Western Times News

Gujarati News

દિવ્યાંગ હોવા છતાં તેઓ આત્મનિર્ભર બની ગુજરાન ચલાવવા માટે આ મહિલા સક્ષમ બન્યા

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક વિતરણ

જેમનું મનોબળ દ્રઢ હોય છે તેઓ દિવ્યાંગ હોવા છતાં પણ પર્વત ઓળંગી જતા હોય છે અને આવા જ દિવ્યાંગોને આજે સન્માનિત કરાયા : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા

ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં 85 ઉમેદવારોને પારિતોષિક અપાયા

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યએ જણાવ્યું છે કે, દિવ્યાંગજનો સમાજમાં ગર્વભેર જીવન જીવી શકે તે માટે આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકલાંગ વ્યક્તિઓને દિવ્યાંગ એવું નામ આપવાથી તેમને માન સન્માન અને સમાજમાં મોભો મળ્યો છે.

સમાજની તેમની તરફ જોવાની દ્રષ્ટિ પણ આજે બદલાઈ છે. આજે તેઓ દિવ્યાંગ હોવા છતાં પણ સ્વરોજગાર મેળવતા થયા છે. તેઓ આત્મનિર્ભર બની પોતાનું ગુજરાન ચલાવવા માટે સક્ષમ બન્યા છે અને સમાજમાં પોતાની પ્રતિષ્ઠા પણ મેળવી રહ્યા છે, એવા તમામ લોકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

આજે ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક વિતરણ સમારોહમાં ડો.નીમાબેન આચાર્યે પારિતોષિક વિતરણ કરતા ઉમેર્યું હતું કે સેવા એ જ સાચો ધર્મ છે અને તેમાં પણ ખાસ કરીને દિવ્યાંગો અને અબોલ પશુઓની સેવા કરવી તે ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી હંમેશા વંચિતો માટે સતત કામ કરી રહ્યા છે. તેમના દિલો દિમાગમાં હંમેશા સેવાનો ધોધ વહેતો હોય છે. પહેલા પણ દિવ્યાંગો માટે વિવિધ યોજનાઓ અમલમાં હતી પરંતુ લાભાર્થીઓ સુધી તેનો લાભ નહોતો પહોંચતો. પરંતુ છેલ્લા 30 વર્ષથી આ વિવિધ યોજનાઓનું અમલીકરણ થયું છે.

સરકારે દિવ્યાંગોને તમામ લાભો તેમના સુધી પહોંચે તેની પૂરેપૂરી ખાતરી અપાવી છે. લાભર્થી સુધી લાભ પહોંચે તેવું કાર્ય અધિકારીઓ કરી રહ્યા છે..તેના સંકલનમાં સેવાભાવી સંસ્થાઓનો પણ સિંહફાળો રહ્યો છે. દિવ્યાંગોને આઇડી કાર્ડ આપવાની જે યોજના છે તે શ્રેષ્ઠ યોજના છે.

આ આઇડી કાર્ડથી તેઓ કોઈપણ જગ્યાએ દિવ્યાંગ હોવાનું ઓળખપત્ર બતાવતા તેઓ વિવિધ યોજનાઓનો લાભ તેમની સીધો મળતો થયો છે. આ ઉપરાંત દિવ્યાંગોને મેડિકલ સહાય માટે લાભની વ્યવસ્થા પણ આજે સરકારે કરી છે અને તેમને સર્ટિફિકેટ પણ આપ્યા છે. કોરોનામાં પણ જે લોકો કામ નથી કરી શક્યા તેમને પણ વિભાગ દ્વારા સહાય આપવામાં આવી છે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ કહ્યું હતું કે, વિવિધ ક્ષેત્રમાં કામ કરતા દિવ્યાંગોની વિશિષ્ટ પ્રતિભાને પોંખવાનો આ અનેરો અવસર છે. આજે તેમની સિદ્ધિઓ અને સિદ્ધ હસ્તકલાને બિરદાવવામાં આવશે. પ્રતિ વર્ષ જાહેર અને ખાનગી ક્ષેત્રના કર્મયોગીને તેમને તરાશીને પારિતોષિક આપવા માટે એક કમિટી બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ કમિટી તેમના નામની જાહેરાત કરે છે. આ કમિટીમાં પસંદ પામેલા તમામ દિવ્યાંગોને તથા ઉદ્યોગકારોને આજે પારિતોષિક આપવામાં આવ્યા છે.

છેલ્લા બે વર્ષથી કોરોનાકાળ  હોવાના કારણે આ કાર્ય નહોતુ થઈ શક્યું. પરંતુ રાજ્ય સરકારે આ વર્ષે તે ફરીથી આપવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત 2018 2019 અને 2020 વર્ષના લાભાર્થી દિવ્યાંગોને આજે પારિતોષિક આપવામાં આવ્યા છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગોની  હિંમતને વધારવા માટે અનેક આયામો અને પ્રકલ્પો માટે ભયમુક્ત પ્લેટફોર્મ આપ્યું છે. તેમણે વિકલાંગોને દિવ્યાંગ નામ આપીને સમાજમાં મોભાનું સ્થાન અપાવ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે જેમનું મનોબળ દ્રઢ હોય છે તેઓ દિવ્યાંગ હોવા છતાં પણ પર્વત ઓળંગી જતા હોય છે આવા જ દિવ્યાંગોને આજે પારિતોષિક આપવામાં આવી રહ્યા છે. તેઓ પોતે દિવ્યાંગ હોવા છતાં પણ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ આવી પ્રવૃત્તિઓને પ્રેરિત કરતા હોય છે.આ પ્રસંગે તેમણે તમામ દિવ્યાંગોને નોકરી રાખતા ઉધોગકારોનો પણ આભાર માન્યો હતો.

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક અંતર્ગત ૨૦૧૮માં ૧૩૨ અરજીઓ, વર્ષ ૨૦૧૯માં ૧૯૩ અરજીઓ, વર્ષ ૨૦૨૦માં ૧૭૩ અરજીઓ તથા વર્ષ-૨૦૨૧માં ૧૦૫ અરજીઓ આવી હતી. રાજય કક્ષાની પસંદગી સમિતી દ્વારા આ અરજીઓમાંથી વર્ષ-૨૦૧૮ માટે ૨૨, વર્ષ-૨૦૧૯ માટે ૧૭, વર્ષ-૨૦૨૦ માટે ૨૪ અને વર્ષ-૨૦૨૧ માટે ૨૨ એમ કુલ ૮૫ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં શારીરિક ક્ષતિ ધરાવતી કાર્યક્ષમ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ ૭૭ તથા તેમને કામે રાખતા શ્રેષ્ઠ નોકરીદાતાઓ ૦૬  તેમજ ૦૨ પ્લેસમેન્ટ ઓફિસરોની પસંદગી કરવામાં આવી છે તેમને મહાનુભાવોના હસ્તે પારિતોષિક અપાયા હતા

આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા, રોજગાર અને તાલિમના અધિક નિયામક વિશાલ સક્ષેના, ડીએનટી શ્રી લક્ષ્મી નારાયણ તથા કર્મચારીઓ, દિવ્યાંગજનો તથા તેમના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.- ઋચા રાવલ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.