Western Times News

Gujarati News

સખી મતદાન મથકો અને આદર્શ મતદાન મથકો બન્યા આકર્ષણનું કેન્દ્ર !

(માહિતી)વડોદરા, મહત્તમ મતદાન તેમજ વિવિધ વર્ગોના મતદારોને પ્રેરિત તથા સુવિધા આપવા માટે ભારતીય ચૂંટણી પંચે અલગ-અલગ પ્રકારના વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કર્યાં હતા. જેમાં આદર્શ મતદાન મથક, દિવ્યાંગો સંચાલિત પોલીંગ સ્ટેશન, સખી મતદાન મથક, ઈકો ફ્રેન્ડલી મતદાન મથક, યુવા મતદારો સંચાલિત મતદાન મથક વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે શહેરના હરણી વિસ્તારમાં શ્રી મોરારજી દેસાઈ ઈન્સ્ટીટ્યુટ ઓફ નેચરોપેથી એન્ડ યોગીક સાયન્સ મતદાન મથક ખાતે આવેલું આદર્શ મતદાન મથક અને સખી મતદાન મથક મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

આ સખી મતદાન મથકમાં પ્રિસાઈડીંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર સહિતના પોલીંગ સ્ટાફે ગુલાબી રંગનો ડ્રેસ કોડ રાખ્યો હતો. સાથે જ મતદાન મથકને ગુલાબી રંગના દુપટ્ટા અને સાડીઓથી શણગારવામાં આવ્યો હતો. આ ઉપરાંત દિવાલ પર વીરાંગનાઓ અને મહિલા શક્તિની વંદના કરતા ચિત્રો દોરવામાં આવ્યા હતા. સખી મતદાન મથક પર આવા આકર્ષક દ્રશ્યોથી મતદારો કુતૂહલ સાથે અભિભૂત પણ થઈ ગયા હતા.

તો, અહીં આવેલા આદર્શ મતદાન મથકે પણ મતદારોમાં ઉત્કંઠા જગાવી હતી. મતદાન મથક પર જઈને મત આપવો, આ પ્રથા તો સૌ જાણે જ છે. પરંતુ, હરણીનું આ આદર્શ મતદાન મથક એવું હતું કે જ્યાં મતદારોનો ઉત્સાહ તો જળવાઈ જ રહ્યો, સાથે મળી વી.આઈ.પી. સુવિધા અને સજાવટ પણ. અહીં પ્રતિક્ષા કરતા મતદારો માટે બેઠક વ્યવસ્થા હતી, અને ૮૦ વડીલ મતદારો માટે એકદમ આરામદાયક બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વળી, મતદાન મથકની અંદર જાવ તો, દિવાલો પર ગુજરાતની કલા, સંસ્કૃતિ, વારસા અને અસ્મિતાની ઓળખ આપતા ચિત્રોનું પ્રદર્શન મતદારોને ગૌરવાન્વિત કરતા હતા.

શહેરના માંજલપુરમાં આવેલી શ્રેયસ સ્કૂલમાં પણ લગ્નમાં જેમ મંડપ શણગારવામાં આવે તેમ જ મતદાન મથક પરિસરમાં આબેહૂબ લગ્નની થીમ પ્રમાણે શણગાર સજ્જ કરવામાં આવ્યો હતો. જેનાથી મતદારોમાં પણ અનેરૂ આકર્ષણ જામ્યું હતું. મહત્વનું છે કે, વડોદરાની કુલ દસ બેઠકો ઉપર ૭૦ સખી મતદાન કેન્દ્રોમાં મહિલા શક્તિની ગૌરવ વંદના જાેવા મળી તો, શહેર-જિલ્લાના કુલ ૧૦ આદર્શ મતદાન કેન્દ્રમાં સુવિધા અને સજાવટનો અનોખો સમન્વય જાેવા મળવાની સાથે મતદાન કરવાનો શ્રેષ્ઠ અનુભવ વડોદરાના મતદારોને મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.