Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષની દયનીય સ્થિતિઃ અધિકારીઓ જવાબ આપતા નથી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારી રાજ ચાલી રહયું છે તે બાબત વધુ એક વખત સાબિત થઈ છે મ્યુનિ. રેવન્યુ કમિટિ ચેરમેન દ્વારા લગભગ આઠ મહિના અગાઉ એક કૌભાંડ પકડવામાં આવ્યુ હતું

જેની તપાસ અંગે વારંવાર પત્રો લખવા છતાં જવાબદાર વિભાગ તરફથી કોઈ જ જવાબ મળતા નથી જેના કારણે ત્રસ્ત થયેલ કમિટી ચેરમેને આજે મ્યુનિ. કમિશ્નરને ત્રીજી વખત પત્ર લખી તેમનો બળાપો ઠાલવ્યો હતો. મ્યુનિ. કોર્પોરેશનમાં અધિકારી રાજ માટે સત્તાધારી પાર્ટીની નો રિપીટ થિયરી પણ જવાબદાર હોવાની ચર્ચા ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સ વિભાગની ઓનલાઈન સિસ્ટમમાં ૨૦૦થી વધુ લોકો ના ટેક્સમાં રકમમાં ઓનલાઇન છેડછાડ કરી અને તેમનો ટેક્સ માફ અથવા તો અન્ય ના ટેક્સની રકમમાં વધારો ઘટાડો કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું

જેમાં સ્વીપીંગ મશીનથી ભરપાઈ થયેલા નાણાં અન્ય કોઈ કરદાતાના ખાતામાં જમા થયા હોય તેવા અનેક કેસ બહાર આવ્યા હતાં. આ કૌભાંડની રકમ ઘણી મોટી હોવાનું પણ જે તે સમયે ચર્ચા થઈ હતી આ સમગ્ર કૌભાંડ રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલ દ્વારા બહાર લાવવામાં આવ્યું હતું.

ટેક્સ વિભાગનું કદાચ સૌથી મોટું કૌભાંડ આ હોઈ શકે તેવી શક્યતાને પગલે તેઓએ આ મામલે જે પણ ઝોનમાં આ રીતે થયું હોય તેની તપાસ માંગી હતી અને આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી.

રેવન્યુ કમિટિ ચેરમેન દ્વારા વિજિલન્સ તપાસની માંગણી કર્યાને આઠ મહિના થઈ ગયા હોવા છતાં પણ અધિકારીઓ ગાંઠતા નથી અને તેઓને જવાબ આપતા નથી તેના પરથી સ્પષ્ટ જણાય છે કે અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો વચ્ચે કોઈ જ સંકલન નથી.

ભાજપના સત્તાધીશોને અધિકારીઓ ગણકારતા જ નથી. એક બે વખત નહીં પરંતુ ત્રણ ત્રણ વખત રેવન્યુ કમિટીના ચેરમેનને જાે આવી વિજિલન્સ તપાસમાં શું સ્ટેટસ છે તે માટે અધિકારીઓને પત્ર લખવાની જરૂર પડે તો પછી સામાન્ય વ્યક્તિને કઈ રીતે કોર્પોરેશનમાં અધિકારીઓ જવાબ આપતા હશે ?

તેવી ચર્ચા પણ ચાલી રહી છે બીજી તરફ ભાજપનો જ એક વર્ગ માની રહયો છે કે કોર્પોરેશનમાં પાર્ટી દ્વારા નો રિપિટ થીયરી જે અપનાવવામાં આવે છે તેના માઠા પરિણામ જાેવા મળી રહયા છે. નવા સવા કોર્પોરેટરોને પુરતી માહિતી હોતી નથી જેના પરિણામે તેઓ વહીવટી તંત્ર પર નિર્ભર બની જાય છે.

તદઉપરાંત મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ દ્વારા પણ નાના મોટા તમામ કામોમાં કમિશ્નરને સત્તા સોંપવામાં આવે છે પરંતુ તેનો હિસાબ લેવામાં આવતો નથી આ કારણોસર પણ અધિકારી વર્ગ શાસકો ઉપર હાવી થઈ ગયો હોય તેમ માનવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.