Western Times News

Gujarati News

૧૧મી ખેત વિષયક ગણના અન્વયે તાલીમનું આયોજન કરવામાં  આવ્યું

પ્રતિકાત્મક

રાજ્યમાં સૌપ્રથમવાર  ડિજિટલ  માધ્યમથી યોજાશે ૧૧મી ખેત વિષયક ગણના

એગ્રિકલ્ચર સેન્સસ યુનિટના સંયુક્ત ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવ્યાં મુજબ કેન્દ્ર સરકાર દ્વારા અગિયારમી ખેત વિષયક ગણના વર્ષ ૨૦૨૧-૨૨ સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે.

તેના ભાગરૂપે રાજ્યમાં પણ અગિયારમી ખેત વિષયક ગણનાની શરૂઆત કરવામાં આવી અને અધિક મુખ્ય સચિવશ્રી(મહેસૂલ)ના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર જેવા હાથવગા ઉપકરણોના ઉપયોગ થકી વેબ પોર્ટલ તથા મોબાઈલ એપ્લિકેશન મારફત સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થનાર છે. રાજ્યમાં ૧૧મી ખેત વિષયક ગણના માટે રાજ્યના મહેસૂલ વિભાગ અને કૃષિ નિયામક કચેરી સ્થિત એગ્રિકલ્ચર સેન્સસ યુનિટ દ્વારા ખેત વિષયક ગણનાની કામગીરી સાથે જોડાયેલા તમામ જિલ્લાના અધિક કલેક્ટરશ્રીઓ અને અન્ય જિલ્લા કક્ષાના અધિકારી/કર્મચારીઓ માટે આ નવીન પદ્ધતિથી કરવાની થતી ખેતી વિષયક ગણનાની કામગીરીની વિસ્તૃત તાલીમનુ તા. ૧૯/૧૦/૨૦૨૨ના રોજ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું.

તાલીમની શરુઆતમાં રાજ્યના મહેસૂલ વિભાગના ઉપસચિવ શ્રી પી.ડી.ધંધુકિયા દ્વારા આ તાલીમનું મહત્વ તેમજ ખેત વિષયક ગણનાની તાલીમમાં ડેટા કલેક્શનની કામગીરી, સુપરવિઝન, મોનિટરીંગ તથા સંકલનની કામગીરી, ક્ષેત્રિય કક્ષાએ તલાટી, નાયબ મામલતદાર, મામલતદાર, અધિક નિવાસી કલેક્ટર દ્વારા કરવાની થતી કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા નિયત સમયમર્યાદા ડીસેમ્બર-૨૦૨૨ સુધીમાં ગુણવત્તાયુક્ત ડેટા સાથે સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા તમામ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

એગ્રિકલ્ચર સેન્સસ યુનિટના સંયુક્ત ખેતી નિયામકશ્રી(એ.સે.) શ્રી એમ. બી. પટેલ દ્વારા ખેત વિષયક ગણનાની કામગીરીનું મહત્વ અને ઉદ્દેશો વિષે જાણકારી આપવામાં આવી હતી. ખેડૂતોના  વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન તેમજ સામાજિક-આર્થિક નીતિ ઘડતર અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓની સ્થાપના માટે ખેત વિષયક ગણનાની માહિતીની ઉપયોગ કરવામાં આવે  છે. તેમજ ઉક્ત માહિતી રાષ્ટ્ર તેમજ આંતરાષ્ટ્રીય કક્ષાએ જરૂરીયાત હોય છે એમ તેમણે જણાવ્યું હતું.

નાયબ ખેતી નિયામક ડૉ. એમ. કે. ત્રિવેદી દ્વારા પાવરપોઈંટ પ્રેઝન્ટેશન દ્વારા સંપૂર્ણ વેબ પોર્ટલ અને મોબાઈલ એપેલીકેશનથી ભરવાના થતાં તબક્કાવાર શિડ્યુલની વિસ્તૃત સમજ સાથે તાલીમ આપવામાં આવી. તેમજ ખેત  વિષયક ગણનાની કામગીરી સાથે જોડાયેલ ભારત સરકાર દ્વારા નિયુકત કરેલ સંસ્થા NIELlT-કોલકાતાના અધિકારીશ્રી દ્વારા લાઈવ પોર્ટલ મારફતે ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓને જાણકારી આપવામા આવી હતી એમ યાદીમાં જણાવાયું છે.

ખેત વિષયક ગણનાની ક્ષેત્રીય કામગીરી ગ્રામ્ય કક્ષાએ તલાટીશ્રી દ્વારા કરવામાં આવનાર છે. આ માટે ખેડૂત મિત્રો દ્વારાપણ તલાટીશ્રીને જરૂરી સચોટ માહિતી આપવામાં આવે, જેથી ખેડૂતોના વિકાસ માટેની ઉપયુક્ત કૃષિ વિકાસની યોજનાઓ ઘડી શકાય એમ એગ્રિકલ્ચર સેન્સસ યુનિટના સંયુક્ત ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.