Western Times News

Gujarati News

નવી મંત્રીમંડળમાં અગાઉના ૧૦ મંત્રીનાં પત્તાં કપાયા

જીતુ વાઘાણી, હાર્દિક, અલ્પેશ ઠાકોરનો સમાવેશ ન કરાયો -શંકર ચૌધરી, રમણભાઈ વોરા અથવા ગણપત વસાવાને વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાય તેવી શક્યતા

ગાંધીનગર,  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક વિજય પછી આજે ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળે શપથ લીધા છે. નવા મંત્રીમંડળમાં કેટલાક મોટા ફેરફારો થશે તે નક્કી હતું જેમાં ભુપેન્દ્ર પટેલની અગાઉની ટીમના ૧૦ મંત્રીઓના પત્તા કપાઈ ગયા છે. એટલું જ નહીં આ વખતે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે તેવી અટકળો ચાલતી હતી. પરંતુ એવું કંઈ થયું નથી.

ભુપેન્દ્ર પટેલના પ્રથમ મંત્રીમંડળમાં સામેલ હોય પરંતુ આ વખતે સ્થાન મળ્યું ન હોય તેવા લોકોનો વિચાર કરીએ તો તેમાં જીતુ વાઘાણીનું નામ સૌથી ઉપર આવે છે. અગાઉની સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું પત્તું આ વખતે કપાઈ ગયું છે. તેવી જ રીતે નવા મંત્રીમંડળમાં પૂર્ણેશ મોદી, કિરીટસિંહ રાણા, અર્જુનસિંહ ચૌહાણ, જીતુ ચૌધરીના નામ પણ ગેરહાજર છે.

તેવી જ રીતે મનીષા વકીલ, નિમિષા સુથાર, ગજેન્દ્રસિંહ પરમાર, વિનુ મોરડિયા, દેવા માલમ જેવા નેતાઓ ગઈ સરકારમાં મંત્રી પદ ધરાવતા હતા, પરંતુ આ વખતે તેમની વિકેટ પડી ગઈ છે.

આ વખતે શંકર ચૌધરી, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જયેશ રાદડિયાને સમાવવામાં આવશે તેવી વાતો બે-ત્રણ દિવસથી વહેતી થઈ હતી. પરંતુ તેમને મંત્રીમંડળમાં સામેલ કરાયા નથી. રમણભાઈ વોરા, ગણપત વસાવાના નામ પણ બહુ ગાજ્યા હતા પરંતુ તેમને શપથ લેવડાવવામાં આવ્યા નથી. શંકર ચૌધરી, રમણભાઈ વોરા અથવા ગણપત વસાવાને વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે.

નવી સરકારમાં એકમાત્ર મહિલા મંત્રી તરીકે ભાનુબેન બાબરિયાનો સમાવેશ કરાય છે. સૌરાષ્ટ્રમાંથી ચાર કેબિનેટ મંત્રીઓ તરીકે રાઘવજી પટેલ, મુળીભાઈ બેરા, કુંવરજી બાવળિયા અને ભાનુબેન સામેલ છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાના એક મંત્રી પરસોતમ સોલંકીનો સમાવેશ કરાયો છે.

રાજ્યના ૧૨ જિલ્લામાંથી આ મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ અપાયું છે. આ વખતે ૧૬ મંત્રીઓ અને એક મુખ્યમંત્રી સહિત ૧૭ વ્યક્તિનું કોમ્પેક્ટ મંત્રીમંડળ બન્યું છે. તેથી આગામી દિવસોમાં કેટલાક ચહેરાઓને સામેલ કરવામાં આવે અને મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા છે.

ભુપેન્દ્ર પટેલની બીજી વખતની સરકારમાં ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, કુબેર ડિંડોર, જગદીશ પંચાલ, મુકેશ પટેલ અને હર્ષ સંઘવીને બીજી વખત મંત્રીપદ આપવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.