હાથીઓએ ગામને ઘેરી લીધુ હતુ અને પછી નાસભાગ મચી ગઈ

બચ્ચાને મારી નાખતા હાથીનાં ટોળાએ ગામ પર હુમલો કર્યો- હાથીઓએ એક ગ્રામજનને કચડી પણ નાંખ્યો
રાયપુર, હાથી આમ તો શાંત પ્રાણી ગણાય છે પણ તે જ્યારે આક્રમક બને છે ત્યારે ખાના ખરાબી મચાવી દે છે. જેમ કે છત્તીસગઢના કોરબા જિલ્લામાં હાથીઓના ઝુંડે એક ગામને તબાહ કરી નાંખ્યુ છે. હાથીઓના ગુસ્સાનુ કારણ એ છે કે, આ ગામના લોકોએ હાથીના એક બચ્ચાને મારી નાંખ્યુ હતુ અને દફનાવી દીધુ હતુ.એ પછી હાથીઓના ટોળાએ બદલો લેવા માટે હુમલો કર્યો હતો.
હાથીઓએ ગામને ઘેરી લીધુ હતુ અને એ પછી નાસભાગ મચી ગઈ હતી.હાથીઓએ એક ગ્રામજનને કચડી પણ નાંખ્યો હતો અને તેનુ બાદમાં મોત થયુ હતુ.
આ ઘટનાની જાણકારી મળ્યા બાદ વન વિભાગના કર્મચારીઓની એક ટીમ સ્થળ પર પહોંચી છે અને હાથીઓના ટોળાને જંગલ તરફ મોકલવાની કોશિશ થઈ રહી હતી. એવુ મનાય છે કે, દોઢ વર્ષના હાથીના બચ્ચાને કરંટ લગાવીને મારી નાખવામાં આવ્યુ હતુ.જંગલ વિભાગે બચ્ચાના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે પણ મોકલી આપ્યુ છે.
જાેકે હાથીઓ આ હત્યા સામે બરાબર ઉકળી ઉઠયા છે. હાથીઓનુ ઝુંડ ઉત્પાત મચાવી રહ્યુ છે અને હજી સુધી તે શાંત પડ્યુ નથી.જાેકે હાથીના બચ્ચાને કોણે માર્યુ તેની ખબર પડી નથી.
આ વિસ્તારમાં જાેકે હાથીઓનો ઉત્પાત નવો નથી.ગામના લોકોની સમસ્યા એ છે કે, હાથીઓનુ ટોળુ અવાર નવાર ખેતરોમાં ઘુસીને ઉભા પાકને બરબાદ કરી નાંખે છે.