Western Times News

Gujarati News

અમદાવાદ શહેરની 111 શાળાઓમાં યોજાયું મતદાન જાગૃતિ અભિયાન

અવસર લોકશાહીનો : ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી -2022-અમદાવાદ જિલ્લા RAC શ્રી સુધીર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદની ઝેવિયર્સ સ્કૂલ લોયલા ખાતે યોજાયું મતદાન જાગૃતિ અભિયાન

વિદ્યાર્થીઓ દ્વારા AVSAR, READY FOR VOTE જેવી કલાકૃતિઓનું માનવસાંકળ રચી સુંદર પ્રદર્શન કરાયું

આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે, જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. આ પૈકી વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મહત્તમ મતદાન થાય તેમજ સમાજના દરેક વર્ગના નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને નૈતિક મતદાનને પ્રોત્સાહન મળે તે માટે અમદાવાદ શહેરની 111 શાળાઓમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું.

જે અંતર્ગત આજે અમદાવાદની ઝેવિયર્સ સ્કૂલ લોયલા ખાતે અમદાવાદ જિલ્લાના RAC શ્રી સુધીર પટેલ તથા શહેરના શિક્ષણાધિકારી શ્રી આર. એમ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું.

આ કાર્યક્રમમાં વિધાર્થીઓ દ્વારા માનવસાંકળ રચી ગુજરાતના નકશાની કલાકૃતિ તથા Ready For Vote, Avsar જેવી કલાકૃતિઓ રચવામાં આવી હતી. આ ઉપરાંત હાજર વિધાર્થીઓ તથા શાળાના સ્ટાફ મિત્રોએ મતદાન કરવા તથા મહત્તમ મતદાન કરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે હાજર અમદાવાદ જિલ્લાના RAC શ્રી સુધીર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરેરાશ 65%થી 70% જેટલું મતદાન થાય છે એટલે કે અંદાજે 30% જેટલા લોકો હાલ પણ મતદાનની પ્રક્રિયાથી અળગા રહે છે. મજબૂત લોકશાહી ત્યારે જ કહેવાય કે જ્યારે મહત્તમ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે.

જે અંતર્ગત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી પી. ભારતી તથા જિલ્લા કલેકટર શ્રી ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં અવસર નામનું કેમ્પઈન ચાલી રહ્યું છે, જેનો ઉદ્દેશ છે કે તમામ લોકો મતદાન કરવા જાય. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદ શહેરમાં 111 શાળાઓમાં સવારે 10:30 વાગ્યે આ મતદાન જાગૃતિનો અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

જેમાં આજે ઝેવિયર્સ સ્કૂલ લોયલા ખાતે વિધાર્થીઓએ માનવ સાંકળ રચી Avsar, Ready For Vote, 5-12-22, ગુજરાતનો નકશો જેવી સરસ કલાકૃતિઓ રજૂ કરી હતી. આ વિધાર્થીઓ મારફતે તેમના વાલીઓને સંદેશો પહોંચાડવાનો એક અનોખો પ્રયાસ થયો છે કે તમામ વાલીઓ અચૂક મતદાન કરવા જાય અને આ બાળકો પણ આવતીકાલના મતદારો છે જેથી તેઓ પણ ભવિષ્યમાં મતાધિકારનો ઉપયોગ કરે જેને લઈને આ સમગ્ર સુંદર મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શહેરના શિક્ષણાધિકારી શ્રી આર. એમ ચૌધરી સ્કૂલના આચાર્ય શ્રી જાસ્મીન શાહ, જિલ્લાના ચૂંટણી અધિકારીઓ તથા નોડલ અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.