Western Times News

Gujarati News

નાતાલમાં ઈ-કોમર્સ કંપનીઓ આ વસ્તુઓનો ઓનલાઇન ઓર્ડર લઈ શકશે નહિં

નાતાલ તથા નવા વર્ષની ઉજવણી અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું

આગામી તા:૨૫/૧૨/૨૨ના રોજ નાતાલ (ક્રિસમસ) તથા તા:૩૧/૧૨/૨૨ થી તા:૦૧/૦૧/૨૦૨૩ના રોજ નવા વર્ષની ઉજવણી દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે અમદાવાદ શહેર વિસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા વપરાશ ઉપર નિયંત્રણ મુકવું ઇષ્ટ જણાય છે.

આથી, હું સંજય શ્રીવાસ્તવ, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, ગુજરાત સરકારના ગૃહવિભાગના તા ૦૮/૧૧/૧૯૮૨ના નોટીફિકેશન નંબર : જીજી/૪૨૨/સીઆરસી/૧૦૮૨/એમ તથા ગૃહ વિભાગના તા ૦૭/૦૧/૧૯૮૯ના સંકલિત જાહેરનામા નં : જીજી/ફકઅ/૧૦૮૮/૬૭૫૦/મ અન્વયે મને મળેલ સત્તાની રૂએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને- ૧૯૭૩(૧૯૭૪ના નં-૨)ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ સને-૧૯૫૧ ની કલમ ૩૩ (૧) (b), કલમ ૩૩ (૧) (u) મુજબ અમદાવાદ કમિશ્નરેટ વિસ્તારમાં ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ફટાકડા ફોડવા અંગે નીચે મુજબની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવા માટે ફરમાવું છું.

(૧) નાતાલ (ક્રિસમસ) ઉજવણી તા:૨૪/૧૨/૨૦૨૨ની રાત્રીના કલાક ૨૩:૫૫ થી તા.૨૫/૧૨/૨૦૨૨ના કલાક ૦૦:૩૦ તથા નવા વર્ષની ઉજવણી અંતર્ગત તા:૩૧/૧૨/૨૦૨૨ની રાત્રીના કલાક ૨૩:૫૫ થી તા:૦૧/૦૧/૨૦૨૩ના કલાક ૦૦:૩૦ સુધીમાં જ ફટાકડા ફોડી શકાશે.

(૨) સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લુમ) (Series Cracker or Laris)થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી, ફોડી શકાશે નહિ કે વેચાણ કરી શકાશે નહિ.

(૩) હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર(૧૨૫ ડેસીબલ યુનિટ અથવા ૧૪૫ ડેસીબલ(સી) પી.કે.થી ઓછો અવાજ પેદા કરે તેવા) તેમજ ઓછા એમિશન ઉત્પન કરે તેવા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોક્સ ઉપર “PESO સુચના પ્રમાણેનુ” માર્કિંગ હોવું ફરજીયાત છે.

(૪) હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણીક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવે છે અને ત્યાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહિ.

(૫) વિદેશી ફટાકડાની આયાત પ્રતિબંધિત ધોષિત થયેલ છે. જેથી કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહિ, રાખી શકાશે નહિ કે વેચાણ કરી શકાશે નહિ.

(૬) ફ્લીપકાર્ટ, એમેઝોન સહીતની કોઈ પણ ઈ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઈ શકાશે નહી કે ઓનલાઇન વેચાણ કરી શકાશે નહી.

(૭) લોકોને અગવડ ઊભી ન થાય કે, કોઈપણ ભયજનક પરિસ્થિતનું નિર્માણ ન થાય તે માટે અમદાવાદ શહેરના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી. બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇમથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહી.

(૮) કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/આતશબાજ બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહિ તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહિ.

(૯) નાતાલ (ક્રિસમસ) તથા નવા વર્ષની ઉજવણી દરમ્યાન પ્રદુષણનું પ્રમાણ વધે નહીં તે માટે નામ. સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડીયાના આદેશ મુજબ બેરીયમના ઉપયોગ પર પ્રતિબંધ મુકેલ છે, જેથી માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા GREEN FIRE CRACKERS (ગ્રીન ફાયર ક્રેક્સે) નો વેચાણ તથા ઉપયોગ કરી શકાશે.

આ જાહેરનામું અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીના હકુમત હેઠળનો સમગ્ર વિસ્તારમાં લાગુ રહેશે. આ જાહેરનામાનો અમલ તારીખ: ૨૩/૧૨/૨૦૨૨, કલાક ૦૦/૦૦થી તા ૦૨/૦૧/૨૦૨૩, કલાક:૨૪/૦૦ સુધી રહેશે.

આ હુક્મ અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-૧૮૮ અને અન્ય કાનુની જોગવાઈઓ સહીત જી.પી.એક્ટની કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.