Western Times News

Gujarati News

દેશને 5 ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવાના લક્ષ્યને સિદ્ધ કરવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યોગદાન આપે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સીએ સ્ટુડન્ટ્સ માટે અમદાવાદમાં આયોજીત નેશનલ કોન્ફરન્સ – ૨૦૨૨માં પ્રેરક ઉપસ્થિતિ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં દેશ અને રાજ્યને અમૃતકાળમાં વિકાસની નવી ઊંચાઇઓ સર કરાવવાનું રાષ્ટ્રનિર્માણ દાયિત્વ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સમુદાય નિભાવે:-મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન

ટેક્ષ માત્ર કાયદો કે નિયમ નહિ, પરંતુ રાષ્ટ્રના વિકાસમાં આપણો સહયોગ છે એવો રાષ્ટ્રહિત ભાવ સમાજમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જગાવે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સી.એ પ્રોફેશનલ્સ અને સી.એ સ્ટુડન્ટસને આહવાન કર્યુ છે કે, દેશના અમૃતકાળમાં ભારત અને ગુજરાતને વિકાસની નવી ઊંચાઇઓ સર કરાવવાનું રાષ્ટ્રનિર્માણ દાયિત્વ તેઓ નિભાવે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત આજે વિશ્વનું પાંચમા ક્રમનું અર્થતંત્ર બન્યું છે.

આપણું લક્ષ્ય ભારતને ફાઇવ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવાનું છે તે સિદ્ધ કરવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિષ્ઠાપૂર્વક યોગદાન આપી શકે તેમ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં  સીએ સ્ટુડન્ટ્સ માટે આયોજીત નેશનલ કોન્ફરન્સ – ૨૦૨૨માં સંબોધન કરી રહ્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આજે અનેક ક્ષેત્રોમાં ઘણી બધી વિકાસ તકોનું નિર્માણ થયું છે અને આ તકનો લાભ સૌએ લેવો જોઇએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં વિકાસની રાજનીતિનો પ્રારંભ કર્યો છે અને આ વિકાસની રાજનીતિને કારણે આજે ગુજરાત દેશમાં નંબર વન અને ગ્રોથ એન્જિન બન્યું છે. એટલું જ નહીં, ગુજરાતનું વિકાસ મોડલ દુનિયામાં વખણાઇ રહ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વૈશ્વિક ઇમેજને કારણે આજે વિશ્વના અન્ય દેશો ભારતમાં રોકાણ કરવા આવી રહ્યા છે અને ભારતમાં આવ્યા બાદ તેઓની પ્રથમ પસંદગી ગુજરાત હોય છે એ આપણા સૌ માટે ગર્વની વાત છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્ટુડન્ટસને પ્રેરણા આપતાં જણાવ્યું કે, ટેક્સ એ માત્ર નિયમ કે કાયદો નહિ, પરંતુ રાષ્ટ્રના વિકાસમાં આપણો સહયોગ છે એવો રાષ્ટ્રહિત-સમાજહિત ભાવ સમાજમાં ઊજાગર કરવામાં આ યુવાશક્તિ અગ્રેસર બનીને દેશને વૈશ્વિક વિકાસ તરફ લઇ જઇ શકે તેમ છે.

આ અવસરે ICAIના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અનિકેત તલાટી, ચેરમેન શ્રી બિશન શાહ, સેક્રેટરી શ્રી નિરવ અગ્રવાલ, WICASAના પ્રેસિડન્ટ અને ચેરમેન શ્રી, રિજનલ  કાઉન્સીલના મેમ્બર્સ તેમજ મોટી સંખ્યામાં સીએ સ્ટુડન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.