Western Times News

Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણી 1 ડિસે. અને 5 ડિસે. યોજાશે, 8 ડિસેમ્બરે પરિણામ

File

પીળા કલરનો ભાગ પહેલા તબક્કાનો વિસ્તાર છે જ્યારે ગુલાબી કલર બીજા તબક્કાનો વિસ્તાર છે. 

અમદાવાદ, ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે..આજે ચૂંટણીપંચની પ્રેસ કેન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે.

ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

પંચે કહ્યું કે, નવા 3.4 લાખ મતદારોએ સુધારેલી નામાંકન ડેડલાઈનનો લાભ લીધો, હવે આ લોકો આ વખતે મતદાન કરી શકશે. ચૂંટણીપંચે નામાંકનની તારીખ સુધારી ન હોત તો તેઓ 1 જાન્યુઆરી 2023 પછીની ચૂંટણી માટે ક્વોલિફાય થઈ શક્યા હોત.

તમામ મતદાન મથકે પીવાના પાણી, રેમ્પ, ટોઈલેટ, વેઈટિંગ રુમ જેવી સુવિધા અપાશે, તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. નવો પ્રયોગ- વિશેષ ઓબ્ઝર્વર દરેક મતદાન મથકે રહેશે અને સિનિયર સિટિઝનો, દિવ્યાંગો વગેરે માટે વિશેષ સુવિધાની દેખરેખ રાખશે.

ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માંગે છે પરંતુ મતદાન બુથ પર પણ ન આવી શકે, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે. નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે મીડિયાને પણ તથ્યો તપાસ્યા પછી સમાચાર પ્રકાશિત કરવાની સલાહ આપી હતી અને કહ્યું કે ફેક ન્યૂઝ પર નિયંત્રણ રાખવામાં આવશે.

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે પ્રેસ-કોન્ફરન્સમાં માહિતી આપતાં કહ્યું હતું કે આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર 1000 પુરુષની તુલનામાં 934 મહિલા છે. ગુજરાતમાં 11,800 મતદાતા 100 વર્ષની ઉંમર ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.