Western Times News

Gujarati News

પેટલાદના ધારાસભ્યની અધુરો બ્રીજ પૂર્ણ કરવા રજૂઆત

વિભાગો સાથે સંકલન કરી કામ શરૂ કરવા આદેશ

પેટલાદ, પેટલાદમાં એમજીવીસીએલ પાસે એલસી ર૮ નંબરની ફાટક ઉપર પાંચ વર્ષ અગાઉ ઓવરબ્રિજનું કામ શરૂ થયું હતુ. આ કામ શરૂ થયા બાદ ગણતરીના મહિનાઓમાં કોઈપણ કારણસર સ્થગિત થઈ ગયું હતુ. જેને કારણે શહેર અને તાલુકાની પ્રજા ભારે હાડમારી ભોગવી રહી હતી. આ બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ થાય તે માટે અનેક સંગઠનો અને પ્રજા દ્વારા આવેદનપત્ર અને આંદોલન થકી ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી હતી.

છતા આ બ્રિજનું અધુરૂ કામ પૂર્ણ કરવામાં ભાજપ કે કોંગ્રેસના કોઈ નેતાને રસ નહી હોવાની વાત ચર્ચાસ્પદ બની હતી. પરંતુ તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં પેટલાદના ધારાસભ્યએ આ અધુરા બ્રીજને વહેલીતકે પૂર્ણ કરવા વહિવટી તંત્રને તાકીદ કરી વિકાસલક્ષી કામોનો શુભારંભ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદમાંથી ખંભાત નડિઆદ રાજ્ય ધોરીમાર્ગ નંબર ૭૬ પસાર થાય છે. આ ધોરીમાર્ગ ઉપર એમજીવીસીએલ કચેરી પાસે આણંદ ખંભાતની ડેમુ ટ્રેનની એલસી ર૮ નંબરની ફાટક આવેલ છે. આ ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા રાજ્ય સરકારે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂર કર્યો હતો.

આ બ્રિજનું કામ જૂલાઈ ર૦૧૭માં શરૂ થયુ હતુ જેથી આ ફાટક પાસેના ટ્રાફિકને જીઆઈડીસી તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતુ. જેને કારણે આ વિસ્તારના લોકો, શાળાના વિદ્યાર્થીઓ અને કેટલીક કચેરીઓના કર્મચારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જેથી ફાટકની બાજુમા પૂર્ણાનંદ આશ્રમની સામે આવેલ ગરનાળા નીચેથી ટુ-વ્હિલર અને રાહદારીઓ માટે કામચલાઉ રસ્તો બનાવી આપ્યો હતો. પરંતુ ચોમાસાના સમયે ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. તેમાય ગણતરીના મહિનાઓમાં જ બ્રિજનું કામ કોઈપણ કારણોસર સ્થગીત થઈ ગયું હતુ.

જેથી શહેર અને તાલુકાની પ્રજાને વધુ હાડમારી ભોગવવાનો વારો આવ્યો હતો. આ અંગે અવાર નવાર રેલ્વે, માર્ગ મકાન, પ્રાંત અધિકારી સહિત ઉચ્ચકક્ષા સુધી મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ પણ અધુરા બ્રિજનું કામ શરૂ નહી થતા પ્રજાને આંદોલનનો સહારો લેવો પડ્યો હતો. આ આંદોલનમા શહેરીજનો, ગ્રામજનો, સોસાયટી વિસ્તારના રહિશો, વિદ્યાર્થીઓ વગેરે જાેડાયા હતા.

આ બ્રિજનું કામ પુનઃ શરૂ કરવા અધિકારીઓ સાથે બેઠકો પણ યોજાઈ હતી. છતા સરકાર દ્વારા અધુરો બ્રિજ પૂર્ણ કરવા અત્યાર સુધી કોઈ જ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી. ગત વર્ષે નવેમ્બર ર૦ર૧માં આણંદ જીલ્લા ભાજપના તત્કાલિન પ્રમુખ વિપુલ પટેલે પણ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ આ બ્રિજ અંગે કઈ જ ઘટતુ કરવામાં આવ્યું ન હતુ.

અંતે જ્યારે વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું ત્યારે સરકાર દ્વારા અધુરા બ્રિજને પુરો કરવા રૂા.૩૧.૭૭ કરોડના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ પડતાં કામ શરૂ થઈ શક્યું ન હતું. હવે જ્યારે વિધાનસભા ચૂંટણી સંપન્ન થઈ જતાં પેટલાદના નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય કમલેશ પટેલે આ અંગે વહિવટી તંત્રને રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.

આ સંદર્ભે ધારાસભ્ય કમલેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે મેં પેટલાદ પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાનીને રૂબરૂ રજૂઆત કરી છે કે સૌથી પહેલા આ અધુરા બ્રીજનું કામ વહેલામા વહેલા શરૂ કરો. જે તે વિભાગો સાથે સંકલન કરવાની જરૂર પડે તે કરી બ્રીજનું કામ પુનઃ શરૂ કરાવો. જે માટે આગામી એક મહિનામાં કામ શરૂ થવા પ્રાંત અધિકારીએ બાંહેધરી આપી હોવાનું ધારાસભ્યએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પેટલાદ બેઠક ઉપર વીસ વર્ષ બાદ ભાજપના ધારાસભ્ય ચૂંટાયા છે, રાજ્ય અને કેન્દ્રમાં પણ સરકાર ભાજપની છે. જેથી પેટલાદ વિધાનસભા મતવિસ્તારના લોકોને સર્વાંગી વિકાસની ખૂબ મોટી અપેક્ષાઓ હોવાનુ જાણવા મળે છે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.