Western Times News

Gujarati News

હોસ્પિટલ, સ્કુલ, કોર્ટ, ધાર્મિક સ્થળોની 100 મીટર ત્રિજયામાં ફટાકડા ફોડી શકાશે નહિં

હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે 

અમદાવાદ જીલ્લામા ફટાકડાની આયાત, ઉત્પાદન, ખરીદ, વેચાણ તથા ફટાકડા ફોડવા અંગેનુ જાહેરનામુ;

આગામી દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમદાવાદનું જાહેરનામું ;

ઈ-કોમર્સ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન કોઈપણ પ્રકારનાં ફટાકડાનું વેચાણ કરી શકાશે નહી. 

આગામી દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો દરમ્યાન ફોડવામા આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેરજનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે અમદાવાદ જીલ્લામા ફટાકડાની આયાત, ઉત્પાદન, ખરીદ, વેચાણ તથા ફટાકડા ફોડવા ઉપર નિયમન અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવેલ છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ સત્તા રુએ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરની હકુમત સિવાયનો અમદાવાદ જિલ્લાનો સમગ્ર મહેસુલી વિસ્તારમાં નીચે મુજબના કૃત્યોનુ ચુસ્તપણે પાલન કરવા માટે ફરમાન કરવામા આવેલ છે.

દિવાળી તથા અન્ય તહેવારો દરમ્યાન રાત્રે ૦૮.૦૦ થી ૧૦:૦૦ કલાક દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નુતન વર્ષના તહેવાર દરમ્યાન ફટાકડા રાત્રે ૧૧.૫૫ કલાકથી ૧૨.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે. 

ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેનાં ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવે છે, આ સિવાયનાં તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
સીરીઝમાં જોડાયેલા ફટાકડા (Joint firecrackers,Series crackers or Laris) થી મોટા પ્રમાણમા હવાનુ પ્રદુષણ, ધ્વનિ પ્રદુષણ તથા ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી, વેચાણ કરી શકાશે નહી કે ફોડી શકાશે નહી.

ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ નામ.સુપ્રિમકોર્ટનાં તા.૨૩/૧૦/૨૦૧૮ના આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે. ઈ-કોમર્સ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન કોઈપણ પ્રકારનાં ફટાકડાનું વેચાણ કરી શકાશે નહી.  ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

હાનિકારક ધ્વનિ સ્તર (૧૨૫ ડેસીબલ યુનિટ અથવા ૧૪૫ ડેસીબલ (સી) પી.કે. થી ઓછો અવાજ પેદા કરે) તેવા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના બોક્સ પર “પીઇએસઓ સુચના પ્રમાણેનુ” માર્કિંગ હોવુ જરૂરી છે.

હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યા કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.

વિદેશી ફટાકડાની આયાત પ્રતિબંધિત ઘોષિત થયેલ છે. જેથી કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી કે ફોડી શકાશે નહી.

કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/આતશબાજ બલૂન)નુ ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી.

આ જાહેરનામાનો અમલ તા.૨૧/૧૦/૨૦૨૨ના ૦૦.૦૦ કલાક થી તા.૧૦/૧૧/૨૦૨૨ના ૨૪.૦૦ કલાક સુધી કરવાનો રહેશે.

 

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ પગલા લેવાની કાર્યવાહી કરવામા આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.