Western Times News

Gujarati News

સેન્ટ એન્સ હાઇસ્કૂલ, સાબરમતી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

શિક્ષકો દ્વારા માનવ સાંકળ અને મોબાઈલ ફ્લેશલાઇટ વડે ‘ગુજરાતનો નકશો’ અને ‘રેડી ફોર વોટ’નું નયનરમ્ય દૃશ્ય ઊભું કરીને ઉત્કૃષ્ટ કલાકૃતિ દ્વારા મતદાન જાગૃતિ પ્રસરાવવામાં આવી

આગામી દિવસોમાં યોજાનાર લોકશાહી પર્વ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022 અંતર્ગત અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સેન્ટ એન્સ હાઇસ્કૂલ, સાબરમતી ખાતે ‘My Vote Matters’ સૂત્ર સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં શહેરની વિવિધ શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા માનવ સાંકળ અને મોબાઈલની ફ્લેશ લાઇટથી ‘ગુજરાતનો નકશો’ અને ‘રેડી ફોર વોટ’ની કલાકૃતિ પ્રદર્શિત કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ શિક્ષકો અને કર્મચારીઓએ જમણા હાથમાં મોબાઈલ રાખીને આકાશ તરફ ફ્લેશ લાઇટ કરીને

‘ગુજરાતનો નકશો’ અને ‘હું વોટ કરીશ’ સૂત્રનો નયનરમ્ય એરિયલ વ્યૂ સર્જીને સમાજના દરેક વર્ગ તેમના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે અને નિષ્પક્ષ મતદાન થાય તે માટેનો સંદેશો પ્રસરાવ્યો હતો. ત્યારબાદ સૌ ઉપસ્થિતોએ ગુજરાત ગૌરવ ગીતનું ગાન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને શિક્ષકોને ‘હું ભારતના બંધારણને સાક્ષી માનીને શપથ લઉં છું કે, આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં હું કોઈ પણ ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઈ પણ રીતે પ્રલોભિત થયા સિવાય, અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરને ઊજવીશ’ શબ્દો સાથે અચૂક અને નિષ્પક્ષ મતદાનના સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.

આ મતદાન જાગૃતિ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી અને મતદાન જાગૃતિ અભિયાન-સ્વીપ(SVEEP) મુખ્ય નોડલ શ્રી રોહિતભાઈ એમ. ચૌધરી, સ્વીપના નોડલ ઓફિસર શ્રી જે.કે.પટેલ, સ્વીપના આસિસ્ટન્ટ નોડલ ડૉ. મેહબૂબ કુરેશી, શ્રી ડી.એચ.અમીન સહિત વિવિધ શાળાના શિક્ષકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.