Western Times News

Gujarati News

OBC/EBC/DNTના 9.50 લાખ વિદ્યાર્થીઓને  528  કરોડની શિષ્યવૃત્તિ સહાય વિતરણનો શુભારંભ

કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તક PM YASASVI યોજનાનો શુભારંભ તથા નિગમોના લાભાર્થીઓના લાભ વિતરણનો કાર્યક્રમ યોજાયો

 

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના વિવિધ નિગમોના 6383 લાભાર્થીઓને 92.15 કરોડની લોનનું વિતરણ કરવામાં આવ્યું

Ø    OBC , EBC અને DNT સમાજના વિદ્યાર્થીઓની યશસ્વી કારકિર્દી માટે સરકાર સંવેદનશીલ અને પ્રતિબદ્ધ છે

Ø    શિષ્યવૃત્તિઓના લાભમાં એકસૂત્રતા જળવાય તેમજ વિદ્યાર્થીઓને સરળતાથી યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા PM YASASVI યોજનાનું ઝડપી અમલીકરણ શરૂ કરવામાં આવ્યું.

Ø    ગુજરાત સરકાર દ્વારા PM YASASVI યોજના માટે રૂપિયા પર૮ કરોડની વિશેષ ફાળવણી ત્વરિત કરવામાં આવી છે

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આજે કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તક PM YASASVI યોજનાનો શુભારંભ તથા વિવિધ નિગમોના લાભાર્થીઓના લાભ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે જણાવ્યું હતું કે, બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે વંચિતોના અધિકારોના રક્ષણ માટે છેવાડાના માનવીને કેન્દ્રસ્થાને રાખીને બંધારણ ઘડ્યું હતું. તેમના આ વિચારોને ગુજરાતની ડબલ એન્જિન સરકાર અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ થકી સાર્થક કરી રહી છે. આપણા યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કહે છે કે, “સેવા અમારા માટે આનંદપ્રમોદ નું સાધન નથી, પરંતુ ગુજરાત અને ભારતના છેવાડાના માનવીની ચિંતા કરીને તેને આત્મનિર્ભર બનાવવાનું તથા તેમના કલ્યાણ અંગે નિરંતર પ્રયત્નશીલ રહેવાનું માધ્યમ છે”. તેમના આ વિચારને મૂળમંત્ર બનાવીને રાજ્યસરકાર કાર્ય કરતી રહી છે.

મંત્રીશ્રીએ PM YASASVI Scholarship અંગે વાત કરતાં જણાવ્યું હતું કે,  રાજ્ય સરકાર દ્વારા રાજ્યની કુલ વસ્તીના ૭૦ ટકા સમકક્ષ એટલે કે OBC , EBC અને DNT જાતિના વિદ્યાર્થીઓના હિતમાં અને માનનીય વડાપ્રધાનશ્રીના વિઝનને સાકાર કરવા OBC , EBC

અને DNTના વિદ્યાર્થીઓ માટેની પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની કુલ ૧૬ યોજનાઓને ( ૬ પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અને ૧૦ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ ) મર્જ કરીને PM YASASVI Scholarship for OBC , EBC , & DNT Students યોજનાનો અમલ કરવાનો અભૂતપૂર્વ નિર્ણય કરવામાં આવ્યો. શિષ્યવૃત્તિઓના લાભમાં એકસૂત્રતા જળવાય તેમજ વિદ્યાર્થીઓને સરળતાથી યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા PM YASASVI યોજનાનું ઝડપી અમલીકરણ શરૂ કરવામાં આવ્યું.

મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ રાજય સરકારના તથા કેન્દ્ર સરકાર દ્વારા ધો .૯ અને ૧૦નાં બાળકો માટે જુદી – જુદી કુલ છ પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અમલમાં હતી, જેમા શિષ્યવૃત્તિના સરેરાશ દર રૂપિયા ૭૫૦/-થી રૂપિયા ૧૫૦૦/- હતા. PM YASASVI Pre Matric Scholarship for OBC , EBC , & DNT Students યોજનાના અમલ હેઠળ હવે આ શિષ્યવૃત્તિ રકમ વધારીને રૂપિયા ૪૦૦૦ કરવામાં આવી છે.

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના કિસ્સામાં પણ રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ ૧૧થી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ગ્રૂપ Aથી D પ્રમાણે જુદી જુદી કુલ ૧૦ યોજનાઓ અમલમાં હતી, જેમાં શિષ્યવૃત્તિના સરેરાશ દર રૂપિયા ૧૫૦૦/-થી રૂપિયા ૧૦૦૦૦/- હતો . જે હવે PM YASASVI Post Matric Scholarship for OBC , EBC & DNT Students યોજનાના અમલ દ્વારા આ શિષ્યવૃતિ રકમ વધારીને રૂપિયા ૫૦૦૦/-થી રૂપિયા ૨૦,૦૦૦/- કરવામાં આવી છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે , ગુજરાત સરકાર દ્વારા PM YASASVI યોજના માટે ત્વરિત રૂપિયા પર૮ કરોડની વિશેષ ફાળવણી કરવામાં આવી છે . રાજયના કુલ ૯.૫૦ લાખ વિદ્યાર્થીઓ PM YASASVI યોજનાથી લાભાન્વિત થશે. જે સરકારની OBC , EBC અને DNT સમાજના વિદ્યાર્થીઓની યશસ્વી કારકિર્દી માટેની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતાનો ઉજાગર કરે છે. ગુજરાત સરકાર માટે આ ગૌરવ અને ગરિમાની વાત છે.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના  રાજયકક્ષાના મંત્રીશ્રી આર.સી. મકવાણાએ જણાવ્યું હતું કે, સશક્ત અને આત્મનિર્ભર ભારત જેનું વિઝન છે એવા માનનીય વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ રાજ્યના OBC , EBC અને DNT જાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ અને તેના થકી તેની યશસ્વી કારકિર્દીનું નિર્માણ થઇ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા PM YASASVI યોજનાનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, PM YASASVI Pre Matric Scholarship યોજનામાં ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓને રૂપિયા ૪૦૦૦/ – ની માતબાર વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામા આવશે તથા PM YASASVI Post Matric Scholarship યોજનામાં ધોરણ ૧૧ થી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ગ્રુપ A to D પ્રમાણે રૂપિયા ૫૦૦૦ – થી રૂપિયા ૨૦,૦૦૦ / સુધીની માતબર વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવશે.  PM YASASVI યોજના દ્વારા Pre Matric Scholarshipમાં કુલ ૫.૨૦ લાખ વિદ્યાર્થીઓ અને Post Matric Scholarshipમાં કુલ ૪.૩૦ લાખ વિદ્યાર્થીઓ સહિત રાજયના કુલ ૯.૫૦ લાખ વિદ્યાર્થીઓ આ યોજનાથી લાભાન્વિત થશે.

મંત્રી શ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યની ડબલ એન્જિન સરકાર રાજ્યના પછાત વર્ગોના ઉન્નત માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યના SC/ST/OBC સમુદાયોના ઉત્કર્ષ માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકેલી છે તેમજ જૂની યોજનાઓના લાભો વધારીને નવા સ્વરૂપમાં યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.

આ પ્રસંગે મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના હસ્તે કુલ ૪.૩૦ લાખ વિદ્યાર્થીઓના ખાતામાં કુલ ૧૭૦ કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ સહાય ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવી હતી તેમજ પ્રતીકાત્મક સ્વરૂપે કેટલાક વિદ્યાર્થીઓને આ સહાય અર્પણ કરવામાં હતી. આ ઉપરાંત, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના વિવિધ નિગમોની યોજનાઓના લાભાર્થીઓને સહાય તેમના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવી હતી તેમજ પ્રતીકાત્મક સ્વરૂપે કેટલાક લાભાર્થીઓને આ સહાય અર્પણ કરવામાં હતી.

આ પ્રસંગે પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્યમંત્રી શ્રી દેવાભાઇ માલમ, અમદાવાદના મેયર શ્રી કિરીટ ભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી કિશોરભાઈ ચૌહાણ,સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને તેની સાથે સંકળાયેલા વિવિધ નિગમોના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ લાભાર્થીઓ અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.