Western Times News

Gujarati News

ભારતમાં સરકારી નોકરી કોઈ સુવિધા નથી, પરંતુ સમયમર્યાદામાં દેશના લોકોની સેવા કરવાની સુવર્ણ તક છેઃ વડાપ્રધાન 

વડાપ્રધાને દેશના યુવાનો પર વિશ્વાસ મૂક્યો છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી દેશનાં જુદા જુદા ૫૦ સ્થળે ૭૫ હજાર જેટલા યુવાનોને નિયુક્તિપત્રોનું વિતરણ

વડાપ્રધાનશ્રી દ્વારા યુવા સામર્થ્યથી વિકસિત ભારતના વિરાટ સંકલ્પને નવું બળ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં ૧૦ લાખ યુવાનોને નિયુક્તિ આપવા માટેના રોજગાર મેળાઓનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી-પીડીઈયુ,

ગાંધીનગર સહિત દેશનાં જુદા જુદા ૫૦ સ્થળે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ૭૫ હજાર જેટલા યુવાનોને નિયુક્તિપત્રોનું વિતરણ કરવાના કાર્યક્રમો યોજાયા છે. જે પૈકી ગુજરાતના ૩૦ યુવાનોને કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા

તથા અન્ય મહાનુભાવોના હસ્તે નિયુક્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતમાં પોસ્ટ વિભાગ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ ઑથોરિટી, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ફેશન ટેલનોલૉજી, યુનિયન બેંક, સીઆરપીએફ જેવી સંસ્થાઓના કુલ ૩૭૨ કર્મચારીઓને નિયુક્તિપત્રો અપાયાં છે.

આ પ્રસંગે નિમણૂકપત્રો મેળવનાર યુવાનોને અભિનંદન આપતાં વડાપ્રધાને કહ્યું કે, ૨૧મી સદીના ભારતમાં સરકારી નોકરી કોઈ સુવિધા નથી, પરંતુ સમયમર્યાદામાં દેશના લોકોની સેવા કરવાની સુવર્ણ તક છે. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, સેવાની ચિંતા અને સમયનું ગૌરવ જાળવી રાખવાનો પ્રયાસ યુવાનોએ કરવો પડશે. નવનિયુક્ત યુવાનો સેવાની ભાવનાને સર્વોપરી રાખી વિકસિત ભારતની આશાઓ પૂર્ણ કરવામાં કોઈ કસર છોડશે નહી એવો આશાવાદ વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કર્યો હતો

વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતની યુવા શક્તિ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. છેલ્લા ૮ વર્ષથી ચાલી રહેલા રોજગાર અને સ્વરોજગારના અભિયાનમાં આજે રોજગાર મેળારૂપી એક નવી કડી જોડાઈ રહી છે. આઝાદીના ૭૫ વર્ષને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર આ કાર્યક્રમ હેઠળ દેશના ૭૫ હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્ર આપી રહી છે.

છેલ્લા ૮ વર્ષમાં ઘણા યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે, પરંતુ આ વખતે સામૂહિક નિમણૂક પત્ર આપવાની પરંપરા પણ શરૂ કરવામાં આવી છે, જે દરેક વિભાગમાં સમયમર્યાદાની પ્રક્રિયાને સામૂહિક રીતે પહોંચી વળવાનો સામૂહિક પ્રયાસ છે.

વડાપ્રધાને યુવાનો માટે કરેલા સરકારના પ્રયાસો વિશે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં સ્કીલ ઈન્ડિયા અભિયાનની મદદથી ૧.૨૫ કરોડ ભારતીય યુવાનોને તાલીમ આપવામાં આવી છે, જેના માટે દેશમાં વિવિધ કૌશલ્ય વિકાસ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. ગત ૮ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા સેંકડો ઉચ્ચ શિક્ષણ સંબંધી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે.

યુવાનો માટે સ્પેસ સેક્ટર ખોલવામાં આવ્યા છે, ડ્રોન પોલિસીને સરળ બનાવી છે જેથી સમગ્ર દેશમાં યુવાનો માટે વધુને વધુ તકોનું નિર્માણ થાય. ૨૦૧૪માં દેશમાં ૧૦૦ જેટલાં સ્ટાર્ટઅપ હતા, આજે તે આંકડો ૮૦ હજારથી વધારે છે.

કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ નવનિયુક્ત યુવાનોને સંબોધિત કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાને વ્યવસ્થા બદલવાનું ભગીરથ કાર્ય કર્યું છે. વડાપ્રધાને દેશના નવા નવયુવાનો પર વિશ્વાસ મૂક્યો છે. ભૂતકાળકમાં, અરજદારે પોતાના માર્કશીટ-પ્રમાણપત્રો પ્રમાણિત કરવા માટે રાજકીય વ્યક્તિઓ કે અધિકારીઓ પર નિર્ભર રહેવું પડતું હતું.

તેમાં ઉમેદવાર-અરજદાર યુવાધનનો સમય વેડફાતો હતો. વડાપ્રધાનશ્રીએ સ્વ-પ્રમાણિત પ્રમાણપત્રો માન્ય રાખવાનું ઠરાવ્યું છે. આ પગલું ભરવા પાછળના ઉદ્દેશથી માત્ર પ્રક્રિયા જ સરળ નથી થઈ, પરંતુ વડાપ્રધાનને યુવાનો પર રહેલો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે કે યુવાન ક્યારેય કોઈ ખોટું પગલું ભરશે નહીં.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન, અમદાવાદ-પૂર્વના સંસદસભ્ય શ્રી હસમુખ પટેલ, ગાંધીનગર-દક્ષિણના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા તથા ભારતીય પોસ્ટના શ્રી વી. સી. રોય ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.