Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નડિયાદનો ૧૨ વર્ષનો વિરેન બન્યો વાહનચાલકોનો સુરક્ષા માર્ગદર્શક

(પ્રતિનિધિ) નડિયાદ, સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ ૬માં અભ્યાસ કરતા ૧૨ વર્ષના વિરેન નીરજભાઈ દેવીપુજક અભ્યાસની સાથે સાથે શહેરના વાહનચાલકોની સુરક્ષા માટે એક ખાસ કાર્ય કરી રહ્યા છે. વિરેનના પિતા નીરજભાઈ દિનશા પટેલ પ્લેનેટેરિયમ પાસે ટુ-વ્હીલર પર પતંગના દોરા સામે સુરક્ષા આપતા સેફ્ટી રોડ લગાવવાનું કાર્ય કરે છે. સ્કૂલ પછીના સમયમાં વિરેન પિતાના કાર્યના સ્થળે જઈ પોતાના વાહનમાં સેફ્ટી રોડ નખાવવા આવતા વાહનચાલકોને સેફ્ટી ટિપ્સ આપે છે.

ઉલ્લેખનીય છે કે ઉતરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરા થી અક્સ્માતના બનાવો અવારનવાર ધ્યાનમાં આવતા હોય છે. દર વર્ષે ગુજરાતમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે. ઉત્તરાયણ દરમિયાન સેફ્ટીની ગંભીરતા વિશે જણાવતા વિરેન કહે છે કે દરેક ટુ-વ્હીલરના વાહન ચાલકે સેફ્ટી રોડ નખાવો જાેઈએ.

આ રોડ ઓચિંતા રોડ પર પડતા પતંગના દોરા સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત હેલ્મેટ તથા મફલર પહેરીને જ ટુ-વ્હીલરની સવારી કરવી જાેઈએ. વિરેન ઈન્દિરાનગર રોયલ આઈટીઆઈની બાજુના વિસ્તારમાં રહે છે. વિરેનના પિતા નીરજભાઈ દેવીપુજક જણાવે છે કે વિરેન અભ્યાસમાં ખૂબ જ નિયમિત અને સમજુ બાળક છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers