Western Times News

Gujarati News

એએમટીએસની સ્પેશિયલ સેવા : શ્રદ્ધાળુઓ રૂ.૧૦નું ભાડું ચૂકવી પ્રમુખસ્વામીનગર સુધી જઈ શકશે

પ્રતિકાત્મક

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે ૧પ૦થી વધુ બસ ફાળવાશે

(એજન્સી) અમદાવાદ, શહેરના એસપી રિંગરોડ પર ઓગણજ પાસે ભવ્યાતિભવ્ય એવો સંત શીરોમણિ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે આ દિવ્ય મહોત્સવ માટે સાયન્સ સિટી ઓગણજ વચ્ચે એસપી રિંગરોડ પર ૬૦૦ એકર જેટલી વિશાળ જમીન પર વિરાટ એવું સ્વામિનારાયણ નગર ઉભું કરાયું છે. આવા અનેરા મહોત્સવને હરખભેર વધાવવા માટે એએમટીએસ પણ સજ્જ બન્યું છે અને હજારો હરિભક્તો તેમજ નાગરિકોની અવરજવર માટે ૧પ૦થી વધુ બસ વ્યવસ્થાના ભાગરૂપે ફાળવી છે.

એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલે આ અંગેની માહિતી આપતા કહે છે કે શહેરમાં આવેલા ચાણક્યપુરી, ગોતા, અડાલજ, બોપલ સહિતના સ્થળોની વિવિધ સ્કીમોમાં રોકાયેલા ર૧,૭૧૭ સ્વયંસીેવકોને પ્રમુખસ્વામી નગર સુધી પિકઅપ અને ડ્રોપિંગની સુવિધા એએમટીએસ બસ પૂરી પાડશે. સવારના પ.૩૦ વાગ્યાથી સવારના ૮.૦૦ વાગ્યા સુધી અને રાતના ૮.૦૦ વાગ્યાથી રાતના ૧૧.૦૦ વાગ્યા સુધી સ્વયંસેવકોને આ સુવિધા મળનાર હોઈ તે માટે પ્રમુખસ્વામી મહારાજની સંસ્થા દ્વારા પ્રતિ દિવસનું રૂ.પ,૦૩,૦૪૦નું ભાડું તંત્રને ચુકવાશે. આ માટે ૧પ૦ બસ મુકાશે, જે દિવસના ભાગના નાગરિકોની અવરજવરમાં ઉપયોગમાં લેવાશે.

સવારના ૧૧.૩૦ વાગ્યાની બીજી પાળીમાં વિવિધ સ્થળોએ રોકાયેલા ૭૦૬૮ સ્વયંસેવકો માટે ૩ર બસ દ્વારા પિકઅપની સુવિધા અપાશે, જે માટે બસદીઠ પ્રતિ દિવસના રૂ.૯૪,પ૬૦નું ભાડું લેવાશે. શહેરના કાલુપુર, સાબરમતી, મણિનગર રેલવે સ્ટેશનથી પ્રમુખસ્વામી નગર ખાતે જવા-આવવા માટે જરૂરિયાત મુજબ બસની વ્યવસ્થા કરાશે. ઉપરાંત ગીતામંદિર, રાણીપ, કૃષ્ણનગર, ઝાંસીની રાણીથી પ્રમુખસ્વામી નગર ખાતે આવવા-જવા માટે પણ જરૂરિયાત મુજબ બસની વ્યવસ્થા કરાઈ છે તેમ પણ એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલ વધુમાં જણાવે છે.

લાલ દરવાજા, વાડજ, વાસણા, સારંગપુર, કાલુપુર વગેરે ટર્મિનલથી ઉપડતી બસમાં આવનારા દર્શનાર્થીઓ માટે બોપલના વકીલબ્રિજથી પ્રમુખસ્વામી નગર સુધી શટલ બસ સર્વિસ દોડાવાશે તેમ જણાવતા ચેરમેન પટેલ વધુમાં કહે છે, આ માટે દર્શનાર્થી પાસેથી રૂ.૧૦ જેટલુ ભાડું લેવાશે.

એએમટીએસના સત્તાવાળાઓએ વૈષ્ણોદેવીથી પ્રમુખસ્વામી નગર વચ્ચે પણ શટલ બસ સર્વિસ દોડતી કરવાની શકયતા વ્યકત કરી છે. આ બંને રૂટ પર દર્શનાર્થીઓના ધસારા મુજબ બસ મુકાશે. શહેરમાં આવેલી વિવિધ સ્વામિનારાયણ સંસ્થાઓથી દર્શનાર્થીઓને પ્રમુખસ્વામી નગર ખાતે આવવા-જવા માટે પ્રતિ બસ રૂ.૪૦૦૦ના ભાડેથી બસ ફાળવાશે. ઉપરાંત વિવિધ વિસ્તારોમાંથી પ્રમુખસ્વ્મી નગરના દર્શન કરવા આવાવ માગતા શ્રદ્ધાળુઓને પણ પ્રતિ બસ રૂ.૪૦૦૦ના ભાડાથી અપાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.