Western Times News

Gujarati News

દિવાળી ફક્ત ઉજવો જ છો?

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

દિવાળી ફક્ત તમે ઉજવો જ છો કે એના વિષે કંઇક જાણો પણ છો? ભારત વિવિધતાનો દેશ છે એટલે અહીં જેટલી ઉત્સાહથી નવરાત્રીમાં નવ દિવસ દરેક ધર્મના લોકો ગરબા રમે છે એટલા જ ઉત્સાહથી ક્રિસમસમાં, થર્ટી ફર્સ્ટની ઇવનિંગ કે નાઈટની ઉજવણી કરે છે. દરેક વસ્તુના ફન ફેક્ટસ હોય. દરેક તહેવારની પાછળ થોડા કિસ્સાઓ હોય, કોઈ માન્યતા હોય, દંતકથાઓ હોય. તો આજે દિવાળીના દિવસે જ ચાલો તમારી સાથે દિવાળીની જ થોડી વાતો શેર કરું.

ઉદાસીઓના ફટાકડાઓ, ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ, ઝરતું સ્મિત લઈને;

ખરેખરમાં આપણને એવું લાગે છે અથવા તો આપણે માનીએ છીએ કે દિવાળી એ ભારતમાં ઉજવાતો સૌથી મોટો અને મહત્વપૂર્ણ ધાર્મિક તહેવાર છે. તથા આ તહેવારો હિન્દુઓનો છે પણ ના,દિવાળી શીખો અને જૈનો દ્વારા પણ ઉજવવામાં આવે છે. દિવાળી આમ તો ૫ દિવસ ચાલતો તહેવાર છે અને લાભપાંચમ પણ એટલી જ મહત્વની તિથી છે.

તે દિવસે ચોપડાપૂજન કરવામાં આવે છે. દિવાળી એટલે હિન્દુઓના નવા વર્ષની શરૂઆત છે. તેની ચોક્કસ તારીખો દર વર્ષે બદલાય છે અને તે ચંદ્રની સ્થિતિ પરથી નક્કી કરવામાં આવે છે જે સામાન્ય રીતે અંગ્રેજી ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની વચ્ચે આવે છે.

કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

દિવાળી જેને આપણે દીપાવલી પણ કહીએ છીએ. આ શબ્દનો અર્થ ભારતની પ્રાચીન ભાષા એટલે કે સંસ્કૃત ભાષામાં “પ્રકાશની પંક્તિ” એવો થાય છે, ને આમ “દીવાની હરોળ” એટલે દિપાવલી એમ પણ કહેવાય. દિવાળીના દિવસો દરમિયાન, લોકો તેમના ઘરોને લાઇટ અને દીવાઓથી શણગારે છે. ઘણા હિન્દુઓ સંપત્તિની દેવી લક્ષ્મીનું આ દિવસોમાં પૂજન  કરે છે, સન્માન કરે છે.

એવું કહેવાય છે કે દીવાઓની રોશની લક્ષ્મીજીને લોકોના ઘરોમાં પ્રવેશ મેળવવામાં મદદ કરે છે એટલે તે પ્રગટાવવામાં આવે છે, જેથી તે આવનારા વર્ષમાં સમૃદ્ધિ લાવે છે. દીવાઓ વિષે કહેવાય છે કે; તે અનિષ્ટ પર સારાની જીતની ઉજવણી માટે કરવામાં આવે છે અને એક વાત એ પણ એ પણ છે કે;

દિવાળી કૃષ્ણપક્ષમાં આવતો તહેવાર છે એટલે લોકો દીવાઓથી રોશનીથી ઘરને પ્રજ્વલિત રાખે છે. ઉત્તર ભારતમાં, દુષ્ટ રાજા રાવણને હરાવીને હિંદુ દેવતાઓ રામ અને સીતાના અયોધ્યા શહેરમાં પાછા ફરવાની ઉજવણી કરે છે. બંગાળના પ્રદેશમાં લોકો દિવાળી દરમિયાન, દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર દેવી કાલીની પૂજા કરે છે. નેપાળમાં દિવાળીમાં લોકો દુષ્ટ રાજા નરકાસુર પર ભગવાન કૃષ્ણના વિજયની ઉજવણી કરે છે.

સૌની ભીતર પડ્યો હોય છે, એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને, ખુદની તેજ-લકીરો;

રંગોળી એ દિવાળીનાં દિવસોમાં લોકોના ઘરે જોવા મળે જ છે આ એક ફરજીયાત ઉજવાતી લોકોને ગમતી લોકપ્રિય પરંપરા છે. રંગબેરંગી પાઉડર અને ફૂલોનો ઉપયોગ કરીને બનાવેલી સુંદર પેટર્ન એટલે રંગોળી. કહેવાય છે કે; લોકો દેવતાઓને આવકારવા અને સારા નસીબ લાવવા માટે તેમના ઘરના પ્રવેશદ્વાર દ્વાર પર કે આંગણામાં રંગોળી દોરે છે.

યુનાઇટેડ કિંગડમમાં લેસ્ટર શહેરમાં ભારતની બહાર દિવાળીની સૌથી મોટી ઉજવણી થાય છે. દર વર્ષે, હજારો લોકો પ્રકાશ, સંગીત અને નૃત્યના વાઇબ્રન્ટ શોનો આનંદ માણવા ત્યાની શેરીઓમાં ભેગા થાય છે! આ પંક્તિઓ જે મેં આ આર્ટીકલમાં લખી છે રચના કવિ શ્રી અનિલ ચાવડાની છે. જો તમને ગમે તો તમે ટહુકો ડોટ કોમ પર જઈને તેને વાંચી અને કમ્પોઝ થયેલી આ રચનાને સાંભળી પણ શકો છો. તમને બધાને હેપી દિવાળી અને હેપી ન્યુયર….!

ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.