાજના જીવનનિર્વાહને પણ સુરક્ષિત કરે છે.

જનતાના યોગક્ષેમને તથા રાષ્ટ્રીય ઓળખ એવં સુરક્ષા સિવાય પણ કેટલીક બાજુઓને આ વિષય સ્પર્શે છે. સંતાનની સંખ્યાનો વિષય માતાઓના સ્વાસ્થ્ય, આર્થિક ક્ષમતા, શિક્ષણ, ઈચ્છાથી જોડાયેલો છે, પ્રત્યેક પરિવારની આવશ્યકતા સાથે પણ જોડાયેલો છે, જનસંખ્યા પર્યાવરણને પણ પ્રભાવિત કરે છે.

અર્થાત જનસંખ્યા નીતિ આ બધી વાતોનો સમગ્રતયા એવં એકાત્મ વિચાર કરીને બનાવવી જોઈએ,સૌની ઉપર સમાન રૂપથી લાગુ થવી જોઈએ, લોકપ્રબોધન દ્વારા એના પૂર્ણ પાલનની માનસિકતા બનાવવી પડશે, ત્યારે જ જનસંખ્યા નિયંત્રણ નિયમ પરિણામ મેળવી શકીશું.

સમાજશાસ્ત્રીઓ અને માનસશાસ્ત્રીઓના મતાનુસાર નાના પરિવારોને કારણે બાળક-બાલિકાઓનો સ્વસ્થ સમગ્ર વિકાસ, પરિવારોમાં અસુરક્ષાનો ભાવ, સામાજિક તણાવ, એકાકી જીવન આદી અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે અને આપણાં સમાજ વ્યવસ્થાના કેન્દ્ર એવી ”પરિવાર વ્યવસ્થા” પર પણ એક પ્રશ્નચિહ્ન ઊભું થઈ ગયું છે.

જનસંખ્યા નિયંત્રણ પર આગળ વક્તવ્યમાં ડૉ. મોહન ભાગવતે જનસંખ્યા અસંતુલનને બીજો મહત્વનો પ્રશ્ન ગણાવતા કહ્યું કે 75 વર્ષ પહેલા આપણે જનસંખ્યા અસંતુલનનો અનુભવ કર્યો જ છે, એકવીસમી સદીમાં જે ત્રણ નવા દેશોનો જન્મ વિશ્વમાં થયો એ ઈસ્ટ તિમોર, દક્ષિણી સુદાન અને કોસોવો એ ઇન્ડોનેશિયા, સુદાન અને સર્બિયાના એક ભૂભાગમાં જનસંખ્યાનું સંતુલન બગડવાનું જ પરિણામ છે.

જ્યારે જ્યારે કોઈ દેશમાં જનસંખ્યાકીય અસંતુલન સર્જાય છે ત્યારે ત્યારે એ દેશની ભૌગોલિક સીમાઓમાં પણ પરિવર્તન થાય છે. જન્મ દરમાં અસમાનતાની સાથે સાથે લોભ, લાલચ, જબરદસ્તીથી કરાવવામાં આવતું મતાંતરણ એવં દેશમાં થતી ઘુસણખોરી પણ મોટું કારણ છે. આ સઘળાનો વિચાર કરવો પડશે. જનસંખ્યા નિયંત્રણની સાથે સાથે ધાર્મિક આધાર પર જનસંખ્યા સંતુલન પણ મહત્વનો વિષય છે જેને અણદેખ્યો કરી શકાય નહીં.

ભારતીયતા ઉશ્ક્રેરણી ગમે તેવી કે કેટલી પણ હોય પરંતુ કાયદા અને બંધારણની મર્યાદામાં રહીને હંમેશા સૌએ પોતાનો વિરોધ પ્રગટ કરવો જોઈએ. સમાજ જોડાય – તૂટે નહીં, વિખેરાય નહીં, મન-વચન, કર્મ થી આ પ્રતિભાવ મનમાં રાખીને સમાજના બધા જ સજજનોએ આગળ આવવું જોઈએ.

અમે ભિન્ન અને વિશિષ્ટ દેખાઈએ છીએ એટલે અમે જુદા છીએ, અમને અલગાવ જોઈએ, આ દેશ સાથે, તેની મૂળ મુખ્ય જીવનધારાની અને ઓળખ સાથે અમે નહીં ચાલી શકીએ; આ અસત્યને કારણે “भाई टूटे धरती खोयी मिटे धर्मसंस्थान “ વિભાજનનું આ ઝેર લઈને કોઈ પણ સુખી નથી થયું. અમે ભારતના છીએ, ભારતીય પૂર્વજોના છીએ, ભારતની સનાતન સંસ્કૃતિના છીએ, સમાજ એવં રાષ્ટ્રીયતાના નાતે એક છીએ, આ જ અમારો મંત્ર છે

ડૉ. મોહન ભાગવતે સૌને સાથે લઈને ચાલવાની વાત કરતા જણાવ્યું કે પ્રાચીન સમયથી આપણી ભૂગોળ, ભાષા, પંથ, રહેણીકરણી, સામાજિક તથા રાજકીય વ્યવસ્થાઓ વચ્ચે વિવિધતા હોવા છતાં સમાજના સંબંધે, સંસ્કૃતિને સંબંધે, રાષ્ટ્રના સંબંધે આપણો એક જીવનપ્રવાહ અક્ષુણ્ણ ચાલતો રહ્યો છે.

એમાં સર્વ વિવિધતાઓનો સ્વીકાર છે, સન્માન છે, સુરક્ષા છે, વિકાસ છે, કોઈને પોતાની સંકુચિતતા, કટ્ટરતા, આક્રમકતા તથા અહંકારથી વધુ કશું જ છોડવું પડતું નથી, સત્ય, કરુણા, અંતરબાહ્ય શુચિતા આ ત્રણની સાધનાથી વધારે કશું જ અનિવાર્ય નથી. ભારત ભક્તિ આપના સમાન પૂર્વજોના ઉજ્જવળ આદર્શ એવં ભારતની સનાતન સંસ્કૃતિ આ ત્રણ દીપસ્તંભો દ્વારા પ્રકાશિત એવં પ્રશસ્ત પથ પર હળીમળીને પ્રેમપૂર્વક ચાલવું એ જ આપણો સ્વ, આપણો રાષ્ટ્રધર્મ છે.

સમરસતાના વિષય વિશે સરસંઘચાલકે કહ્યું પરિવર્તન લાવવા માટે સમાજની વિશિષ્ટ માનસિકતા તૈયાર કરવી અનિવાર્ય પૂર્વશરત છે, જે પરિવર્તન તંત્ર દ્વારા લાવવામાં આવે એવી આપણી અપેક્ષા છે તે તે વાતો આપણાં આચરણમાં લાવવાથી પરિવર્તનની પ્રક્રિયાને ગતિ તથા બળ મળે છે, તે સ્થાયી થઈ જાય છે,

આવું ન થવાથી પરિવર્તનની પ્રક્રિયા અવરોધાઈ શકે છે તથા પરિવર્તન સ્થાયિત્વ તરફ વધતું નથી. પૂજ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ આપણને સૌને ‘બંધારણના કારણે રાજકીય અને આર્થિક સમતાનો માર્ગ પ્રશસ્ત થયો છે પરંતુ સામાજિક સમતા લાવ્યા વગર વાસ્તવિક એવં ટકાઉ પરીવર્તન નહીં આવે’ એવી ચેતવણી આપી હતી.

ત્યારબાદ કથિત રૂપે આ ઉદેશ્યને ધ્યાનમાં રાખીને ઘણા નિયમ આદિ બનાવવામાં આવ્યા પરંતુ વિષમતાનું મૂળ તો મનમાં જ અને આચરણની આદતમાં છે. વ્યક્તિગત તથા કૌટુંબિક સ્તર પર પરસ્પર મિત્રતાના, સહજ અનૌપચારિક આવનજાવન, ઉઠાવ બેસવાના સંબંધ નથી બનતા તથા સામાજિક સ્તર પર મંદિર, જળ, સ્મશાન બધુ જ સૌ હિન્દુઓ માટે ખૂલતાં નથી ત્યાં સુધી સમતાની વાતો કેવળ સ્વપ્નાની વાતો જ રહી જશે.

રોજગાર વિશે બોલતા ડૉ. મોહન ભાગવતે કહ્યુ કે ઉદ્યમીતા તરફ વળવાની પ્રવૃત્તિ વધે તેને પ્રોત્સાહન આપવું પડશે. ભારત જેવા વિશાળ દેશમાં આર્થિક તથા વિકાસ નીતિ રોજગાર-ઉન્મુખ હોય તે અપેક્ષા સ્વાભાવિક છે તેવું કહી શકાય, પરંતુ રોજગાર એટલે માત્ર નોકરી જ નહિ આ સમજણ પણ સમાજમાં વધવી જોઈએ.

પરિશ્રમ, મૂડી તથા બૌદ્ધિક શ્રમ આ બધાનું મહત્વ સમાન છે, કોઈ પણ કાર્ય નાનું કે હલકું નથી આ માન્યતા તથા તદનુરુપ આચરણ આપણે સૌનું હોવું જોઈશે. પ્રત્યેક જીલ્લામાં રોજગાર પ્રશિક્ષણની વિકેન્દ્રિત યોજના બને તથા પોતાના જ જીલ્લામાં રોજગાર પ્રાપ્ત થઈ શકે, ગામડાઓમાં વિકાસના કાર્યક્રમથી શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહનવ્યવહાર સુલભ બને તેવી અપેક્ષા સરકાર પાસેથી હોય જ છે,

પરંતુ કોરોનાની આપત્તિ સમયે કાર્યરત રહેલા કાર્યકર્તાઓએ એ અનુભવ કર્યો છે કે સમાજની સંગઠિત શક્તિ ઘણું બધુ કરી શકે છે. આર્થિક ક્ષેત્રમાં કામ કરતાં સંગઠનો, નાના ઉદ્યમીઓ, કેટલાક સંપન્ન સજ્જન, કળા કૌશલ્યના જાણકાર પ્રશિક્ષક તથા સ્થાનિક સ્વયંસેવકોએ લગભગ 275 જિલ્લાઓમાં સ્વદેશી જાગરણ મંચ સાથે મળીને આ પ્રયોગનો પ્રારંભ કર્યો છે, આ પ્રારંભિક અવસ્થામાં જ રોજગાર સર્જનમાં ઉલ્લેખનીય રીતે સફળ થયા છે તેવી જાણકારી મળી છે.

પોતાના વક્તવ્યમાં આગળ સ્વાસ્થ્ય વિશે જણાવતા કહ્યું કે સરકાર દ્વારા વિવિધ ચિકિત્સા પદ્ધતિઓનો સમન્વય કરીને સ્વાસ્થ્યની સસ્તી, ગુણવત્તાસભર, સર્વત્ર સુલભ અને વ્યાપારિક માનસિકતાથી મુક્ત સ્વાસ્થ્ય વ્યવસ્થા તંત્ર ઊભું થાય તેવો સંઘનો પ્રસ્તાવ છે. સરકારની પ્રેરણા તથા સમર્થનથી જ વ્યક્તિગત તથા સામાજિક સ્વચ્છતાના, યોગ તથા વ્યાયામના ઉપક્રમો ચાલી રહ્યા છે, સમાજમાં પણ આવો આગ્રહ રાખવાવાળા તથા આ બાબતોને મહત્વ આપવાવાળા ઘણા છે.

સંઘના સરસંઘચાલાક ડૉ. મોહન ભાગવતે સનાતન સંસ્કૃતિ વિશે આગળ કહ્યું કે આપણાં રાષ્ટ્રીય જીવનનો આ સનાતન પ્રવાહ પ્રાચીન સમયથી આ જ ઉદ્દેશ્ય સાથે આવી જ રીતે ચાલતો આવ્યો છે. સમય એવં પરિસ્થિતી અનુસાર રૂપ, પથ તથા શૈલી બદલાતી ગઈ પરંતુ મૂળ વિચાર, ગંતવ્ય તથા ઉદ્દેશ્ય નિરંતર તે જ રહ્યા છે.

આ પથ પર નિરંતર ગતિ આપણને અગણિત વીરોના શૌર્ય અને સમર્પણથી, અસંખ્ય કર્મયોગીઓના ભગીરથ પરિશ્રમથી તથા જ્ઞાનીઓની દુર્ધર તપસ્યાથી પ્રાપ્ત થઈ છે. તેને આપણે સૌ આપણાં જીવનમાં અનુકરણીય સ્થાન આપીએ છીએ. તે આપણાં સૌના ગૌરવ નિધાન છે,

આપણાં સમાન પૂર્વજ આપણાં જોડાઈ રહેવાનો એક અન્ય આધાર છે.વિશ્વને પોતાનો જ પરિવાર માનીને સર્વત્ર જ્ઞાન, વિજ્ઞાન, સંસ્કૃતિ એવં ભદ્રતાનો પ્રસાર કર્યો એનું કારણ આ આપણી માતૃભૂમિ ભારત જ છે. પ્રાચીન કાળથી સુજલ, સુફલ મલયજશીતલ ભારત માતાએ પ્રાકૃતિક રીતે સર્વથા સુરક્ષિત પોતાની ચારે સીમાઓ પર જે સુરક્ષા તથા નિશ્ચિંતતા આપણને આપી છે તેનું જ ફળ છે. તે અખંડ માતૃભૂમિની અનન્ય ભક્તિ આપણી રાષ્ટ્રીયતાનો મુખ્ય આધાર છે.

વિજયા દશમીના ઉત્સવમાં મુખ્ય અતિથિ શ્રીમતી સંતોષ યાદવે પોતાના વક્તવ્યમાં સનાતન સંસ્કૃતિ વિનમ્રતાનો ભાવ તથા વિશ્વ કલ્યાણની દૃષ્ટિ આપે છે તેમ જણાવી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકોને પોતાનુ સ્વાસ્થ્ય જાળવીને રાષ્ટ્રના કાર્ય કરવાનું જણાવ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.