Western Times News

Gujarati News

ડિફેન્સ એક્સપોમાં રેકોર્ડ બ્રેક 1.53 લાખ કરોડના MoU થયા

ભારત સંરક્ષણ ક્ષેત્રે ‘મેક ઇન ઇન્ડિયા’થી ‘મેક ફોર વર્લ્ડ’ના લક્ષ્યને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે: રક્ષામંત્રી

ડિફેન્સ એક્સ્પો-2022 ભારતના અર્થતંત્રમાં વિશેષ યોગદાન આપી દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવશે: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

ગાંધીનગર,  હાલ ચાલી રહેલા ડિફેન્સ એક્સપોમાં વિક્રમ સર્જાયો છે. પાછલા બધા જ ડિફેન્સ એક્સપોના રેકોર્ડ તોડી ડેફએક્સ્પો – 2022માં રૂ.1.53 લાખ કરોડના એમઓયુ થયા છે. આ 12મા ડિફેન્સ એક્સપો અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં ‘બંધન’ સમાપન સમારોહ યોજાયો હતો.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડિફેન્સ એક્સપો-2022ના સમાપન સમારોહમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું અભિવાદન કરી જણાવ્યું હતું કે, 12મા ડિફેન્સ એક્સપો-2022માં આત્મનિર્ભર ભારતના દર્શન થાય છે. શસ્ત્ર સરંજામની આયાત કરનારા દેશ તરીકે ભારતની ઓળખ હતી એ ભારત શસ્ત્ર સરંજામની નિકાસ કરનારો દેશ બન્યો છે, જે પ્રત્યેક ભારતીય માટે ગર્વની વાત છે.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ભારત હંમેશા શાંતિ-સૌહાર્દ અને ભાઈચારામાં માને છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વ બંધુત્વના ભાવ સાથે સમગ્ર વિશ્વને પરિવાર માને છે ત્યારે ભારતના શસ્ત્રો હંમેશા શાંતિ માટે છે તેવું રાજ્યપાલ સ્પષ્ટપણે જણાવી ઉમેર્યું હતું કે, જ્યારે વીરતા આત્મનિર્ભરતા તથા સ્વવિકાસ માટે હોય ત્યારે અશાંતિ કરનારાઓની હિંમત ચાલતી નથી એટલે જ ભય વિના પ્રીતિ નથી હોતી એવું આપણે સ્પષ્ટ માનીએ છીએ. ભારત કોઈને છોડતું નથી અને ભારતને છેડનારાને છોડતું નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કર્મઠ નેતૃત્વમાં ભારતે પ્રત્યેક ક્ષેત્રમાં ઉડીને આંખે વળગે તેવા વિકાસ કાર્યો છે. જે સરકારની ઈચ્છાશક્તિ અને ભારતીય નાગરિકોના કઠોર પરિશ્રમનું પરિણામ છે. રાજ્યપાલએ ડિફેન્સ એક્સપો-2022માં દેશ-વિદેશથી પધારેલા મહાનુભાવોનું ગુજરાતની ધરતી પર સ્વાગત કરી આ અવસરે થઈ રહેલા સમજૂતી કરારોથી દેશના રક્ષા ક્ષેત્રે નવા સીમાચિહ્નો હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 12માં ડિફેન્સ એક્સ્પોના ગુજરાતમાં સફળ આયોજન બદલ અભિનંદન આપતા કહ્યું હતું કે, ગુજરાત દેશની આર્થિક, આધ્યાત્મિક અને રાજકીય ગતિવિધિઓમાં સદીઓથી મહત્વનું યોગદાન આપતું આવ્યું છે. આધ્યાત્મિક ક્ષેત્રે ભક્ત નરસિંહ મહેતા, જ્ઞાન-સમાજ સુધારકમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી, રાજનીતિ ક્ષેત્રે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની સાથે આધુનિક યુગના વૈશ્વિક નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતની જ દેન છે. મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ તથા ઉદ્યોગ ક્ષેત્રે જમશેદજી તાતા અને ધીરૂભાઈ અંબાણીએ ભારતને નવી ઓળખ અપાવી છે.

તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આયોજિત ડિફેન્સ એક્સ્પો-2022 ભારતના અર્થતંત્રમાં પોતાનું વિશેષ યોગદાન આપીને દેશને સંરક્ષણ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવશે. છેલ્લાં 24 વર્ષોથી શરૂ થયેલા ડિફેન્સ એક્સ્પો થકી ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં નવો અધ્યાય શરૂ થયો છે. નવા ભારતને રક્ષાક્ષેત્રે વધુ સશક્ત, સમૃદ્ધ અને સમર્થ બનાવવા માટે ડિફેન્સ એક્સ્પોએ સ્વદેશી ઉદ્યમી-ઉત્પાદકોને વૈશ્વિક મંચ ઉપલબ્ધ કરાવ્યું છે. હાઈબ્રિડ ફોર્મેટમાં યોજાયેલા ડિફેન્સ એક્સ્પો-2022માં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થયેલા વિશ્વના સંરક્ષણ મંત્રીઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓને સંરક્ષણ ક્ષેત્રે ભારતની નવીન ઊર્જા-શક્તિના દર્શન થયાં છે.

તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વિઝન સાગરમાલા પ્રોજેક્ટને સાકાર કરવા ડિફેન્સ એક્સ્પો-2022માં ‘શાંતિ અને સહયોગ’ થીમ હેઠળ આઈઓઆર+ કોન્ક્લેવ, સ્ટાર્ટઅપ્સ મંથન, ઇન્ડો-આફ્રિકા ડાયલોગ તથા બંધન જેવી મહત્વની ઇવેન્ટ્સનું સફળ આયોજન કરાયું હતું.

ભારત સંરક્ષણ ક્ષેત્રે ‘મેક ઇન ઇન્ડિયા’થી ‘મેક ફોર વર્લ્ડ’ના લક્ષ્યને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી વર્ષ 2024-25 સુધીમાં ભારતનો સંરક્ષણ ક્ષેત્રે રૂ. 35 હજાર કરોડનો નિકાસ લક્ષ્યાંક વધારીને હવે રૂ. 40 હજાર કરોડ સુધી લઈ જવાશે. તેમણે ડિફેન્સ એક્સ્પો-2022ને સફળ તેમજ યાદગાર બનાવવામાં યોગદાન આપનાર સંરક્ષણ મંત્રાલય, ગુજરાત સરકાર, વિવિધ કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ સહિત તમામ સહભાગીઓને અંત:કરણપૂર્વક આભાર માન્યો હતો.

રક્ષાસચિવ અજયકુમારે ડિફેન્સ એક્સ્પો-2022ના સમાપન સમારોહના ’બંધન’ કાર્યક્રમ અંતર્ગત જણાવ્યું હતું કે, ગુજરાતમાં આયોજિત 12માં ડિફેન્સ એક્સ્પો-2022ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. વર્ષ 2020માં લખનઉ ખાતે આયોજિત ડિફેન્સ એક્સ્પોના તમામ રેકોર્ડ તોડ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.