Western Times News

Gujarati News

રાજપીપલાની સરકારી હાઈસ્કૂલ ખાતે કિશોરી મેળાને ખૂલ્લો મુકતાં ડૉ.દર્શનાબેન દેશમુખ

વિદ્યાર્થી જીવનમાં જેટલું મેળવશો અને કેળવાશો તેટલું જ જીવનને વધુ સાર્થક બનાવી શકશો ઃ ડૉ.દર્શનાબેન દેશમુખ

(માહિતી) રાજપીપલા, યુનિસેફ ગુજરાત અને ચાઈલ્ડ રાઈટ્‌સ એન્ડ યુ ભારતના ઉપક્રમે નર્મદા જિલ્લાના વડામથક રાજપીપલાની સરકારી હાઇસ્કૂલ ખાતે નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં કિશોર-કિશોરીઓના સશક્તિકરણ અને બાળલગ્ન અટકાવો કાર્યક્રમ અંતર્ગત કિશોરી મેળાનું ઉદધાટન કરવામાં આવ્યું હતું.

સરકારી હાઇસ્કૂલ રાજપીપલાના પ્રાર્થના ખંડમાં યોજાયેલા ઉદધાટન કાર્યક્રમમાં કિશોર-કિશોરીઓ અને અન્ય ઉપસ્થિતોને સંબોધતા ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, દિકરીઓ આજે શિક્ષણના માધ્યમથી વિવિધ ક્ષેત્રમાં નેતૃત્વ કરી ગામ અને દેશનું નામ રોશન કરી રહી છે. દિકરીઓએ ડર રાખ્યા વિના હિંમતથી જીવનમાં આગળ વધી પોતાના ભવિષ્ય અને દેશને સમૃધ્ધ બનાવવા માટે સહયોગ આપવાનો છે.

તેના માટે વિદ્યાર્થી જીવનમાં જેટલું મેળવશો અને કેળવાશો તેટલું જ જીવનને વધુ સાર્થક બનાવી શકશો. કારણ કે શિક્ષણ એ દુનિયામાં સૌથી મોટુ શસ્ત્ર છે, તેમ તેઓશ્રીએ ઉમેર્યું હતું. નર્મદા જિલ્લા સહિત ગુજરાતના ૧૧ જિલ્લાઓમાં કિશોરી-કિશોરીઓના સશક્તિકરણ અને બાળ લગ્ન અટકાવવા માટેનો કાર્યક્રમ અમલમાં છે, ત્યારે રાજપીપલા ખાતે કિશોરી મેળાના આયોજનના ભાગરૂપે આગલા દિવસે સરકારી હાઇસ્કૂલમાં ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં વિજેતા થયેલી વિદ્યાર્થીનીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુરસ્કાર એનાયત કરાયાં હતા.

ત્યારબાદ શાળા કેમ્પસમાં ઉભા કરાયેલા વિવિધ સ્ટોલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા આરોગ્ય વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોર-કિશોરીઓને લગતી વિવિધ યોજનાકીય માહિતીઓ અને પૌષ્ટિક આહારને ધ્યાનમાં રાખીને આંગણવાડીની બહેનો દ્વારા ઉભા કરાયેલા ફુડ સ્ટોલની ધારાસભ્ય ડૉ.દેશમુખ અને અન્ય મહાનુભાવોએ નિરીક્ષણ કરી જરૂરી પૃચ્છા કરી હતી. સાથોસાથ શાળાની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ પણ સ્ટોલની મુલાકાત લઇ હેલ્થ ચેકઅપ કરાવવાની સાથે વિવિધ સરકારી યોજનાઓ વિષે માહિતી મેળવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.