Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઓવરસ્પીડિંગ માટે પંતને બે વખત અપાયો હતો ટ્રાફિક પોલીસ દ્વારા મેમો

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતનો શુક્રવારે વહેલી સવારે દિલ્હી-દહેરાદૂન હાઈવે પર અકસ્માત થઈ ગયો. હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈને તેમની કાર રોંગ સાઈડમાં જઈને પડી અને તેમાં આગ લાગી ગઈ. અકસ્માતમાં પંતનો જીવ તો બચી ગયો, પરંતુ તેને ઘણી ઈજાઓ થઈ છે. પંતે જણાવ્યું કે, ઝોકું આવી જતા કાર પરથી નિયંત્રણ ગુમાવી દીધું અને અકસ્માત થઈ ગયો.

અકસ્માતના જે સીસીટીવી સામે આવ્યા છે, તેમાં જાેવા મળી રહ્યું છે કે, પંતની કાર ઘણી સ્પીડમાં હતી. જાેકે, ગત દિવસોમાં ઓવરસ્પીડમાં વાહન ચલાવવાના કારણે પંતને ઉત્તર પ્રદેશમાં બે મેમા પણ મળી ચૂક્યા છે.

ઉત્તર પ્રદેશ આરટીઓ દ્વારા પંતને મેમા ભરવા માટે નોટિસ પણ મોકલાઈ હતી. આરટીઓ મુજબ, આ વર્ષે ૨૨ ફેબ્રુઆરીની રાત્રે ૧૧.૩૦ કલાકે રિષભ પંતની મર્સિડીઝ કારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ઓવરસ્પીડમાં દોડતી કાર રોડ પર લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેને લઈને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત પંતના નામે ૨૦૦૦ રૂપિયાનો મેમો મોકલાયો હતો, જે આજે પણ પેન્ડિંગ છે.

તે ઉપરાંત, ગત ૨૫ મેની સાંજે ૫ કલાકે ક્રિકેટરની આ જ કારે ફરીથી સ્પીડ લિમીટનું ઉલ્લંઘન કર્યું હતું. ફરી કાર માલિક પંતને ૨૦૦૦ રૂપિયાનો દંડ ભરવા નોટિસ મોકલાઈ હતી. યુપી સરકારના પરિવહન વિભાગ મુજબ, વાહન માલિક તરફથી હજુ સુધી આ બે મેમા ભરવામાં આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, રિષભ પંત દિલ્હીથી કાર ચલાવીને રુડકીમાં આવેલા પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે તેની કારને અકસ્માત થયો હતો. પંત પોતે જ કાર ચલાવી રહ્યો હતો.

આ અકસ્માત રુડકી પાસે મોહમ્મદપુર જાટ પર થયો. અકસ્માત બાદ પંત કારનો કાચ તોડીને બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો. તેમાં સ્થાનિક લોકોએ તેને મદદ કરી હતી. તે પછી કારમાં આગ લાગી ગઈ હતી અને તેમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

પંતને કારમાંથી બહાર કઢાયા બાદ સ્થાનિક લોકોએ ૧૦૮ નંબર પર કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી અને રુડકીની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

ત્યાંથી પંતને દેહરાદૂની મેક્સ હોસ્પિટલ રેફર કરી દેવાયો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે, રિષભ પંતના માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે. તેની હાલત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, પંતને પહેલા પણ પગમાં ઈજા થઈ હતી. એ કારણે બીસીસીઆઈએ તેને શ્રીલંકા સામેની સીરિઝમાં આરામ આપી સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટે એનસીએ મોકલ્યો હતો.

પંતને નડેલા આ અકસ્માત બાદ તેનો અને શિખર ધવનનો ત્રણ વર્ષ જૂનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિખર ધવન તેને કાર ધીમે ચલાવવા સલાહ આપી રહ્યો છે. જાે પંતે તેની વાત માની લીધી હોત તો કદાચ આજે તેને આ અકસ્માત ન થયો હોત.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers