Western Times News

Gujarati News

અવસર લોકશાહીનો ! – હોસ્પિટલના બેડથી મતદાન મથક સુધીની યાત્રા !

વડોદરા, શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલના મતદાન મથકના પરિસરમાં અચાનક આવીને ઉભી રહેલી એમ્બ્યુલન્સે હાજર મતદારોનું ધ્યાન ખેંચ્યું. એમ્બ્યુલન્સમાંથી પહેલા તો નર્સિંગ સ્ટાફ ઉતર્યો અને પછી ઉતર્યા ૫૬ વર્ષીય વિજયભાઈ પવાર. એમ્બ્યુલન્સ અહીં કેમ ? એ સવાલ સૌ કોઈને મૂંઝવતો હતો. પરંતુ લોકશાહીની ચેતનાના ધબકારે હૃદય રોગના હુમલાની સારવાર લેતા વિજયભાઈએ જ્યારે મતદાન કર્યું, ત્યારે હાજર સૌ કોઈને એક મત અને પોતાના કિંમતી તથા પવિત્ર મતની કિંમત સમજાઈ.
વાત એમ છે કે, વિજયભાઈ પવારને ૪ દિવસ પહેલા હૃદય રોગના હુમલો આવતા, તેમને તાત્કાલિક બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ત્યારબાદ તેઓને એન્જીયોપ્લાસ્ટી નામની સર્જરી પણ કરવામાં આવી. હાર્ટ એટેક બાદ ઓપરેશનના ફક્ત ૩ દિવસ બાદ મતદાન હોવાથી, તેમણે શારીરિક અસમર્થતાને અવગણીને અને હિંમત દાખવીને અત્યંત નાજુક સ્થિતિમાં પણ મતદાન કરવાની મક્કમતા પણ અડગ રહ્યા અને પોતાની નૈતિક ફરજ ન ચૂક્યા. તેમની અડગ ઈચ્છા અને મક્કમ નિર્ણાયકતાના કારણે હોસ્પિટલ તંત્રએ પણ સહમતિ દર્શાવી.

વિષમ સંજાેગ અને પરિસ્થિતિ પર ‘વિજય’ મેળવનાર વિજયભાઈ પવારને એમ્બ્યુલન્સ મારફતે મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ વ્હીલચેર મારફતે મતદાન બુથ સુધી પહોંચ્યા હતા. વિજયભાઈની શારીરિક પરિસ્થિતિની વાત કરીએ તો, મેડિકલ ટીમ તથા જરૂરી સુવિધાઓયુક્ત એમ્બ્યુલન્સ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવતું હતું. પરંતુ વિશેષતા એ છે કે, જીવલેણ હુમલો અને નાજુક પરિસ્થિતિ હોવા છતાં તેઓ પોતાની ફરજ અદા કરવા પરથી ડગ્યા નહીં.

નાદુરસ્તીના સમયે પણ અચૂક મતદાનના સંકલ્પને ભૂલ્યા વિના લોકશાહીના અવસરને વધાવી લીધો, તે જાેઈને ઉપસ્થિત તમામ મતદારો માટે એક અવિશ્વસનીય દ્રશ્ય ઉભું થયું હતું. શારીરિક અસક્ષમતાને બહાનું બનાવી કદાચ વિજયભાઈ મતદાન ન કર્યું હોત. પરંતુ, ‘મત આપીશ જ’ એવા મક્કમ મનોબળને કારણે તેમણે મતદાન સંકલ્પને સાર્થક કર્યો હતો. આળસ, નિરસતા અને ઉદાસીનતા કારણે ઘરે બેસીને મતદાન માટે ન થતા કથિત રીતે બૌદ્ધિક મતદારોને વિજયભાઈએ ક્યારેય ન ભૂલાય તેવો સંદેશ ચોક્કસથી આપી દીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.