Western Times News

Gujarati News

૮૬ વર્ષના રમત વિરાંગના ડો. ભગવતીબેન ઓઝાની ઇલેક્શન આઇકન તરીકે પસંદગી

File PHoto

(માહિતી) વડોદરા, ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેરના ૮૬ વર્ષના રમત વિરાંગના ડો. ભગવતીબેન ઓઝાની આઇકન તરીકે નિયુક્તિ કરી છે. ડિસ્ટ્રીક્ટ આઇકન તરીકે નિયુક્તિ આપ્યા બાદ કલેક્ટરશ્રી અતુલ ગોરે જણાવ્યું કે, તેઓ નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરણા આપશે.

વર્ષ ૧૭-૧-૧૯૩૬ના રોજ જન્મેલા ડો. ભગવતીબેન ઓઝાએ પોતાનું બાળપણ સૌરાષ્ટ્રના મોરબીમાં વિતાવ્યું છે. ત્યાં જ અભ્યાસ કરી ૧૯૬૧માં તબીબી પ્રેક્ટિસ કરવાનો પરવાનો મેળવ્યો. મોરબીની જનાના હોસ્પિટલમાં ૧૫ વર્ષ અને સાતેક વર્ષ ખાનગી પ્રેક્ટિસ કરી.

એ દરમિયાન વર્ષ ૧૯૭૯માં મોરબીમાં મચ્છુ ડેમ તૂટવાના કારણે સર્જાયેલી હોનારત સમયમાં તેમણે દર્દીઓની સારી રીતે સેવા કરી. એ પૂર્વે પણ ખાસ કરીને મહિલાઓની પ્રસુતી કરવાના કામગીરી સૂપેરે નિભાવી હતી અને એવા સમયે જ્યારે તબીબી વિજ્ઞાન સમૃદ્ધ નહોતું અને સાધનો પણ ટાંચા હતા.

તત્પશ્ચાત વર્ષ ૧૯૮૩માં તેઓ પોતાના ભાઇભાંડુ સાથે વડોદરા સ્થાયી થઇ ગયા. અહીં તેમણે ઓઝા સર્જીકલ હોસ્પિટલની શરૂઆત કરી. તેમના પરિવારના મોટાભાગના સભ્યો તબીબો છે. વિશેષ વાત તો એ છે કે, તેમની આ હોસ્પિટલમાંથી એક પણ સ્ટાફને છૂટા કરવામાં આવ્યા નથી. ૧૯૮૩થી નોકરી કરતા હોય એવા કર્મચારીઓ આજે પણ કામ કરે છે.

ડો. ભગવતીબેન પોતાના વ્યવસાય સાથે રમતગમતના શોખને પણ વિકસાવ્યો હતો. તેઓ સાથે તરણ, સાયકલિંગ સાથે સમાજસેવા પણ શરૂ રાખી. તેમની ઉંમર વધતી ગઇ પણ ધગશ વધતી ગઇ. લાંબા અંતરની સાયકલ યાત્રા, દેશવિદેશની તરણસ્પર્ધાઓમાં તેમણે ભાગ લીધો અને મેડલ જીત્યા.

તેમના ઘરનો અડધો કમરો આવા મેડલ અને પ્રમાણપત્રોથી ભરેલો છે. આજે પણ તેઓ સાયકલ ચલાવે છે. તેઓ કહે છે, ૬૦ વર્ષની ઉંમરે વર્ષ ૨૦૦૦માં પૂણાથી બેંગલોર સુધીની સાયકલ યાત્રામાં ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.