Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના યુથ ગૃપે અપરાજિતા કાર્યક્રમનો કર્યો શુભારંભ

પ્રતિનિધિ.મોડાસા. પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી કહેતા કે પીડીત માનવતાની સેવા એ જ સાચી ઉપાસના છે. આ વાક્યને ચરિતાર્થ કરવા ગાયત્રી પરિવાર યુથ ગૃપ-જીપીવાયજી, મોડાસાએ જાન્યુઆરી ૨૦૨૩ના પ્રથમ દિવસે પોતાના નવા રચનાત્મક કાર્યક્રમનો પ્રારંભ કર્યો. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં મોડાસા તેમજ આસપાસના ક્ષેત્રમાં છેલ્લા ૮૦ અઠવાડિયાથી વૃક્ષોનું વાવેતર – “મારું ઘર- મારું વૃક્ષ” નામે પર્યાવરણ બચાવ ઝુંબેશ આ યુવાનો કરે છે. એની સાથે સાથે યુવાનોમાં સદ્વ્‌યવહાર જાગૃતિ માટે “વિચાર-ધારા” કાર્યક્રમ ચલાવી રહેલ છે. હવે “અપરાજિતા” નામનો ગરીબ જરૂરિયાતમંદોને સહાયરૂપ થવાના કાર્યક્રમનો શુભારંભ કર્યો છે.

અપરાજિતા કાર્યક્રમના શુભારંભમા આજે આ જીપીવાયજી, મોડાસાના યુવાનોએ હાલની કડકડતી ઠંડીમાં ગરીબો કે જેઓ બહાર ખુલ્લામાં સૂવા મજબૂર હોય છે. તેઓને ગરમ કપડાં, શાલ, ઓઢવાના કાબળા આપી પીડીત માનવતાની સેવા કરી.આ કાર્યક્રમમાં વાસ્તવમાં યોગ્ય વ્યક્તિઓને સહાયરૂપ થઈ શકાય તેથી આગલા દિવસ આ યુવાનોએ ગાયત્રી ચેતના કેન્દ્ર પર મળી યોજના બનાવવામાં આવી.

આ જરૂરિયાતમંદ માનવીઓને આખા દિવસની રઝડપાટ પછી પોતાના નિયત સ્થાનો પર ઉંઘ લઈ થાક ઉતારવાનો સમય હોય ત્યારે તેમની જરૂરિયાતની વાસ્તવિકતા નિહાળવા આગલા દિવસ રાત્રે આ યુવાનોની ટીમ ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોમાં નિરિક્ષણ કરી આયોજન હાથ ધરવામાં આવેલ. જે અનુસંધાને આજના આ કાર્યક્રમમાં મોડાસા સહયોગ ચોકડી, રેલ્વે સ્ટેશન વિસ્તાર, મોડાસા ચાર રસ્તા આસપાસનો વિસ્તાર, બસ સ્ટેશન વિસ્તાર, આઈ.ટી.આઈ. રોડ વિગેરે થઈ ચાલીસ જેટલી જગ્યાએ જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers