Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમદાવાદના કાગડાપીઠમાં એક યુવક પર અજાણ્યા શખસોનો જીવલેણ હુમલો

અમદાવાદ, અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં એક યુવક પર ૩થી ૪ લોકોએ હુમલો કર્યો હતો. ત્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, ઘટનાની વાત કરીએ તો ફરિયાદી દિનેશભાઈ પરિવાર સાથે રહે છે અને પાન પાર્લર ચલાવે છે. ફરિયાદી અને તેમના ભાઈ ઉપર-નીચેના ઘરમાં રહે છે.

ફરિયાદીના પુત્ર અને નજીકમાં રહેતી એક યુવતી છેલ્લા ૩ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. પરંતુ આ બાબતની જાણ યુવતીના પિતાને થતા એક મહિના પહેલાં પ્રેમસંબંધ તોડી નાંખવામાં આવ્યો હતો.આ પ્રેમસંબંધ દરમિયાન યુવકે યુવતીને ગિફ્ટ આપી હતી તે પરત આપવા માટે સમાધાનની વાત થઈ હતી અને તે પ્રમાણે ફરિયાદીની દુકાને યુવતીના પિતાના મિત્રનો ફોન આવ્યો હતો.

તેણે દુકાને આવીને કહ્યુ હતુ કે, વસ્તુઓ પાછી આપી દેવામાં આવશે અને બિલ લેતા આવજાે. ગઈકાલે ફરિયાદીના ભાઈનો પુત્ર આવ્યો હતો અને કહ્યુ હતુ કે, તમને કોઈ મળવા આવ્યું છે અને બોલાવે છે. તેથી નીચે ગયા તો કમલેશ સહિત અન્ય ૨-૩ લોકો હાજર હતા. ત્યારબાદ તે લોકો વાત કરવાનું કહીને બહાર લઈ ગયા હતા અને ત્યાં ઘેરીને માર મારવા લાગ્યા હતા.હુમલા દરમિયાન કમલેશ નામના શખસ પાસે છરી હતી, જેનાથી તેણે ગાલ સહિત અન્ય ભાગ પર હુમલો કર્યો હતો.

ફરિયાદીના સગાને આ ઘટનાની જાણ થતા જ તેઓ બચાવવા માટે દોડી આવ્યા હતા. ત્યારે માર મારતા આરોપીઓએ પરિવારજનો પર પણ હુમલો કર્યો હતો. ત્યારે તાત્કાલિક ૧૦૮ને બોલાવવામાં આવી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers