Western Times News

Gujarati News

લોથલની પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિને ફરીથી પુનર્જીવિત કરવામાં આવશે

ભારતનું પુરાતન બંદર એવા લોથલ ખાતે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા માટે રૂ. ૩,૫૦૦ કરોડના ખર્ચે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિર્માણ થશે

લોથલમાં નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટની વર્ચ્યુઅલી સમીક્ષા કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી

Ø  ગુલામીની માનસિકતા અને ઉદાસીનતાએ આપણાં ભવ્ય વારસાને વિસરાવી દીધો હતો

Ø  લોથલને વિકસિત કરવા માટે ફોર લેન રસ્તા,  ૬૬ કે.વી.સબ સ્ટેશન અને પાણીની સુવિધાઓ ઝડપથી ઊભી કરવામાં આવશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોથલ ખાતે બનનારા નેશનલ મેરિટાઈમ  હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટની સમીક્ષા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ રીતે ડ્રોન નિરીક્ષણ દ્વારા કરી હતી.

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા, શ્રી સર્વાનંદ સોનોવાલ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યાં હતાં તો કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રીશ્રી શ્રીપાદ નાઈક, દેવુસિંહ ચૌહાણ આ કાર્યક્રમમાં વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું કે,ભારતનું પુરાતન બંદર એવા લોથલ ખાતે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા માટે રૂ. ૩,૫૦૦ કરોડના ખર્ચે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરીને ભારતની પુરાતન દરિયાઈ સંસ્કૃતિને પુનર્જીવન આપવાનું કાર્ય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ઐતિહાસિક અને વૈશ્વિક ધરોહર એવા લોથલના પુરાતન વૈભવને આ પ્રોજેક્ટ દ્વારા પુનર્જીવિત કરવામાં આવશે.

વડાપ્રધાનશ્રીએ ડ્રોનથી આ પ્રોજેક્ટની સમીક્ષા કરી છે અને આ પ્રોજેકટ જે ઝડપથી આગળ વધી રહ્યો છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

ભારત સમુદ્રી વિરાસતની ઐતિહાસિક અને મહાન ધરોહર ધરાવે છે. ગુજરાતમાં લોથલ અને ધોળાવીરા તો દક્ષિણમાં ચૌલ, ચેર અને પાંડય રાજવંશે સમુદ્ર શક્તિને વિસ્તારીત કરીને નવી ઊંચાઈ આપી હતી તેનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજે પણ તે સમયે સશક્ત નૌસેનાનું ગઠન કર્યું હતું. તેવાં ભારતીય સંકૃતિના ઇતિહાસને નજરઅંદાજ કરવામાં આવ્યો છે. પરંતુ અમે આ ભવ્ય સામુદ્રિક વિરાસતને પુનઃસ્થાપિત કરવા માટે કટિબદ્ધ છીએ.

તેમણે હજારો વર્ષ જૂની પરંપરાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આપણે ત્યાં સિકોતર માતાને દરિયાઈ દેવી તરીકે પૂજવામાં આવતી હતી અને તેના પ્રમાણો એડન સુધી મળ્યા છે, તે દર્શાવે છે કે ખંભાતથી એડન સુધી ભારતીય વ્યાપાર થતો હતો.

સુરેન્દ્રનગરના ઝીંઝૂવાડા ગામે પણ દીવાદાંડીના પ્રમાણો મળ્યાં છે. કચ્છમાં પણ મોટા જહાજો બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો હતો.તે દર્શાવે છે કે,  સમગ્ર ગુજરાતમાં સમુદ્રી વ્યાપાર સમૃદ્ધ અને સંપન્ન હતો. પરંતુ ગુલામીની માનસિકતા અને ઉદાસીનતાએ તે માટે ઘણું બધું નુકસાન કર્યું છે.

કોઈ પણ વિરાસત સમય અને સ્થળ આધારિત હોય તો તે આવનારી પેઢીને પ્રેરિત કરવા સાથે ભવિષ્ય માટે સચેત કરે છે, એવું વડાપ્રધાન શ્રીએ ઉમેર્યું હતું.

ગુલામી કાળે આપણને આ સામર્થ્યથી વિમુક્ત કર્યા હતાં. પરંતુ આ ભવ્ય મ્યુઝિયમના નિર્માણથી ભારતના ગૌરવને પુનઃસ્થાપિત કરવું છે.

છેલ્લાં આઠ વર્ષમાં દેશમાં અનેક ધરોહરોને વિકસિત કરી છે. આગામી દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજ્ય અને રજવાડાઓનું મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. જેનાથી આપણી વિરાસત સાથે જોડાયેલી ભાવનાઓ પણ સુરક્ષિત બનાવી શકાશે અને આપણાં વડવાઓના તપ અને તપસ્યાને પણ પુનઃસ્થાપિત કરી શકાશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે, ભારતીય સમુદ્રી સામર્થ્ય અને શક્તિના પ્રતીક એવાં લોથલના ઉત્ખનન દરમ્યાન મળેલ અવશેષો શહેરી આયોજન અને અદભૂત સ્થાપત્ય શૈલીના દર્શન કરાવે છે તેમાંથી ઘણુંબધું શીખવાનું છે.

આ વિસ્તાર પર દેવી લક્ષ્મી અને સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત હતાં તેમ જણાવી તેમણે જણાવ્યું કે, લોથલમાં ૮૪ દેશોના ઝંડા ફરકતાં હતાં તો નજીકમાં જ આવેલ વલ્લભી વિદ્યાલયમાં ૮૦ દેશના ૬,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં તેવું ચીની દાર્શનિકોએ નોંધ્યું છે.

ભારતનો સામાન્યમાં સામાન્ય અદનો નાગરિક ભારતની આ સમુદ્રી વિરાસતને જાણી શકે તે માટે ટેકનોલોજીના સમન્વયથી તેને પુનર્જીવિત કરવામાં આવશે તેમ જણાવી તે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી દરરોજ પ્રવાસીઓના નવાં નવાં રેકોર્ડ બનાવે છે તે રીતે એક દિવસ લોથલ પણ બનાવશે, એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

લોથલમાં આ કોમ્પ્લેક્સના નિર્માણથી રોજગાર-સ્વરોજગારના અવસરો વિકસિત થવા સાથે સ્થાનિક પ્રવાસનનો પણ વિકાસ થશે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ વિસ્તારે ઘણા આકરા દિવસો જોયા છે. આ વિસ્તારમાં કોઈપણ ખેતીપાક થતો ન હતો. તેમાંથી આ વિસ્તારને બહાર લાવ્યાં છીએ. આ વિસ્તારમાં વિભિન્ન ઉદ્યોગોની સ્થાપના થઇ રહી છે. આગામી સમયમાં સેમિ કંડકટર પ્લાન્ટ પણ આકાર પામવાનો છે.

પહેલા આ વિસ્તાર જેટલો વિકસિત હતો તેટલો જ ફરીથી બનાવવાં માટે કટિબદ્ધ છીએ તેમ જણાવી તેમણે લોથલના પુરાતન વૈભવ વારસાને પરત લાવવાની નેમ સાથે ઉપસ્થિત લોકોને દિવાળી તેમજ નૂતનવર્ષની શુભકામનો પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ભારત દેશ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરીને આઝાદીના અમૃત કાળમાં પ્રવેશ્યો છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પાંચ પ્રણો આપ્યાં હતાં. તેમાં એક સંકલ્પ પ્રાચીન વિરાસતોનું સંવર્ધન કરવાનો છે. જે આજે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના નિર્માણથી સાકાર થવા જઈ રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, હડપ્પા સંકૃતિના કેન્દ્ર એવાં લોથલના દ્વારેથી વિદેશ સાથે વ્યાપાર સબંધો ધરાવતું કેન્દ્ર હતું. હજારો વર્ષ જૂના ભારતીય સંકૃતિના મૂળ આ કેન્દ્ર સાથે જોડાયેલાં છે.

લોથલમાં સાકારીત થનાર પ્રોજેક્ટની વડાપ્રધાનશ્રીએ કલ્પના કરી તેને વાસ્તવમાં મૂર્તિમંત કરવા આજે તેમની સમીક્ષા કરી છે અને પ્રથમ તબક્કામાં રૂ.૭૭૪ કરોડના ખર્ચે સાકાર થશે. બીજા તબક્કામાં થીમ પાર્ક, રિસર્ચ સેન્ટર સહિતના પ્રકલ્પો સાકાર થવાના છે તેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ હેરિટેજ કોમ્પ્લેક્સને ઝડપથી સાકાર કરવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેમ જણાવી આ કેન્દ્રને જોડતો ફોરલેન રસ્તો બનાવવામાં આવશે આ ઉપરાંત ૬૬ કે.વી.નું સબસ્ટેશન પણ બનાવવામાં આવશે અને આ બધા દ્વારા પ્રાચીન વારસાનું પુનઃ ગૌરવ પ્રસ્થાપિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ પૈકી એક સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતત્ત્વીય અવશેષો લોથલમાં સ્થિત છે એ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની કલ્પનાઓ બહુ વિશાળ હોય છે. તેઓ જે વિચારને જુએ છે તેને ગુલામીની માનસિકતામાંથી બહાર આવીને ભારતના આત્મ ગૌરવને પુનઃ સ્થાપિત કરવાના પગલાઓ લઈને ભારતને આગળ લઇ જવા કર્તવ્યરત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતની પાંચ વર્ષ જૂની હડપ્પાની વિરાસત એ ગુજરાતનું ગૌરવ છે. તેને ઉજાગર કરવાની, પુનર્જીવિત કરવાનો આ અવસર છે.

પાંચ હજાર વર્ષ પહેલાં ભારત કેવું સભ્યતા ધરાવતું રાષ્ટ્ર હતું. કેવી રીતે વૈશ્વિક વ્યાપાર કરતાં હતાં તેવુ જીવંત નિદર્શન આ હેરિટેજ કોમ્પ્લેક્સમાં કરવામાં આવશે. તે વખતે જે વ્યવસ્થાઓ, વિનિમય હતો, તેનું તાદૃશ્ય દર્શન થાય તે પ્રકારનું આ કોમ્પલેક્સ બનાવવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ તકે કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને જળ માર્ગ મંત્રીશ્રી સર્વાનંદ સોનવાલજીએ જણાવ્યું કે, આજે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાત વિકસિત રાજ્યનું ગૌરવ ધરાવતું રાજ્ય છે. સમગ્ર રાજ્યમાં જે વિકાસ થઈ રહ્યો છે તેની તરફ વિશ્વની નજર છે.

કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી શ્રી શ્રીપાદ નાઇકે આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતના ભવ્ય અને સમૃદ્ધ દરિયાઇ વારસો લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્ષમાં પુનઃજીવિત થશે, એટલું જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રવાસન સ્થળ બની રહેશે.

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન થકી લોથલમાં વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ મ્યુઝિયમ બનવાનું છે. આ મ્યુઝિયમમાં ભારતનો ભવ્ય દરિયાઈ વારસો દર્શાવાશે એવું તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે,  આ કૉમ્પ્લેક્ષમાં ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો સુભગ સમન્વય સર્જાશે. લોથલમાં પાંચેક હજાર વર્ષ પહેલાં માત્ર એક બંદર જ નહોતું, અહીં દરિયાઈ જહાજો બનતાં હતાં, એ જ્વલંત ઇતિહાસ પણ અહીં ફરી જીવંત થશે, એવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કૉમ્પ્લેક્ષના નિર્માણનું કાર્ય બે તબક્કામાં વહેલી તકે પૂર્ણ કરાશે. અહીં આધુનિક ટેકનોલોજી થકી ભવ્ય દરિયાઈ પ્રાચીન વારસાની અનુભૂતિ કરાવાશે. આઝાદીના અમૃત કાળમાં પ્રાચીન વારસાનું પુનઃસર્જન, એ ગૌરવની વાત છે.

કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે આ અતિપ્રાચીન સ્થળનો ફરી વિકાસ શક્ય બન્યો છે. વડાપ્રધાનશ્રીના પ્રયત્નોના કારણે આશરે પાંચ હજાર વર્ષ જૂની આ સભ્યતાને પુનર્જીવિત કરવાનો અવસર મળ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અહીં માત્ર મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ જ નહીં પરંતુ અભ્યાસ માટે ઇન્સ્ટિટયુટ, હોસ્ટેલ તે ઉપરાંત પ્રાચીન સમયની વિવિધ વ્યવસ્થાને પ્રદર્શિત કરતા હેરિટેજ પાર્કનું પણ નિર્માણ કરવામાં આવશે. જેના કારણે આ વિસ્તારમાં વિવિધ માળખાગત સુવિધાઓ ઊભી થશે. આ વિસ્તારમાં ૬૬ કે.વી.નું સબ સ્ટેશન પણ સ્થપાશે. આ ઉપરાંત પાણીની વ્યવસ્થા કેનાલ દ્વારા કરવામાં આવશે, જેથી સ્થાનિક ખેડૂતોને સિંચાઈ તેમજ પીવાના પાણીની પણ વ્યવસ્થા ઉપલબ્ધ થશે.

પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ૪,૬૦૦ વર્ષ પહેલાં જ્યાં દરિયો હતો અને દરિયા માર્ગે આયાત- નિકાસ થતી હતી એવું સમૃદ્ધ બંદર લોથલ હતું.

વધુમાં પૂર્વમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દરિયાઈ વિરાસતને ઉજાગર કરતું રૂ. ૩,૫૦૦ કરોડના ખર્ચથી મ્યુઝીયમ બનવાનું છે.

પૂર્વમાં લોથલનો જે દબદબો હતો તે ફરીથી સાકાર થવા જઈ રહ્યો છે. ધોલેરા આગામી ૧૦ વર્ષમાં વિકાસ પામવાનું છે પરંતુ આ હેરિટેજ કોમ્પ્લેક્સ આગામી ત્રણથી ચાર વર્ષમાં જ આકારીત થવાનું છે. આ ઉપરાંત આ કોમ્પ્લેક્સ અહીં આકારીત થવાથી અહીંના સ્થાનિક લોકોને અહી રોજગારીની નવી તકો પણ મળશે.

આ પ્રોજેક્ટને નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર ઝડપથી કામગીરી કરી રહી છે, પહેલા તબક્કામાં મ્યુઝિયમ બિલ્ડિંગ કોમ્પ્લેક્સ બનશે.

આ સમીક્ષા  અવસરે સ્થાનિક આગેવાનો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં -ચિંતન રાવલ, સુનિલ પટેલ, દિવ્યેશ વ્યાસ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.