યુવકને ઢોરે અડફેટે લેતા સ્થળ પર જ મોત નિપજ્યું
વડવા ખડીયા કૂવા નજીક સામેથી દોડીને આવી રહેલા ઢોરે બાઈક ઉપર જતા યુવકને અડફેટે લીધો હતો
ભાવનગર, ગુજરાતની પ્રજા રખડતા ઢોરના ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે એ દિવસોની રાહ જાેઈને બેસી છે. હાઈકોર્ટની લાલ આંખ છતાં ગુજરાતમાં રખડતા ઢોરોનું સામ્રાજ્ય જાેવા મળ્યુ છે. ત્યારે રખડતા ઢોરને કારણે ભાવનગરના વાઘેલા પરિવારની દિવાળીમાં માતમ છવાયો છે.
ભાવનગરમાં રસ્તે રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે, ઘરેથી બાઇક પર દુકાને જવા નીકળેલા યુવકને રખડતા ઢોરે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું છે. તંત્રની બેદરકારીના કારણે દિવાળી ટાંણે ઉજવણીના બદલે યુવકના ઘરમાં માતમ છવાયો હતો.
ભાવનગરના વડવા ખડીયા કૂવા નજીકની આ ઘટના છે. ભાવનગરમાં રખડતા માલઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, રસ્તાઓ પર અડિંગો જમાવીને બેસી ગયેલા ઢોરના કારણે અનેક અકસ્માતો થાય છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
જેના કારણે આજે વધુ એક વ્યક્તિએ ઢોરના કારણે જીવ ગુમાવ્યો છે. વડવા ખડીયા કૂવા વિસ્તારમાંર રહેતો પરેશભાઈ વાઘેલા નામનો યુવાન ઘરેથી દુકાને જવા નીકળ્યો હતો, ત્યારે શહેરના વડવા ખડીયા કૂવા નજીક સામેથી દોડીને આવી રહેલા ઢોરે યુવકને અડફેટે લીધો હતો.
બાઇક સવાર યુવક રખડતા ઢોરના હુમલાથી હવામાં ફંગોળાયો હતો. જેથી તે નીચે ગાડી પરથી નીચે પટકાયો હતો. પરેશભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તાત્કાલિક ૧૦૮ ને કોલ કરવામાં આવ્યો હતો. પરંતુ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચે એ પૂર્વે ગણતરીની ક્ષણોમાં આધેડનું મોત થઈ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ડેપ્યુટી મેયર સહિત ત્રણ જેટલા લોકોના રખડતા ઢોરના કારણે મોત થઈ ચૂક્યા છે. ત્યારે શહેરમાં રસ્તે રખડતા ઢોરના કારણે થયેલા મોતનો કુલ આંક ૪ થઈ ગયો છે. શહેરમાં જ્યાં ત્યાં રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી જાય છે. જેના કારણે રોજ અકસ્માતો વધી રહ્યા છે, તંત્ર દ્વારા હવે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.