Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રાજકોટમાં પ્રેમીએ લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું

રાજકોટ, રાજકોટમાં રહેતી મૂળ કેશોદ પંથકની યુવતીએ રાજકોટ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલ ગોવર્ધન ચોકમાં રહેતા નિરવ નામના યુવકે લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં આ સાથે યુવકના માતા-પિતાએ પણ યુવતીને ઘરે બોલાવી મોબાઈલ ચાર્જિંગ કરવાના વાયરથી ગળેટૂંપો આપવાનો પ્રયાસ કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભોગ બનનાર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલ ગોવર્ધન ચોક પાસે સુખસાગર સોસાયટી શેરી નં. ૫માં રહેતા નિરવ પરેશભાઈ ધંધુકીયા સાથે તેને પ્રેમસંબંધ બંધાતા બન્ને પ્રથમ ફોન પર વાતચીત કરતા અને પછી રૂબરૂ મળવા લાગ્યા હતા. દરમિયાન આરોપી નિરવે યુવતીને લગ્ન કરવાનો ભરોસો આપ્યો હતો. આથી વિશ્વાસ મૂકી નિરવને જ પોતાનું સર્વસ્વ માની લેતા આરોપીએ અવારનવાર યુવતી સાથે શરીર સુખ માણ્યુ હતું.

જાે કે, એક દિવસ નિરવે યુવતીને કહી દીધું હતું કે, મારા મમ્મી-પપ્પા લગ્ન માટે માનતા નથી. આથી તેણે નિરવને લગ્ન માટે મનાવવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન ગઈકાલે રવિવારે રાત્રે નિરવે યુવતીને પોતાના ઘરે બોલાવી હતી. અહીં નિરવના પિતા પરેશભાઈ ધંધુકીયા અને માતા ભારતીબેન હાજર હતા. તેણે નિરવ સાથે સંબંધ તોડી નાખવા દબાણ કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ યુવતીના ગળામાં મોબાઈલના ચાર્જિંગ કેબલથી ગળેફાંસો આપવા પ્રયત્ન કર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો કહ્યા હતા. માર મારતા યુવતીને આંખ પાસે અને નાકના ભાગે ફેક્ચર થયું હતું.

મોઢામાં, હોઠ પર, દાંતમાં, ઘૂંટણમાં અને પગના પંજામાં ઈજા પહોંચી હતી. યુવતી તત્કાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ હતી અને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આથી તાલુકા પોલીસે પ્રેમી યુવક નિરવ, તેના પિતા પરેશભાઈ અને માતા ભારતીબેન સામે IPC કલમ ૩૭૬ (૨) (એન) ૩૨૩, ૩૨૫, ૧૧૪ અને એટ્રોસિટી એક્ટની કલમ-૩ (૨) ૫, ૩ (૧) ડબલ્યુ, ૩(૧) ચાર મુજબ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.કેશોદ પંથકની યુવતી રાજકોટમાં નર્સિંગનો અભ્યાસ કરવા આવી હતી અને અહીં રહી તેણે નર્સિંગનો અભ્યાસ કર્યો હતો.

હાલ બીએસસીનો અભ્યાસ કરી રહી છે. દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય થયાની જાણ થતા તેના પરિવારજનો પણ રાજકોટ દોડી આવ્યા હતાં.યુવતીના કોઈ સગા મેટોડા રહેતા હતા. આથી યુવતી શનિ-રવિ ત્યાં રોકાવા જતી હતી. દરમિયાન નિરવ કસ્ટ્રક્શનનો ધંધાર્થી હોય તેની એક બાંધકામ સાઈટ મેટોડામાં યુવતીના સગા જ્યાં રહેતા તેના ઘરની સામે જ ચાલતી હતી. આથી યુવતી સાથે આંખ મળતા પ્રેમજાળમાં ફસાવી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને બાદમાં લગ્નની ના પાડી દીધી હતી.

ભોગબનનાર યુવતીને માર મરાતા તે હોસ્પિટલમાં દાખલ થઇ હતી અને ત્યાંથી જ તેણે પોતાની આપવીતી પોલીસને જણાવી હતી. જેમા યુવક અને યુવતી બન્ને અલગ-અલગ જ્ઞાતિના છે. યુવકે ભરોસો અપાવ્યો હતો કે તે તેની સાથે લગ્ન કરશે. પરંતુ જ્યારે યુવકે તેના માતા-પિતાને વાત કરી ત્યારે માતા-પિતાએ યુવતીની જ્ઞાતિ અલગ હોવાથી લગ્નની ના પાડી દીધી હોવાનું જણાવ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers