Western Times News

Gujarati News

નરોડામાં વધુ એક યુવા નેતાને હત્યાની ધમકી

પાકિસ્તાન અને દુબઈથી આવતા ફોન પર મળી રહેલી ધમકીથી નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ

(પ્રતિનિધિ) અમદાવાદ : ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુ જાગરણ મંચના અગ્રણી પ્રકાશ તિવારીની હત્યાના તાર ગુજરાત સુધી લંબાતા પોલીસતંત્ર ચોકી ઉઠયુ છે અને આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સુરત શહેરના જ એક યુવા હિન્દુવાદી નેતાને પાકિસ્તાન અને દુબઈમાંથી ફોન પર વારંવાર હત્યાની ધમકીઓ મળતા પોલીસતંત્ર એલર્ટ થયેલુ છે.

આ અંગે યુવા નેતાએ શહેરના નરોડા સહિતના પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે નંબરના આધારે વધુ તપાસ શરૂ કરી છે. આ અંગેની વિગત એવી છે કે લખનૌમાં હિન્દુવાદી નેતા તિવારીની હત્યાથી દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો આ અંગેની તપાસ કરતા સમગ્ર ષડયંત્ર સુરતમાં રચાયુ હોવાનું બહાર આવ્યુ હતું અને પોલીસે ગણતરીના કલાકોમાં જ સમગ્ર કેસ ઉકેલી નાંખી આરોપીઓની ધરપકડ કરી લીધી છે આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે

ત્યારે આવી જ વધુ એક ઘટના ઘટવા પામી છે. વિશ્વ સનાથન સંઘના રાષ્ટ્રીય મહાસચિવ તથા ઉપદેશ રાણા યુથ ઓર્ગેનાઈઝેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સુરતમાં રહેતા યુવા હિન્દુવાદી નેતા ઉપદેશ સુભાષભાઈ રાણા પોતાના સંગઠન માટે દેશભરનો પ્રવાસ કરતા હોય છે. તા.૯/૧૧ ના રોજ તેઓ અમદાવાદ શહેરમાં આવ્યા હતા અને નરોડામાં આવેલી હોટલમાં રોકાયા હતાં રાત્રિના સમયે તેમના મોબાઈલ ફોન પર ફોન આવવા લાગ્યા હતા અને આ ફોન નંબર પાકિસ્તાન અને દુબઈના હોવાનું જાણવા મળી રહયું છે.


ઉપદેશ રાણા ઉપર તા.૯મીથી સતત ફોન આવવા લાગ્યા હતા અને આ ફોન પર સામેથી બોલતી વ્યક્તિ ઉપદેશ રાણાને ગાળો આપી જાનથી મારી નાંખવાની સતત ધમકીઓ આપતા હતાં ધમકીમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે તારો સમય પુરો થઈ ગયો છે અને હું દુબઈથી આવી રહયો છું મરવા માટે તૈયાર થઈ જા. એક પછી એક સંખ્યાબંધ ફોન આવતા ઉપદેશ રાણા તાત્કાલિક નરોડા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને ત્યાં સમગ્ર હકીકત જણાવતા અધિકારીઓ એલર્ટ થયા હતા આ અંગેની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં

બીજીબાજુ ઉપદેશ રાણાના ફોનની તપાસ શરૂ કરવામાં આવી હતી અને તેમાં જે નંબર ઉપરથી ફોન આવ્યા હતાં તેની તપાસ શરૂ કરવામાં આવી છે આમ વધુ એક યુવા નેતાને હત્યાની ધમકી મળતા પોલીસ અધિકારીઓ એલર્ટ થયા છે અને હાલ તેમનો ફોન ટ્રેસ કરવામાં આવી રહયો છે.

ઉપદેશ રાણા પર આવેલા ફોનનો કોડ જાતા આ ફોન પાકિસ્તાન અને દુબઈથી આવ્યા હોવાનું મનાઈ રહયું છે છેલ્લા કેટલાક દિવસથી ઉપદેશ રાણાને સતત જુદા જુદા નંબરો પરથી ફોન કરવામાં આવી રહયા છે અને તેમાં તેમને ધમકી આપવામાં આવી રહી છે. નરોડા પોલીસે હાલ આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ અગાઉ પણ ઉપદેશ રાણાને ફોન પર ધમકીઓ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે અને આ અંગેની તપાસ પણ ચાલી રહી છે આ દરમિયાનમાં વધુ ફોન આવતા રાજયના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.